હિમાચલ પ્રદેશની રાજધાની શિમલાના સંજૌલી સ્થિત મસ્જિદમાં ગેરકાયદેસર બાંધકામ વિરુદ્ધ હિંદુ સંગઠનો દ્વારા ઉગ્ર પ્રદર્શન ચાલુ છે. બુધવારે મસ્જિદના ગેરકાયદે બાંધકામને તોડી પાડવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું છે. પ્રદર્શનકારીઓએ રસ્તા પર હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા અને જય શ્રી રામના નારા લગાવ્યા હતા. ત્યારબાદ બેરિકેડ તોડીને લોકો મસ્જિદ પાસે પહોંચ્યા. આ દરમિયાન તેમને રોકવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને વોટર કેનનનો મારો ચલાવ્યો હતો.
સંજૌલીમાં પોલીસે હિન્દુ જાગરણ મંચના નેતા કમલ ગૌતમને કસ્ટડીમાં લીધા છે. હિન્દુ સંગઠનોનો દાવો છે કે તેમના એક ડઝન જેટલા નેતાઓની ધરપકડ કરવામાં આવી છે. ઢલી ટનલ પાસે વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. હિન્દુ સંગઠનો અને ઘણા સ્થાનિક લોકો આ મસ્જિદને તોડી પાડવાની તેમની માંગ પર મક્કમ છે.
https://x.com/AHindinews/status/1833762309023387906
ડીસી અનુપમ કશ્યપે સંજૌલીમાં કલમ 163 લાગુ કરી છે. આ અંતર્ગત સવારે 7 વાગ્યાથી 11:59 વાગ્યા સુધી 5 કે તેથી વધુ લોકોને એકઠા થવાની કે હથિયાર લઈ જવાની મંજૂરી આપવામાં આવશે નહીં. લાઉડ સ્પીકરના ઉપયોગ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. કોઈપણ વ્યક્તિને વિરોધ કરવાની મંજૂરી નથી. સંજૌલીમાં શાંતિ જાળવવા માટે પોલીસે મંગળવારે રાત્રે ફ્લેગ માર્ચ પણ યોજી હતી. જો કે સરકારી અને ખાનગી કચેરીઓ, શાળાઓ, બજારો સંપૂર્ણ ખુલ્લી રહેશે.
તાજેતરમાં થયેલ મારામારીની ઘટના બાદ આ મામલો ફરી સામે આવ્યો હતો. હાલનો વિવાદ 31 ઓગસ્ટના રોજ શરૂ થયો હતો, જ્યારે બે જૂથો વચ્ચે મારામારી થઈ હતી. આ પછી હિન્દુ સંગઠનોએ 1 અને 5 સપ્ટેમ્બરે પ્રદર્શન કર્યું અને મસ્જિદના ગેરકાયદે બાંધકામને તોડી પાડવાની માંગ કરી હતી.
શિમલાના માલ્યાના વિસ્તારમાં દુકાન ચલાવતા 37 વર્ષીય વિક્રમ સિંહને એક યુવક અને તેના મિત્રોએ માર માર્યો હતો. હુમલો કરનાર યુવકો મુસ્લિમ હોવા ઉપરાંત બીજા રાજ્યનો વતની છે તેમજ શિમલામાં નાનો વેપાર કરે છે. બંને પક્ષો વચ્ચે થયેલ બોલાચાલી બાદ મારામારી થતા આરોપીઓએ વિક્રમ સિંહ પર લાકડીઓ અને સળિયા વડે હુમલો કર્યો હતો. જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. વિક્રમ સિંહને માથામાં લગભગ 14 ટાંકા આવ્યા છે. આ કેસમાં ધારી પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીઓ પૈકી બે સગીર હતા.
