ભાજપ ઈચ્છે કે ન ઈચ્છે પરંતુ જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવો પડશે: રાહુલ ગાંધી

rahul-gandhi

જમ્મુ કાશ્મીર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ તમામ રાજકીય પક્ષો ચૂંટણીની તૈયારીમાં જોડાઈ ગયા છે. હરિયાણામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વિધાનસભા ચૂંટણી માટે ગઠબંધનની વાતચીત ચાલી રહી છે. તો જમ્મુ કાશ્મીરમાં રાહુલ ગાંધીની રેલીઓ સાથે કોંગ્રેસ પાર્ટીનો ચૂંટણી પ્રચાર શરુ થઈ ગયો છે.

કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી આજે (4 સપ્ટેમ્બર 2024) જમ્મુ-કાશ્મીરના રામબન પહોંચ્યા હતા. રાહુલે અહીં ગુલ વિસ્તારના સાંગલદાનમાં એક રેલીને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.

રાહુલ ગાંધીએ રેલીને સંબોધતા કહ્યું કે, ‘હું અહીં તમારા દરેકનું સ્વાગત કરું છું. પહેલીવાર હિંદુસ્તાનના રાજ્યમાંથી લોકોના અધિકારો છીનવી લેવામાં આવ્યા છે. પહેલા કેન્દ્રસાશિત પ્રદેશને રાજ્ય બનાવાયું હતું. રાજ્યના ભાગલા પાડીને બે રાજ્યો બનાવ્યા. તેલંગાણા, છત્તીસગઢ અને ઉત્તરાખંડ બન્યાં. દેશમાં ઘણી વખત રાજ્યોનું વિભાજન થયું પરંતુ પહેલીવાર રાજ્યનો દરજ્જો છીનવાઈ ગયો.”

જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો પાછો આપવો પડશે. અમે દેશને બંધારણ આપ્યું છે. તમારા લોકોની સંપત્તિ તમારી પાસેથી છીનવીને બહારના લોકોને આપવામાં આવી રહી છે. અમે ઇચ્છતા હતા કે ચૂંટણી પહેલા તમને રાજ્યનો દરજ્જો મળે અને પછી ચૂંટણી યોજાય, પરંતુ ભાજપ આવું નથી ઇચ્છતી. ઇન્ડિયા ગઠબંધન કોઈપણ સંજોગોમાં જમ્મુ-કાશ્મીર પર તેના અધિકાર મેળવવા માટે દબાણ કરશે. ભાજપ ઇચ્છે કે ન ઇચ્છે, ભાજપે જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવો જ પડશે.

રાહુલ ગાંધીએ કહ્યું કે, તમે જોયું હશે કે સમગ્ર દેશમાં ભાજપ – આરએસએસના લોકો હિંસા અને ભય ફેલાવી રહ્યા છે. લડાઈ માત્ર બે જ વસ્તુઓ વચ્ચે છે, નફરત અને પ્રેમ. અમે એક સૂત્ર આપ્યું છે કે, નફરતની બજારમાં પ્રેમની દુકાન ખોલીશું. નફરતને પ્રેમ દ્વારા હરાવી શકાશે.

પહેલા જ્યારે વડાપ્રધાન અહીં આવતા હતા ત્યારે તેમની છાતી પહોળી હતી પરંતુ હવે નથી. આ સાથે રાહુલ ગાંધીએ દેશમાં તેમજ જમ્મુ-કાશ્મીરમાં બેરોજગારીને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે આજે સમગ્ર દેશમાં બેરોજગારી વ્યાપક છે. ખીણમાં યુવાનો બેરોજગાર છે પરંતુ કોઈને તેની પરવા નથી. તેમણે કહ્યું કે આખી સરકાર બે અરબ પતિઓ માટે ચલાવવામાં આવી રહી છે. તમે અદાણીનું નામ સાંભળ્યું છે? અદાણી મોદીજીના મિત્ર, જે બધા નાના કામ કરે છે, અને મોદીજી તેમના માટે GST લઈ આવે છે.