કોર્પોરેશનની જગ્યામાં ગેરકાયદેસર દબાણ કર્યુ હોવાનુ જણાવી પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપી હતી
રાજકારણમાં ઇમાનદાર પાર્ટીનું ટેગ લઇને ફરતી AAP પાર્ટીના કોર્પોરેટર લાંચ કેસમાં ઝડપાયા છે. સુરતમાં આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટર સામે ACB(એન્ટી કરપ્શન બ્યુરો)એ ગુનો નોંધ્યો છે. કોર્પોરેટર જીતેન્દ્ર પાંછાભાઈ કાછડિયા અને વિપુલભાઈ સુહાગીયા સામે 10 લાંખ રુપયાની લાંચ માંગવા બાબતે ગુનો નોંધાયો છે. જે અંતર્ગત વિપુલ સુહાગીયાની ધરપકડ કરવામાં આવી છે.
મલ્ટી લેવલ પે એન્ડ પાર્કના કોન્ટ્રકટરે શાકભાજી માર્કેટની જગ્યામાં દબાણ કરેલાનું જણાવી કોન્ટ્રાકટ રદ કરાવવાની ધમકી આપી 10 લાખની લાંચની માંગણી કરવામાં આવતા આ મામલે એસીબીએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ સુરતના પુણા મગોબ ગામની સીમમાં આવેલા મલ્ટી લેવલ પે એન્ડ પાર્કની બાજુમાં મહાનગર પાલિકા દ્વારા શાકભાજી માર્કેટની પણ જગ્યા ફાળવવામાં આવી હતી. કોર્પોરેટર જીતેન્દ્ર કાછડિયા અને વિપુલ સુહાગીયાએ કોન્ટ્રાકટરને શાકભાજી માર્કેટની કોર્પોરેશનની જગ્યામાં ગેરકાયદેસર દબાણ કર્યુ હોવાનું જણાવીને પોલીસ ફરિયાદ અને કોન્ટ્રકટ રદ કરાવી દેવાની ધમકી આપી હતી.
બંને કોર્પોરેટરે આ અંગે કોન્ટ્રાકટર પાસે માફીપત્ર પણ લખાવ્યું હતું અને કાર્યવાહીથી બચવા માટે 11 લાખ રુપિયાની લાંચ માંગી હતી. જેમાં રકઝક બાદ રૂ.10 લાખમાં ડીલ ફાઈનલ થઈ હતી. આ સમગ્ર વાતચીતનું કોન્ટ્રાકટરે રેકોડીંગ કર્યુ હતું. આરોપીઓ દ્વારા નાણા શબ્દને બદલે કોડવર્ડ તરીકે સાંકેતિક ભાષામાં ડોક્યુમેન્ટ આપવાના છે તેવો શબ્દ વાપરતા હતા. જે અંગે વાતચીતમાં જ ડોક્યુમેન્ટ એટલે કે નાણા એવી સ્પસ્ટતા આરોપીઓ દ્વારા કરવામાં આવી હતી.
એસીબી દ્વારા આ મામલે વાતચીતનાં રેકોર્ડિંગની સીડી એફએસએલમાં મોકલી તપાસ કરાઈ હતી જેમાં નો ટેમ્પરીંગનું પ્રમાણપત્ર મળ્યું હતું. એસએસએલ ખાતે ફરીયાદી તથા આરોપીઓનું વોઈસ સ્પેક્ટ્રોગાફી પરીક્ષણ પણ કરાયુ હતું. જેમાં બંને કોર્પોરેટર દ્વારા લાંચની માંગણી કરી હોવાનું સ્પષ્ટ થતા એસીબીએ આમ આદમી પાર્ટીના બંને કોર્પોર્રેટર સામે ગુનો નોંધી વિપુલ સુહાગીયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાતના સુરત શહેરના આમ આદમી પાર્ટીના કોર્પોરેટર વિપુલ સુહાગિયાની ધરપકડ કરવામાં આવી છે. જેમાં ધારાસભ્ય કુમાર કાનાણીએ ગંભીર આક્ષેપ કર્યા છે. તેમાં કુમાર કાનાણીએ જણાવ્યું છે કે આમ આદમી પાર્ટી તોડ પાર્ટી છે. જેના આકા કેજરીવાલ જેલમાં ગયા છે એના કોર્પોરેટર પણ જેલમાં જઈ રહ્યા છે. લોકોએ વિશ્વાસ રાખી વોટ આપ્યા છે. આપના કોર્પોરેટરે લોકોનો વિશ્વાસ તોડ્યો છે.