અરવિંદ કેજરીવાલ આખરે જેલમાંથી બહાર આવ્યા, કાર્યકરોએ ‘કેજરીવાલ આ ગયે’ના નારા લગાવ્યા

kejriwal1

જેલમાંથી બહાર આવતા જ બોલ્યા- ‘મારી હિંમત 100 ગણી વધી ગઈ

સુપ્રીમ કોર્ટે સીબીઆઈના કેસમાં જામીન આપ્યા બાદ આખરે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જેલથી મુક્ત થઈ ગયા છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને સાંસદ સંજય સિંહ સહિત આમ આદમી પાર્ટીના અનેક નેતાઓ અરવિંદ કેજરીવાલનું સ્વાગત કરવા જેલની બહાર પહોંચ્યા હતા. કેજરીવાલ બહાર આવ્યા બાદ તેમનું ઢોલનગારાના તાલે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન આપના કાર્યકરોએ ‘કેજરીવાલ આ ગયે’ના નારા લગાવ્યા હતા.

અરવિંદ કેજરીવાલ શુક્રવારે (13 સપ્ટેમ્બર) સાંજે લગભગ 6.15 વાગ્યે તિહાર જેલમાંથી બહાર આવ્યા હતા. જેલમાંથી બહાર આવતા જ આપ કાર્યકરો અને સમર્થકોની ભીડને સંબોધી હતી. કેજરીવાલે પહેલું નિવેદન આપતાં કહ્યું કે આ લોકોને લાગ્યું કે કેજરીવાલને જેલમાં નાખી દઈશું તો એનો જુસ્સો ખતમ થઈ જશે. પણ હું કહી દેવા માગુ છું કે મારી હિંમત 100 ગણી વધી ગઈ છે. કેજરીવાલે કહ્યું કે આ કાવતરામાં પણ સત્યનો વિજય થયો છે.

કેજરીવાલે કહ્યું કે જેલથી જાડી જાડી દિવાલો પણ કેજરીવાલના જુસ્સાને ખતમ ન કરી શકી. હું સાચો હતો, તેથી ભગવાને મારો સાથે આપ્યો. હું ભગવાનને પ્રાથર્ના કરું છું કે જેમ તેણે આજ સુધી મને રસ્તો બતાવ્યો એ જ રીતે મને આગળ પણ મદદ કરે અને હું દેશની સેવા કરું અને જે તાકાતો દેશને ભાગલા પાડવાના પ્રયાસો કરી રહ્યા છે અને દેશને નુકસાન પહોંચાડી રહ્યા છે હું તેમની સામે લડતો રહું. મારા લોહીનું દરેક ટીપું દેશ માટે છે. મારું જીવન દેશને સમર્પિત છે.

આપ નેતા સૌરભ ભારદ્વાજ અને આતિશીએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપતા કહ્યું કે, એકવાર ફરી તાનાશાહીની હાર થઈ છે અને સત્યની જીત થઈ છે.

ઉલ્લેખનીય છે કે આજે સવારે સુપ્રીમ કોર્ટે દિલ્હી લિકર પોલિસી સંબંધિત CBI કેસમાં કેજરીવાલને જામીન આપ્યા હતા. કોર્ટે જામીન માટે એ જ શરતો લાદી છે જે ED કેસમાં જામીન આપતી વખતે લાદવામાં આવી હતી.