કોઈપણ આરોપીની મિલકત એટલા માટે નથી તોડી પાડવામાં આવી કારણ કે તેણે ગુનો કર્યો. આરોપીઓના ગેરકાયદેસર કબજા સામે મ્યુનિસિપલ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે- કેન્દ્ર સરકાર
આજે સુપ્રીમ કોર્ટમાં બુલડોઝર કાર્યવાહી મુદ્દે સુનાવણી શરૂ થઈ હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો કોઈ વ્યક્તિ માત્ર આરોપી હોય તો પ્રોપર્ટી તોડવાની કાર્યવાહી કેવી રીતે થઈ શકે? જસ્ટિસ વિશ્વનાથન અને બીઆર ગવઈની બેન્ચે કહ્યું, “જો કોઈ દોષિત હોય તો પણ આવી કાર્યવાહી કરી શકાય નહીં.” કોર્ટે કહ્યું કે માત્ર આરોપી હોવાના આધારે કોઈના ઘરને તોડવું યોગ્ય નથી. કોર્ટે શાસન અને વહીવટની કાર્યવાહી પર સવાલ ઉઠાવતાં કહ્યું કે જો કોઈ દોષિત હોય તો પણ ઘર ન તોડી શકાય.
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ આ વાતનો સ્વીકાર કર્યો અને કહ્યું કે જે કાર્યવાહી કરવામાં આવી છે, તે મ્યુનિસિપલ કાયદા અનુસાર જ કરવામાં આવી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે જેમના વિરુદ્ધ કાર્યવાહી થઈ છે તે ગુના કે આરોપના કારણે નહીં પરંતુ ગેરકાયદેસર કબ્જો કે નિર્માણના કારણે નિશાના પર છે. તેમણે જણાવ્યુ કે ગેરકાયદે કબ્જાના મામલે મ્યુનિસિપલ સંસ્થાઓ દ્વારા નોટિસ આપ્યા બાદ જ કાર્યવાહી કરવામાં આવી છે. જસ્ટિસ વિશ્વનાથને સરકાર પાસે વિસ્તૃત જવાબ માગ્યો છે. કોર્ટે નોટિસ, કાર્યવાહી અને અન્ય આરોપો પર સરકારને જવાબ આપવાના પણ આદેશ આપ્યા છે.
“કોઈનો દીકરો આરોપી હોઇ શકે, પણ આ આધારે બાપનું ઘર તોડી પાડવાનું! આ યોગ્ય કાર્યવાહી નથી- સુપ્રીમ કોર્ટ”
“કોઈપણ આરોપીની મિલકત એટલા માટે નથી તોડી પાડવામાં આવી કારણ કે તેણે ગુનો કર્યો. આરોપીઓના ગેરકાયદેસર કબજા સામે મ્યુનિસિપલ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે- કેન્દ્ર સરકાર”
સુપ્રીમ કોર્ટ જમિયત-ઉલેમા-એ-હિંદની અરજી પર સુનાવણી કરી રહી છે. અરજીમાં સરકાર દ્વારા આરોપીઓના ઘર પર મનમાની રીતે બુલડોઝર ચલાવવા પર રોક લગાવવાની માગ કરી હતી. તેમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે ભાજપ શાસિત રાજ્યોમાં મુસ્લિમોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે અને બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. અરજીમાં યુપી, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં તાજેતરમાં થયેલી બુલડોઝર કાર્યવાહીનો ઉલ્લેખ કરતાં લઘુમતી સમુદાયને નિશાન બનાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. હવે આ કેસની સુનાવણી 17 સપ્ટેમ્બરે હાથ ધરાશે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે અહીં ગેરકાયદેસર અતિક્રમણની વાત નથી કરી રહ્યા. કોર્ટ કોઈ પણ ગેરકાયદેસર નિર્માણને સુરક્ષા આપશે નહીં. આ કેસ સાથે સંબંધિત પાર્ટીઓ સૂચન આપે. અમે જેથી સમગ્ર દેશમાં સંપત્તિઓના ધ્વસ્તીકરણ સંબંધમાં ગાઇડલાઇન જારી કરી શકીએ.
એમ્નેસ્ટી ઇન્ટરનેશનલના ફેબ્રુઆરી 2024ના રિપોર્ટ અનુસાર એપ્રિલ 2022થી જૂન 2023ની વચ્ચે દિલ્હી, આસામ, ગુજરાત, મધ્યપ્રદેશ અને યુપીમાં સાંપ્રદાયિક હિંસા બાદ 128 સંપત્તિઓને બુલડોઝરથી ધ્વસ્ત કરી દેવાઈ.
મધ્યપ્રદેશના છતરપુરમાં પોલીસ પર પથ્થરમારો કરનાર એક આરોપીના પિતાની સંપત્તિ પર બુલડોઝર ચલાવી દેવાયુ, અને મુરાદાબાદ તથા બરેલીમાં પણ બુલડોઝરથી સંપત્તિઓ ધ્વસ્ત કરી દેવાઈ. રાજસ્થાનના ઉદયપુર જિલ્લામાં બે વિદ્યાર્થીઓને ચાકુ માર્યા બાદ આરોપી રાશિદ ખાનનું ઘર પણ બુલડોઝરથી તોડી પડાયુ હતુ.