મુસ્લિમ હોવા છતા પોતે હિન્દુ અને આર્મીમાં મેજર હોવાની ખોટી ઓળખ આપીને હિન્દુ યુવતિઓને ફસાવનાર આરોપીની ધરપકડ

mohammad-shahebaz

આરોપીએ બનાવટી હિન્દુ નામ ધારણ કરીને મુસ્લિમ તરીકેની ઓળખ છુપાવી અનેક સાથે છેતરપિંડી કરી હોવાની કબૂલાત કરી, ખોટા આધારકાર્ડ અને પાનકાર્ડ પણ બનાવ્યા હતા
લગ્ન કરવાની લાલચ આપી 14 હિન્દુ યુવતીઓ સાથે શારીરિક સંબંધ બાંધી તેમની પાસેથી રુપયા પડાવ્યા

અમદાવાદ રેલવે પોલીસે થોડા સમય અગાઉ ચોરીના ગુનામાં હર્ષિત ચૌધરી નામના એક આરોપીની ધરપકડ કરી હતી. આરોપીએ પોતાની અસલ ઓળખ છુપાવવા રાજસ્થાનના ભરતપુરના હર્ષિત ચૌધરી તરીકેની ઓળખ આપી હતી. ત્યારબાદ પોલીસે તપાસ કરતા આરોપીનું સાચું નામ હર્ષિત ચૌધરી નહિ, પરંતુ શહેબાજ ખાન હોવાનુ જાણવા મળ્યુ હતું. આરોપીએ પોતે મુસ્લિમ હોવા છતાં હિન્દુ તરીકેની ઓળખ આપીને આર્મી અધિકારીના પરિવારની યુવતી સહિત 14 હિન્દુ યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવી તેમની સાથે શારીરિક સંબંધ બાંધીને પૈસા પણ પડાવ્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

અમદાવાદમાં રેલવે પોલીસે ચોરી કેસમાં આરોપીની ધરપકડ કર્યા બાદ લવ જેહાદનો પર્દાફાશ કર્યો છે. રેલવે પોલીસે 31 ઓગસ્ટે કાલુપુર રેલવે સ્ટેશન પરથી એક ચોરીનો ગુનો નોંધ્યો હતો. જેમાં વંદે ભારત ટ્રેનમાંથી એક મુસાફરની બેગ ચોરી થઈ હતી. આ બેગમાં લેપટોપ અને સોનાની વીંટી સહિતનો સામાન હતો. રેલવે પોલીસે 7 સપ્ટેમ્બરે ચોરીના આરોપી હર્ષિત ચૌધરીની ધરપકડ કરી હતી. આરોપીએ પોતે રાજસ્થાનના ભરતપુરના રહેવાસી હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ આરોપીના રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરતા મોટો ખુલાસો થયો હતો.

હિન્દુ તરીકે ઓળખ આપી પોલીસને અંધારામાં રાખી
પોલીસને જાણવા મળ્યુ હતું કે આરોપીનું સાચું નામ હર્ષિત ચૌધરી નહીં, પરંતુ મોહમ્મદ શેહબાઝ મુસ્તાલઅલી ખાન (રહે. મૌલાના આઝાદનગર, શાહી મસ્જિદની બાજુમાં, અલીગઢ, યુપી) છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આરોપીએ shaadi.com વેબસાઈટ મારફતે તથા અલગ-અલગ ડેટિંગ એપ મારફતે પોતાની ઓળક હર્ષિત ચૌધરી તરીકે આપી હતી. આરોપી મુસ્લિમ હોવા છતાં પોતે હિન્દુ હોવાનુ જણાવી તેમજ પોતે આર્મીમાં મેજર હોવાની ઓળખ આપીને યુવતીઓ સાથે સંપર્ક કરી તેમને ફસાવતો હતો.

