દિલ્હી લિકર પોલિસી કેસમાં અરવિંદ કેજરીવાલને શરતી જામીન, સુપ્રીમ કોર્ટે 6 શરતો મૂકી, 177 દિવસ બાદ જેલની બહાર આવશે

kejriwal-bail

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આજે લાંબા સમય બાદ સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા છે. 177 દિવસ બાદ કેજરીવાલ આજે જેલની બહાર આવશે

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આજે(13 સપ્ટેમ્બરે) દિલ્હી લિકર પોલિસી સંબંધિત CBI કેસમાં જામીન મળ્યા છે. ED કેસમાં જામીન આપતી વખતે સુપ્રિમ કોર્ટે જે શરતો મૂકી હતી, તે જ શરતો આ જામીન માટે પણ મૂકી છે. કેજરીવાલ 177 દિવસ પછી જેલમાંથી બહાર આવશે.

જાણો કઈ શરતો સાથે મળ્યા જામીન

  • અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી કાર્યાલય કે સચિવાલય જઈ શકશે નહિ.
  • કોઈ પણ સરકારી ફાઇલ પર જ્યાં સુધી જરૂર ન હોય ત્યાં સુધી સહી નહીં કરે.
  • પોતાની ટ્રાયલ અંગે કોઈ જાહેર નિવેદન અથવા ટિપ્પણી કરશે નહીં.
  • કોઈપણ રીતે કોઈ સાક્ષી સાથે વાત નહીં કરે.
  • જરૂર પડશે તો ટ્રાયલ કોર્ટમાં હાજર થશે
  • તપાસમાં સહકાર આપશે.


દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું કે, કેજરીવાલ સાંજે 5-6 વાગ્યાની આસપાસ જેલમાંથી બહાર આવશે. પાર્ટીના તમામ કાર્યકર્તાઓ તેમના નિવાસસ્થાને આવવાના છે. પાર્ટીના કેટલાક કાર્યકરો તેમના સ્વાગત માટે તિહાર જેલની બહાર છે.

કેજરીવાલના જામીન બાદ વિવિધ નેતાઓ દ્વારા આપવામાં આવેલ પ્રતિક્રિયાઃ

અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલે કહ્યું કે, ભાજપે બનાવેલી યોજના નિષ્ફળ ગઈ છે. તેઓ વિપક્ષી નેતાઓને જેલમાં પુરીને સત્તામાં રહેવા માંગે છે. આ તેમનું એકમાત્ર લક્ષ્ય છે.

હરિયાણામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સુશીલ ગુપ્તાએ કહ્યું– હું SCના નિર્ણયનું સ્વાગત કરું છું, સત્યની જીત થઈ છે. અરવિંદ કેજરીવાલ ટૂંક સમયમાં હરિયાણામાં પ્રચાર માટે આવશે. પાર્ટી હવે વધુ ઉત્સાહ સાથે ચૂંટણી લડશે.

AAPના નેતા મનીષ સિસોદિયાએ કહ્યું કે, અમારા માટે આ ભાવનાત્મક ક્ષણ છે કે અમારા ભાઈ અને રાજકીય ગુરુ અરવિંદ કેજરીવાલ બીજેપી દ્વારા ઘડવામાં આવેલા તમામ ષડયંત્રોમાંથી બહાર આવવાના છે. સુપ્રીમ કોર્ટે ભાજપને સંદેશો આપ્યો છે કે તેમની તાનાશાહી બંધ કરવી પડશે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે સીબીઆઈ પાંજરામાં બંધ પોપટની જેમ કામ કરી રહી છે.

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું– અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળવી એ વાતનો પુરાવો છે કે સત્યને ક્યારેય દબાવી શકાતું નથી.

કેજરીવાલના જામીન પર શરદ પવારે કહ્યું– એક વાત સ્પષ્ટ છે કે દેશમાં લોકશાહીનો પાયો હજુ પણ મજબૂત છે. આટલા લાંબા સમયથી ચાલી રહેલી લડાઈ આજે સત્યના માર્ગ પર શરૂ થઈ છે. લોકશાહી દેશમાં કોઈને સત્તા પરથી હટાવવાનું ષડયંત્ર ક્યારેય સફળ થઈ શકતું નથી.

કેજરીવાલનાં જામીન બાદ ભાજપના સાંસદ મનોજ તિવારીએ કહ્યું કે, એક આરોપી જામીન પર બહાર આવી રહ્યો છે. કોર્ટે કહ્યું કે સીએમ હોવાના કારણે તેઓ કોઈ પણ ફાઇલ પર સહી કરી શકતા નથી. બેમાંથી કોઈ ઓફિસ જઈ શકતું નથી. દિલ્હીમાં રસ્તાઓ ખરાબ છે, સ્વચ્છ પાણી નથી. જો તમે કંઈ ન કરી શકો તો રાજીનામું આપો અને બીજાને તક આપો.

21 માર્ચે થઈ હતી ધરપકડ
અરવિંદ કેજરીવાલની 21 માર્ચે કથિત દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી હતી. લોકસભા ચૂંટણીના કારણે 10 મેના રોજ સુપ્રીમ કોર્ટે તેમને જામીન આપ્યા હતા. આ મામલે ED અને CBI બંને તપાસ કરી રહી છે. કેજરીવાલને 12 જુલાઈએ ED કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા હતા. જો કે ત્યારબાદ સીબીઆઈએ તેમની ધરપકડ કરી હતી. હવે તેમને સીબીઆઈ કેસમાં પણ જામીન મળી ગયા છે.