હરિયાણામાં રાજકારણ ગરમાયો, રાષ્ટ્રીય સ્તરના ખેલાડી વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા રાહુલ ગાંધીને મળ્યા બાદ શું ચૂંટણી લડવાનો કર્યો નિર્ણય. વિનેસ ફોગાટ જુલાનાથી અને બજરંગ પુનિયા બાદલીથી લડશે તેવા સંકેત ચૂંટણી.
કુસ્તીબાજ બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટે બુધવારે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ, સાંસદ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન રેસલર વિનેશ ફોગટ અને બજરંગ પુનિયા વિશે મોટા સમાચાર આવી રહ્યા છે કે આ બંને કુસ્તીબાજો કોંગ્રેસમાં જોડાઈ શકે છે. કોંગ્રેસે આ બેઠકની તસવીર X પર પોસ્ટ કરી છે. અને સાથે કોંગ્રેસે લખ્યું છે કે ‘વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા વિપક્ષના નેતા રાહુલને મળ્યા.’ કોંગ્રેસે બંને કુસ્તીબાજોને પોતાની પાર્ટીમાં જોડાવાનો પ્રસ્તાવ મુક્યો હતો
પરંતુ અત્યાર સુધી બંને કુસ્તીબાજોએ આ પ્રસ્તાવ પર મૌન જાળવ્યું હતું પરંતુ રાહુલ ગાંધીને મળ્યા બાદ આ બંને કોંગ્રેસમાં જોડાવાના સંકેત મળી રહ્યા છે. એટલું જ નહીં, કોંગ્રેસ સાથે કુસ્તીબાજ વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાની મિત્રતાની ઘણી એવી ક્ષણો જોવા મળી હતી.
આ કુસ્તીબાજો આગામી હરિયાણા વિધાનસભામાં ચૂંટણી લડી શકે છે અને ચૂંટણીમાં કોંગ્રેસ બંનેને ટિકિટ આપી શકે તેમ છે. એઆઈસીસીના મહાસચિવ અને હરિયાણાના પ્રભારી દીપક બાબરિયાએ મંગળવારે કહ્યું કે ગુરુવાર સુધીમાં સ્થિતિ સ્પષ્ટ થઈ શકે છે.
કોંગ્રેસે તેના સત્તાવાર એક્સ હેન્ડલ પર વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા સાથે રાહુલ ગાંધીની તસવીર પોસ્ટ કરી છે. પુનિયા અને ફોગાટ ભાજપના ભૂતપૂર્વ સાંસદ અને તત્કાલીન રેસલિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયાના વડા બ્રિજ ભૂષણ શરણ સિંહ સામે જાતીય સતામણીના આરોપો સામે 2023ના વિરોધનો ભાગ હતા.
જો કે હજુ સુધી નામોની જાહેરાત કરવામાં આવી નથી. કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ મંગળવાર સુધી 90માંથી 66 બેઠકો માટે ઉમેદવારોના નામોને મંજૂરી આપી દીધી છે. એકાદ-બે દિવસમાં કોંગ્રેસના ઉમેદવારોની યાદી જાહેર થઈ શકે છે. હરિયાણાની 90 વિધાનસભા બેઠકો પર 5 ઓક્ટોબરે મતદાન થશે અને 8 ઓક્ટોબરે મતગણતરી થશે.
કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC)ની બેઠકમાં ગાંધીએ હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવા માટે વાતચીત કરી છે. પાર્ટીના નેતા અને રાજ્યસભાના સભ્ય સંજય સિંહે એવા અહેવાલોને આવકાર્યા હતા જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ હરિયાણામાં અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની પાર્ટી સાથે જોડાણની શક્યતામાં રસ દાખવ્યો છે.
ફોગાટ અને પુનિયાને ટિકિટ ક્યાંથી મળશે? માનવામાં આવે છે કે બજરંગ પુનિયાને બદલી સીટ પરથી ટિકિટ મળી શકે છે. કોંગ્રેસના કુલદીપ વત્સ હાલમાં આ બેઠક પરથી ધારાસભ્ય છે. જો વિનેશ ફોગટ ચૂંટણી લડે છે તો કોંગ્રેસ તેમને બરડા અથવા જુલાનાથી ટિકિટ આપી શકે છે. બરડા તેમનું ઘર છે, જ્યારે જુલાના તેમના સાસરાનું ઘર છે.