14 હિન્દુ યુવતીને ફસાવી
આરોપીએ જમ્મુ-કાશ્મીર, સીલીગુડી, ગુજરાત, મુંબઈ, દિલ્હી, અલીગઢ સહિત દેશમાં અલગ-અલગ જગ્યાએ 14 હિન્દુ યુવતીને પોતાની પ્રેમ જાળમાં ફસાવી હતી. આરોપીએ તે યુવતીઓ સાથે શારીરિક સંબંધ બાંધીને તેમની પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હતા. આરોપીના અલીગઢમાં 2016માં એક મુસ્લિમ યુવતી સાથે લગ્ન પણ થઇ ચૂક્યા છે, જેમાં બે બાળકો પણ છે. આરોપીના ભાઈ એરફોર્સમાં અધિકારી છે, જ્યારે પિતા નિવૃત્ત આર્મી અધિકારી છે. આરોપીની ઉંમર 30 વર્ષની છે. આરોપી અગાઉ આર્મીમાં નોકરી કરતો હતો, જ્યાંથી તેને મેડિકલ ગ્રાઉન્ડ પર કાઢી મૂકવામાં આવ્યો હતો. તેમ છતાં આરોપી યુવતીઓને પોતે મેજર હોવાની ઓળખ આપતો હતો.

આર્મીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો
આરોપી વર્ષ 2015માં આર્મીમાં સ્પોર્ટ્સ ક્વોટામાં નોકરી લાગ્યો હતો. આરોપીએ પોતાની નોકરી દરમિયાન પણ કેટલીક યુવતીઓનો સંપર્ક કર્યો હતો. આ ઉપરાંત આર્મીમાં હોવાથી પ્રતિબંધ હોવા છતાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતો હતો. આમ આરોપીના કૃત્યને લઈને તેને મેડિકલના આધારે આર્મીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. તેણે પોતાનો યુનિફોર્મ મેજર તરીકેનો બનાવ્યો હતો અને તે પહેરીને જ યુવતીઓને ફસાવતો હતો.

આરોપીના ખાતામાંથી 50 લાખના ટ્રાન્જેક્શન થયા હોવાની પણ વિગત સામે આવી
આરોપી પાસેથી હર્ષિત ચૌધરીના નામનું આર્મીનું ઓળખ કાર્ડ, પાન કાર્ડ અને આધાર કાર્ડ તેમજ મોહમ્મદ ખાન નામનુ આધાર કાર્ડ પણ મળી આવ્યું હતું. જેથી પોલીસે આ અંગે વધુ એક ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી તપાસ શરૂ કરી હતી. આરોપીએ બેંકમાં ખોટા ડોક્યુમેન્ટનાં આધારે હર્ષિત ચૌધરીના નામનું સેવિંગ એકાઉન્ટ ખોલાવીને તેમાં અલગ-અલગ ટ્રાન્જેક્શન કર્યા હતા. આરોપીના ખાતામાંથી 50 લાખના ટ્રાન્જેક્શન થયા હોવાની પણ વિગત સામે આવી છે. આરોપીએ પોતાની મેજર તરીકેની ઓળખ આપીને આર્મી કેમ્પમાં પણ રોકાયો હોવાની વિગત સામે આવી છે. આ ઉપરાંત મુંબઈ, ગોવા, ગુજરાત સહિતના અલગ-અલગ રાજ્યોમાં યુવતીઓને ફસાવવા માટે એર ટ્રાવેલ કરતો હોવાનું પણ સામે આવ્યું છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ એક યુવતીને પોતાની બહેન બનાવી હતી જેથી કે આરોપી કોઈ યુવતીને ફસાવે ત્યારે યુવતીને વિશ્વાસ અપાવવા તેને સાથે લઇ જતો હતો. સાથે જ જાણવા મળ્યું છે કે આરોપી વિરુદ્ધમાં અલીગઢમાં પણ એક ગુનો નોંધાઈ ચૂક્યો છે. આરોપી અંગે બેંકને, આર્મી, જ્યાં જ્યાં ટ્રાવેલ કર્યું તે ઓથોરિટીને ખોટા ડોક્યુમેન્ટ્ અંગે જાણ કરાશે, જેથી કોઈ ફરિયાદ નોંધાવવા માંગે તો તેમની પણ ફરિયાદ લેવામાં આવશે. આ ઉપરાંત 14 હિન્દુ યુવતીઓ સહિત અન્ય યુવતીઓને પણ આરોપીએ ફસાવી હોવાની શક્યતા છે, જેથી તે મામલે પણ તપાસ હાથ ધરવામાં આવશે.