અમદાવાદ અને ભુજ વચ્ચે ચાલનારી દેશની પ્રથમ નમો ભારત રેપિડ રેલનું વર્ચુઅલ ઉદઘાટન કર્યું
આગામી 25 વર્ષમાં આપણા દેશને વિકસિત બનાવવાનો આ ગોલ્ડન સમયગાળો છે. જેમાં ગુજરાતની સૌથી મોટી ભૂમિકા છેઃ પીએમ મોદી
વડાપ્રધાન પદની હેટ્રિક લગાવ્યા બાદ નરેન્દ્ર મોદી પહેલીવાર ગુજરાત પ્રવાસે પહોંચ્યા છે. ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસ દરમ્યાન આજે (16 સપ્ટેમ્બરે) અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં 4 વાગ્યે પીએમ મોદીનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો. તબક્કાવાર એક પછી એક લોકાર્પણના કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ પીએમ મોદી GMDC ગ્રાઉન્ડ ખાતે સન્માન સમારોહમાં પહોંચ્યા હતા. PM મોદી ખુલ્લી જીપમાં લોકો વચ્ચેથી અભિવાદન ઝીલતાં ઝીલતાં મુખ્ય સ્ટેજ સુધી પહોંચ્યા હતા. આ દરમિયાન લોકોનું માનવ મહેરામણ પણ ઉમટી પડ્યુ હતુ.
અમદાવાદનાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સન્માન યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય જળશક્તિ સીઆર પાટીલ પણ જોડાયા હતા. પીએમ મોદીએ જીએમડીસી ખાતેથી બટન દબાવીને ગુજરાતને 8,000 કરોડના વિકાસકાર્યોની ભેટ આપી હતી. સિંગલ વિંડો આઇટી સિસ્ટમ લોન્ચ કરી હતી. ત્યારબાદ વડાપ્રધાને પ્રધાનમંત્રી આવાસ યોજના લાભાર્થીઓને આવાસ યોજનાના મકાનોની ચાવી આપી હતી. દેશની પ્રથમ નમો ભારત રેપિડ રેલનું વર્ચુઅલ ઉદઘાટન કર્યું હતું. નરેન્દ્ર મોદીએ લગભગ 35 મિનિટ સુધી સભા સંબોધી હતી.
PM નરેન્દ્ર મોદીએ સંબોધનની શરૂઆત કરતા પૂછ્યું કે, કેમ છો બધા, એકદમ મજામાં?
ત્યાર બાદ આગળ જણાવ્યું કે, તમારા બધાની ક્ષમા માગીને મારે હિન્દીમાં ભાષણ કરવું છે, કારણ કે, બીજા રાજ્યના લોકો જોડાયા છે, આપણા ગુજરાતમાં હિન્દી ચાલે નહીં…ચાલે ને… દેશમાં ગણપતિ ઉત્સવ ચાલી રહ્યો છે. આજે ઈદ છે. ઉત્સવના આ સમયમાં ભારતના વિકાસનો ઉત્સવ પણ નિરંતર ચાલી રહ્યો છે. આજે ગુજરાતના હજારો પરિવાર તેમના નવા ઘરમાં પ્રવેશ પણ કરશે. મારી કામના છે, નવરાત્રિ, દશેરા, દુર્ગાપૂજા, ધનતેરસ, દીવાળી આ બધા તહેવાર એટલા જ ઉમંગ સાથે તમે નવા ઘરમાં મનાવશો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આજથી અમદાવાદ ભુજ વચ્ચે નમો ભારત રેપિડ રેડ શરૂ થઇ ગઇ છે, આ ટ્રેનથી મિડલ ક્લાસ લોકોને ફાયદો થશે. આવનારા સમયમાં દેશના અનેક શહેરોને નમો ભારત રેપિડ રેલ કનેક્ટ કરવાવાળી છે. દેશમાં 15થી વધુ રૂટ પર નવી નમો ભારત રેપિડ રેલ શરૂ થશે. 125થી વધારે વંદે ભારત ટ્રેન લોકોને સેવા આપી રહી છે.
ભારતીય રેલવે દ્વારા વંદે મેટ્રો ટ્રેનનું નામ બદલવામાં આવ્યું છે. આજે તેમના જન્મદિવસ પહેલા PM નરેન્દ્ર મોદી ગુજરાતના લોકોને દેશની પ્રથમ વંદે મેટ્રો ભેટ મળી છે, પરંતુ તે પહેલા આ ટ્રેનનું નામ બદલી દેવામાં આવ્યું છે. વંદે મેટ્રોના ઉદઘાટન પહેલા રેલવેએ વંદે મેટ્રોનું નામ બદલીને ‘નમો ભારત રેપિડ રેલ’ કરી દીધું છે. એટલે કે વંદે મેટ્રો હવે દેશભરમાં નમો ભારત રેપિડ રેલ નામથી ઓળખાશે.
પીએમ નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, દેશમાં જ નેગેવિટીથી ભરેલા કેટલાક લોકો ઉલટા કામ કરી રહ્યા છે. દેશની એકતા પર પ્રહાર કરી રહ્યાં છે. સરદાર પટેલે 500થી રજવાડા ભેગા કરીને ભારતનું એકીકરણ કર્યું. ત્યારે સત્તાના લાલચી લોકો ભારતના ટૂકડા કરવા માગે છે. તમે સાંભળ્યું હશે કે આ લોકો મળીને કહી રહ્યાં છેકે જમ્મુ કાશ્મીરમાં આર્ટીકલ 370ને પાછી લાવશે. બે સંવિધાન, બે વિધાનનો નિયમ ફરી લાવવા માગે છે. નફરતથી ભરેલા લોકો ભારતને બદનામ કરવાની તક નથી છોડતા. ગુજરાતને પણ નિશાને પર લઇ રહ્યાં છે. જેનાથી ગુજરાતે સતર્ક રહેવાની અને નજર રાખવાની જરૂર છે.
