પાકિસ્તાને પહેલીવાર 1999માં ભારત વિરુદ્ધ કારગિલ યુદ્ધમાં પોતાની સંડોવણી સ્વીકારી છે. પાકિસ્તાની સેનાના વડાએ સંરક્ષણ દિવસ સમારોહમાં સંબોધન દરમિયાન કહ્યું હતું કે તેઓએ યુદ્ધમાં તેમના સૈનિકો ગુમાવ્યા છે.
કારગિલ યુદ્ધનાં 25 વર્ષ બાદ આખરે પાકિસ્તાને કારગીલનું સત્ય સ્વીકાર્યું છે. પાકિસ્તાની સેનાએ પહેલીવાર જાહેરમાં સ્વીકાર્યું છે કે ભારત વિરુદ્ધ 1999ના કારગિલ યુદ્ધમાં તે સામેલ હતી. હિન્દુસ્તાન ટાઈમ્સના એક અહેવાલ પ્રમાણે રક્ષા દિવસ નિમિત્તે યોજાયેલા એક કાર્યક્રમમાં પાકિસ્તાન સેનાના વડા જનરલ અસીમ મુનીરે કારગિલ યુદ્ધ સહિત ભારત સામેના વિવિધ સંઘષોમાં શહીદ થયેલા પાકિસ્તાની સૈનિકોને યાદ કર્યાં હતા.
https://x.com/ians_india/status/1832370958331515351
પાકિસ્તાન આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે સંરક્ષણ દિવસ નિમિત્તે આયોજિત એક કાર્યક્રમમાં ભારત સાથેના વિવિધ યુદ્ધોમાં માર્યા ગયેલા પાકિસ્તાની સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ યુદ્ધોમાં કારગિલ યુદ્ધ પણ સામેલ હતું. આ પહેલા બે દાયકાથી વધુ સમયથી પાકિસ્તાન આ અંગે કોઈ સત્તાવાર ટિપ્પણી કરવામાં સાવધ રહ્યું હતું.
જનરલ અસીમ મુનીરે તેમના સંબોધન દરમિયાન કહ્યું, “પાકિસ્તાનીઓ બહાદુર માણસોનો સમૂહ છે જે સ્વતંત્રતાની કદર કરે છે અને સ્વતંત્રતા માટે કંઈપણ કરવા તૈયાર છે.” તેમણે વધુમાં કહ્યું કે, “1948, 1965, 1971 હોય કે 1999નું કારગિલ યુદ્ધ હોય, અમારા હજારો સૈનિકોએ દેશ અને ઇસ્લામ માટે બલિદાન આપ્યું છે.”
આ નિવેદન પાકિસ્તાન દ્વારા લાંબા સમયથી આપવામાં આવતા સત્તાવાર નિવેદનોથી સંપૂર્ણપણે અલગ છે. આજ સુધી પાકિસ્તાન કારગિલ યુદ્ધ વિશે કહેતું આવ્યું છે કે આ હુમલો આતંકવાદીઓએ કર્યો હતો અને જેમને તેઓ મુજાહિદ્દીન કહે છે.
જનરલ મુનીરના આ નિવેદન સાથે પાકિસ્તાને સ્વીકાર્યું છે કે કારગીલમાં પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા. આ યુદ્ધ દરમિયાન પાકિસ્તાની સેનાએ કાશ્મીરમાં વ્યૂહાત્મક સ્થાનો પર કબજો જમાવ્યો હતો, જે બાદ ભારતે જડબાતોડ જવાબ આપ્યો હતો. આ ઓપરેશનમાં પાકિસ્તાનને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો, ત્યારબાદ અમેરિકી રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટને તત્કાલીન પાકિસ્તાની વડાપ્રધાન નવાઝ શરીફને કારગિલ સેક્ટરમાંથી સેનાની ટુકડીઓ હટાવવાનો આદેશ આપવા દબાણ કર્યું હતું.
ભારતે સતત આગ્રહ કર્યો છે કે આ સંઘર્ષ પાકિસ્તાની સૈન્ય દ્વારા સીધો હુમલો હતો. આતંકવાદીઓને કવર તરીકે લઈને પાકિસ્તાની સેના કારગીલમાં ઘૂસણખોરી કરી હતી. 26 મે અને 29 મેના રોજ રાવલપિંડીમાં જનરલ મુશર્રફ (તેમની બેઇજિંગની મુલાકાત દરમિયાન) અને તેમના ચીફ ઓફ જનરલ સ્ટાફ લેફ્ટનન્ટ જનરલ મોહમ્મદ અઝીઝ વચ્ચેની વાતચીત બહાર આવી ત્યારે આ સ્પષ્ટ થયું.