આરોપ છે કે ગુનો કર્યા બાદ આ આરોપીઓ મસ્જિદમાં છુપાઈ ગયા હતા. જે બાદ હિન્દુ સંગઠનોએ સંજૌલીમાં પ્રદર્શન કર્યું અને મસ્જિદને ગેરકાયદે ગણાવીને તોડી પાડવાની માંગ કરી. 2 સપ્ટેમ્બરે લોકો સંજૌલીની વિવાદિત મસ્જિદની સામે પહોંચ્યા અને મસ્જિદની સામે હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવ્યો. હિંદુ સંગઠનોના બેનર હેઠળ પ્રદર્શનકારીઓએ આ મસ્જિદમાં ગેરકાયદે બાંધકામનો મુદ્દો ઉઠાવ્યો હતો અને પ્રશાસનને તેને તોડી પાડવાની માંગ કરી હતી. આ પછી આ મામલાને રાજકીય મહત્વ મળવા લાગ્યું. હિમાચલ વિધાનસભાના ચોમાસુ સત્રમાં પણ આ મુદ્દો મુખ્ય રીતે સામે આવ્યો હતો.
સુખુ સરકારના મંત્રી અને કુસુમપતિના કોંગ્રેસના ધારાસભ્ય અનિરુદ્વ સિંહે વિધાનસભામાં કહ્યું કે આ આખી મસ્જિદ ગેરકાયદેસર છે. તે હિમાચલ સરકારની જમીન પર બનેલ છે. તેમણે વિધાનસભામાં એમ પણ કહ્યું કે બહારથી આવતા લોકો શિમલાના વાતાવરણને બગાડી રહ્યા છે. તેણે લવ જેહાદ વિશે પણ વાત કરી અને શિમલામાં રોહિંગ્યાઓની હાજરીનો પણ ઉલ્લેખ કર્યો.
સંજૌલીમાં મસ્જિદ 1947 પહેલા બાંધવામાં આવી હતી. તે સમયે મસ્જિદનું કાચું મકાન હતું. 2010માં બિલ્ડીંગનું બાંધકામ શરૂ થયું હતું. 2010માં ગેરકાયદે બાંધકામની ફરિયાદ મહાનગરપાલિકા સુધી પહોંચી હતી. આ અંગેનો કેસ 2010થી કમિશનર કોર્ટમાં ચાલી રહ્યો છે. આ પછી 2024 સુધીમાં અહીં 5 માળનું નિર્માણ કરવામાં આવ્યું. મહાનગરપાલિકાએ અત્યાર સુધીમાં 35 વખત ગેરકાયદે બાંધકામ અટકાવવાના આદેશ આપ્યા છે. 2023માં કોર્પોરેશને મસ્જિદના શૌચાલયને તોડી પાડ્યું હતું.
મસ્જિદના સ્થાનને લઈને પણ વિવાદ છે. કેબિનેટ મંત્રી અનિરુદ્ધ સિંહે વિધાનસભામાં નિવેદન આપ્યું હતું કે આ મસ્જિદ હિમાચલ સરકારની જમીન પર બનેલી છે. તેમણે કહ્યું કે, જો સ્થાનિક લોકો ગેરકાયદે માળખું બનાવે છે, તો તેને તોડી પાડવામાં આવે છે અને સંજૌલીમાં મંજૂરી વિના બહુમાળી મસ્જિદ બનાવવામાં આવી હતી, પરંતુ તેને તોડી પાડવામાં આવી નથી.
મસ્જિદના ઈમામ શહજાદે જણાવ્યું કે મસ્જિદ 1947 પહેલાની છે. અગાઉ મસ્જિદ કાચી હતી અને બે માળની હતી. લોકો મસ્જિદની બહાર નમાઝ અદા કરતા હતા જેના કારણે નમાઝ અદા કરવામાં મુશ્કેલી પડતી હતી. આ જોઈને લોકોએ દાન એકત્રિત કર્યું અને મસ્જિદનું નિર્માણ શરૂ કર્યું. વક્ફ બોર્ડે કોર્ટમાં દાવો કર્યો હતો કે મસ્જિદ વકફ બોર્ડની જમીન પર બનાવવામાં આવી હતી. કાયદો જે પણ નિર્ણય લેશે તે દરેકને સ્વીકાર્ય રહેશે. આ કેસની સુનાવણી 5 ઓક્ટોબરે કોર્ટમાં થશે.