મુંબઈનાં વિખ્યાત “લાલબાગ ચા રાજા”ને 20 કિલો સોનાનો મુગટ અર્પણ, કિંમત 15 કરોડ રૂપિયા

lalbaugcharaja

અનંત અંબાણીએ ગણેશ ભગવાનને 15 કરોડની કિંમતનો સોનાથી બનેલો મુગટ અર્પણ કર્યો

શનિવારથી શરૂ થનાર પાવન પર્વ ગણેશ ચતુર્થી પૂર્વે ગઈકાલે સાંજે ‘લાલબાગ ચા રાજા’ ની પ્રથમ ઝલક જોવા મળી હતી. જાજરમાન પ્રતિમા પર થી પડદો ઉઠાવ્યો હતો અને ગણપતિ બાપ્પાના દિવ્ય દર્શન થયા હતા. ત્યારબાદ લાલબાગ ચા રાજાને 20 કિલો સોનાનો મુગટ પહેરાવવામાં આવ્યો હતો.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ‘લાલબાગ ચા રાજા’ ને આ મુગટ દાનમાં આપવામાં આવ્યો હતો. આ મુગટની ખૂબ ચર્ચા થઈ રહી છે કારણ કે તેને બનાવવામાં 20 કિલો સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સોનાના મુગટની કિંમત 15 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

‘લાલબાગ ચા રાજા’ મંડળના પ્રમુખ બાલાસાહેબ કાંબલેએ જણાવ્યું હતું કે, ગઈકાલે અંબાણી પરિવાર દ્વારા દાન તરીકે 20 કિલોનો સોનાનો મુગટ લાવવામાં આવ્યો છે. પ્રથમ ઝલક બાદ રાજાને આ મુગટ પહેરાવવામાં આવ્યો હતો. અંબાણી પરિવાર લાંબા સમયથી મંડળ સાથે સંકળાયેલો છે અને અમે ગણપતિ બાપ્પા પ્રત્યેની તેમની ભક્તિ જોઈને ગર્વ અનુભવીએ છીએ. તેઓ વારંવાર આ ઉત્સવમાં સામેલ થાય છે.

અનંત અંબાણી અને સમગ્ર અંબાણી પરિવાર છેલ્લા ઘણા સમયથી ‘લાલબાગ ચા રાજા’ મંડળ સાથે સંકળાયેલો છે અને તેઓ લાલબાગ ચા રાજાની વિસર્જન યાત્રામાં પણ ભાગ લે છે. અનંત અંબાણી છેલ્લા 15 વર્ષથી લાલ બાગ ચા રાજા કમિટી સાથે જોડાયેલા છે અને આ વર્ષે તેમને માનદ સભ્ય તરીકે સમિતિમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

અનંત અંબાણીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, વર્લ્ડ-ક્લાસ બિઝનેસ ફેમિલી હોવા ઉપરાંત તેઓ બધા ખૂબ જ ધાર્મિક અને આધ્યાત્મિક છે અને સનાતન ધર્મમાં માને છે. મારો ભાઈ શિવનો મોટો ભક્ત છે. મારા પિતા ભગવાન ગણેશની પૂજા કરે છે. મારી માતા નવરાત્રી દરમિયાન નવ દિવસ ઉપવાસ કરે છે. મારી દાદી પણ શ્રીનાથજીના ભક્ત છે. મારા પરિવારમાં દરેક વ્યક્તિ ભગવાનના ભક્ત છે. આપણી પાસે જે કંઈ છે તે તેમણે આપ્યું છે. અમે માનીએ છીએ કે ભગવાન સર્વત્ર છે, તમારામાં અને મારામાં. મારો આખો પરિવાર સનાતન ધર્મમાં માને છે.

ઉલ્લેખનીય છે કે લાલ બાગ ચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળ જે મુંબઈના પૂતલાબાઈ ચોલ માં આવેલ છે તેની 1934 થી સ્થાપના થયેલ અને દર વર્ષે અનેક મહાનુભાવો સહિત હજારો લોકો દર્શન માટે આવે છે.