વડાપ્રધાન મોદીના નિવાસસ્થાને આજે એક નવા મહેમાનનું આગમન થયું છે. વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા સાઈટ X પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. વીડિયોમાં વડાપ્રધાન મોદી ગાયના વાછરડા સાથે જોવા મળી રહ્યા છે.
વડાપ્રધાન મોદીએ X હેન્ડલ પર એક વીડિયો પોસ્ટ કરતા લખ્યું કે, ‘આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે – ‘ગાવ: સર્વસુખ પ્રદા’. લોક કલ્યાણ માર્ગ સ્થિત વડાપ્રધાનના નિવાસસ્થાને એક નવા સભ્યનું શુભ આગમન થયું છે. વડાપ્રધાનના નિવાસસ્થાનમાં પ્રિય ગૌ માતાએ એક વાછરડાને જન્મ આપ્યો છે, જેના કપાળ પર જ્યોતિનું નિશાન છે. તેથી, મેં તેનું નામ ‘દીપજ્યોતિ’ રાખ્યું છે.’
વડાપ્રધાન મોદીએ તેમના નવા મહેમાન સાથે એક વીડિયો પણ શેર કર્યો, જેમાં વડાપ્રધાન મોદી સાથે તેમના નિવાસસ્થાને વાછરડું રમતું જોવા મળી રહી છે. મંદિરમાં પૂજા સમયે પણ વાછરડું વડાપ્રધાન મોદી સાથે વીડિયોમાં જોવા મળી રહ્યા છે. પૂરી ભક્તિ સાથે વડાપ્રધાન મોદીએ વાછરડાના ગળામાં ફૂલોની માળા પહેરાવી અને પછી તેને શાલ ઓઢાડી અને પછી તેને પ્રેમથી પોતાના ખોળામાં બેસાડી. જે બાદ વડાપ્રધાન મોદી પણ વાછરડાને બાળકની જેમ વાલ કરતા જોવા મળી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ ઘણી વખત સામે આવે છે. હાલમાં જ ફરી એકવાર પીએમ મોદીનો પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ જોવા મળ્યો. આપને જણાવી દઈએ કે, પીએમ મોદીના નિવાસસ્થાન પર પુંગનુર બ્રીડની ગાય છે જે આંધ્રપ્રદેશની છે. આ વિશ્વની સૌથી નાની બ્રીડની ગાય છે. તેમની ઊંચાઈ માત્ર અઢીથી ત્રણ ફૂટ છે. જ્યારે પુંગનુર પ્રજાતિનું વાછરડું જન્મે છે ત્યારે તેની ઊંચાઈ માત્ર 16 ઈંચથી 22 ઈંચ હોય છે. આ ગાયનું દૂધ ઘણું પૌષ્ટિક માનવામાં આવે છે. અગાઉ, મકર સક્રાંતિના અવસરે પીએમ મોદી તેમના આવાસ પર ગૌસેવા કરતા જોવા મળ્યા હતા.
આ આંધ્રપ્રદેશની પુંગનૂર ગાયો છે. લુપ્ત પ્રજાતિની શ્રેણીમાં આવતી આ ગાયોની કિંમત 3થી 20 લાખ રૂપિયાની વચ્ચે છે. તેમના દૂધમાં અનેક ઔષધીય ગુણો હોય છે. આ ગાયોનો ઉલ્લેખ પુરાણોમાં પણ જોવા મળે છે. લગભગ લુપ્ત થઈ ગયેલી આ ગાયોને 2019માં નવું જીવન મળ્યું.