ગુજરાતને સેમિકંડક્ટરના ચોથા પ્લાન્ટની ભેટ: સાણંદમાં 3300 કરોડના પ્લાન્ટને મંજૂરી, દરરોજ 60 લાખ ચિપ્સનું થશે ઉત્પાદન

semiconductor

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકે ઇન્ડિયા સેમિકંડક્ટર મિશન અંતર્ગત સાણંદમાં વધુ એક સેમિકંડક્ટર યુનિટની સ્થાપનાની મંજૂરી આપી છે. આ પ્લાન્ટ કેયન્સ સેમિકોન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રૂપિયા 3300 કરોડના સૂચિત રોકાણ સાથે સ્થપાશે. રોજની 60 લાખ ચિપ્સનું ઉત્પાદન થવાની ક્ષમતા સાથેનો આ પ્લાન્ટ બનશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં વાઇબ્રન્ટ સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમના નિર્માણને વેગ આપવાની પ્રતિબદ્ધતા સાથે વડાપ્રધાને આપેલી આ વધુ એક પ્લાન્ટની ભેટ માટે સમગ્ર ગુજરાત વતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે,ગુજરાત સેમિકન્ડક્ટર હબ બનવાની દિશામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લીડરશીપમાં ઝડપભેર આગળ વધી રહ્યું છે.

આ હેતુસર 2023માં સાણંદમાં માઇક્રોનના પ્રથમ સેમિકન્ડક્ટર પ્લાન્ટની સ્થાપના માટે તેમણે આપેલી મંજૂરી બાદ ફેબ્રુઆરી ૨૦૨૪માં ધોલેરામાં ટાટા ઇલેક્ટ્રોનિક્સના સેમિકન્ડક્ટર પ્લાન્ટ માટે અને સી.જી. પાવરને સાણંદમાં આ પ્રકારના પ્લાન્ટ માટે તેમણે મંજૂરી આપી છે.

હવે કેયન્સ સેમિકંડક્ટર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ગુજરાતનો આ ચોથો પ્લાન્ટ સાણંદમાં સ્થપાશે. આના પરિણામે રોજગારીની તકો પણ વ્યાપક બનશે.

ભારતમાં સેમિકન્ડક્ટર્સ અને ડિસ્પ્લે મેન્યુફેક્ચરિંગ ઈકોસિસ્ટમના વિકાસ માટેના કાર્યક્રમને 21.12.2021ના રોજ નોટિફાઈડ કરવામાં આવ્યો હતો, જેમાં કુલ રૂપિયા 76,000 કરોડનો ખર્ચ થશે. ત્યારે જૂન, 2023માં કેન્દ્રીય કેબિનેટે ગુજરાતના સાણંદમાં સેમિકંડક્ટર યુનિટ સ્થાપવાની પ્રથમ દરખાસ્તને મંજૂરી આપી હતી.

ફેબ્રુઆરી 2024માં વધુ ત્રણ સેમીકંડક્ટર એકમોને મંજૂરી આપવામાં આવી હતી. જેમાં ટાટા ઈલેક્ટ્રોનિક્સ ગુજરાતના ધોલેરામાં સેમીકંડક્ટર ફેબ અને આસામના મોરીગાંવમાં એક સેમીકંડક્ટર યુનિટ સ્થાપી રહી છે. સીજી પાવર દ્વારા ગુજરાતના સાણંદમાં એક સેમીકંડક્ટર યુનિટની સ્થાપના કરવામાં આવી રહી છે.

અત્યાર સુધીમાં આ મિશન અન્વયે દેશમાં 3 ગુજરાતમાં અને 1 આસામમાં એમ 4 પ્રોજેક્ટસ સ્થાપવાની કામગીરી વેગવંતી બને છે આ બધા જ મિનિટ મળીને અંદાજે 1.50 લાખ કરોડના રોકાણ સાથે પ્રતિદિન 7 કરોડ ચીપ્સનું ઉત્પાદન થવાની સંભાવનાઓ છે. તમામ 4 સેમીકંડક્ટર એકમોનું નિર્માણ ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે અને એકમોની નજીક એક મજબૂત સેમીકંડક્ટર ઈકોસિસ્ટમ ઉભરી રહી છે.