ત્રીજી વખત વડાપ્રધાનના શપથ લીધા પછી હું પહેલીવાર ગુજરાત આવ્યો છું. ગુજરાત મારી જન્મભૂમિ છે. દીકરો ઘરે આવે અને તમારા આશીર્વાદ મળે એટલે મને નવી ઊર્જા મળે છે. 7 વર્ષ પછી દેશની જનતાએ નવો ઇતિહાસ રચ્યો છે. દેશની સેવા કરવાનો લોકોએ મને ત્રીજીવાર મોકો આપ્યો છે. રાષ્ટ્ર પ્રથમનો સંકલ્પ દેવડાવી તમે જ મને દિલ્હી મોકલ્યો હતો. દેશવાસીઓને મેં એક ગેરંટી દીધી હતી કે, ત્રીજી ટર્મના 100 દિવસમાં દેશ માટે અભૂતપૂર્વ નિર્ણય લેવામાં આવશે. આ 100 દિવસમાં મેં દિવસ કે રાત જોઈ નથી. 100 દિવસના એજન્ટાને પુરો કરવા માટે સંપૂર્ણ તાકાત લગાવી દીધી. દેશ હોય કે વિદેશ, જ્યાં પણ જે પ્રયત્નો કરવાના હતા તે કર્યા, કોઇ કસર છોડી નથી.
પીએમ નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, મારા દેશવાસીઓ જ મારા આરાધ્ય છે. આ આરાધ્ય માટે મારી જાતને ખપાવવા નિર્ણય કર્યો છે. જીવીશ તો તમારા માટે, જી જાન સે ખપતો રહીશ તો તમારા માટે. કરોડો દેશવાસીઓના આશીર્વાદ સાથે નવા ઉમંગ અને ઉત્સાહ સાથે હું જીવી રહ્યો છું. લાંબા સમય બાદ હું ગુજરાત આવ્યો છું. તમારા પ્રત્યેનો પ્રેમ વધતો જ જાય છે.
આગામી 25 વર્ષમાં આપણા દેશને વિકસિત બનાવવાનો આ ગોલ્ડન સમયગાળો છે. જેમાં ગુજરાતની સૌથી મોટી ભૂમિકા છે. ગુજરાત ભારતનું પ્રથમ એરક્રાફ્ટ આપશે. આજે ગુજરાતમાં એકથી એક ચડિયાતી યુનિવર્સિટીઓ છે. વિદેશી યુનિવર્સિટીઓ પણ ગુજરાત આવીને કેમ્પસ ખોલી રહી છે. ગુજરાતની પૂરી દુનિયામા ધૂમ મચી છે.
પીએમ મોદીએ જણાવ્યું હતું કે, ઉત્સવની સાથે એક પીડા પણ છે. ગુજરાતના અનેક ભાગોમાં અતિવૃષ્ટિ થઈ છે. એક-બે જગ્યાએ નહીં પણ ગુજરાતના ખૂણે ખૂણે આ સ્થિતિ પેદા થઈ છે. જેના કારણે આપણે અનેક સ્વજનો ગુમાવ્યા છે. જાનમાલને પણ નુકસાન થયું છે. જે લોકોની સારવાર ચાલે છે તે જલ્દી સાજા થાય તેવી પ્રાર્થના કરું છું.
પીએમ મોદીએ જણાવ્યું હતું કે, આ સરદાર પટેલની ધરતીનો દીકરો છે, જેને જેટલી મજાક ઉડાવવી હોય એ ઉડાડો, તેને પણ મોજ આવશે. મેં નિર્ણય લીધો હતો કે, હું એક પણ શબ્દ નહીં બોલું. બધા અપમાન પચાવીને દરેક વર્ગના વિકાસની ગેરંટી પાકી થઈ ગઈ છે. ચૂંટણી સમયે 3 કરોડ નવા ઘર બનાવવાની ગેરંટી મેં દેશને આપી હતી.
PM નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ગુજરાતને આપણે નવી ઊંચાઈ પર લઈને જવાનું છે. એક્સપોર્ટ નથી થતું એની ક્વોલિટી સારી નથી. આ માનસિકતામાંથી આપણે બહાર નિકળવાનું છે. ભારત નવા સંકલ્પોની સાથે કામ કરે છે. હાલના દિવસોમાં મને અનેક દેશોમાં અનેક મંચ પર પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળ્યો છે. બધા ઈચ્છે છે કે, ભારત સાથે સારા સંબંધ રહે. કોઈ સમસ્યા હોય તો ભારતને સમાધાન માટે યાદ કરે છે. દુનિયાને આશા વધી ગઈ છે.
તેમણે કહ્યું કે, મારા દેશવાસીઓ જ મારા આરાધ્ય છે. મે મારા આ આરાધ્ય દેવની પૂજામાં પોતાની જાતને આહુત કરવાનો નિર્ણય કર્યો છે. જીવશ તો તમારી માટે, ઝઝુમીશ તો તમારી માટે. તમે મને આશીર્વાદ આપો. કરોડો દેશવાસીઓના આશીર્વાદથી એક નવા આત્મવિશ્વાસ સાથે, ઉમંગ સાથે 140 કરોડ ભારતવાસીઓના સપનાઓ માટે જીવું છું અને જીવવા માગું છું.