અસના વાવાઝોડાની અસર ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં દેખાવા લાગી છે. આ વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. તેની સાથે દેશના અન્ય રાજ્યોમાં પણ તેની અસર જોવા મળી રહી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારો માટે ‘રેડ એલર્ટ’ જાહેર કર્યું છે. 31 ઓગસ્ટને શનિવારે ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. આ વાવાઝોડું ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાંથી ઉભરી રહ્યું છે અને ઓમાન તરફ આગળ વધે તેવી શક્યતા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં કચ્છના દરિયાકાંઠે, પાકિસ્તાનના કેટલાક ભાગો અને ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રનું ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે.
IMD અનુસાર આ અસના વાવાઝોડું સવારે 11:30 વાગ્યાની આસપાસ ગુજરાતના ભુજથી પશ્ચિમ-ઉત્તર પશ્ચિમમાં લગભગ 190 કિલોમીટર દૂર હતું. તમને જણાવી દઈએ કે ડિપ્રેશનમાં હવાની ગતિ 52 થી 61 કિમી પ્રતિ કલાક હોય છે, જ્યારે આ ચક્રવાતમાં 63 થી 87 કિમી પ્રતિ કલાકની હોય છે.
આ વાવાઝોડાનું ઉદભવ થવું એ એક દુર્લભ ઘટના છે. અરબી સમુદ્રમાં 1891 થી 2023 ની વચ્ચે ઓગસ્ટ મહિનામાં આવા વાવાઝોડા ત્રણ વખત બન્યા છે. આ પ્રકારનું વાવાઝોડું 1976, 1964 અને 1944માં આવ્યું છે. આ વખતે પાકિસ્તાને આ વાવાઝોડાનું નામ અસના આપ્યું છે. આ ચક્રવાત પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે અને ભારતીય તટથી દૂર જઈ રહ્યું છે.
વરસાદની તબાહીથી 26 લોકોના મોત
ગુજરાતમાં તાજેતરના વરસાદે છેલ્લા ચાર દિવસમાં 26 લોકોના જીવ લીધા છે. 18,000 થી વધુ લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે અને લગભગ 1,200 લોકોને પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી બચાવી લેવાયા છે. શુક્રવારે સવાર સુધીમાં, ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ ઓછો થયો હતો, પરંતુ ઘણા શહેરો અને ગામડાઓમાં ભારે પાણી ભરાઈ ગયા હતા. ગુજરાતના અનેક મોટા શહેરોમાં ભારે વરસાદના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે.
હવામાનશાસ્ત્રીઓનું અનુંમાન
હવામાનશાસ્ત્રીઓનું માનવું છે કે, આબોહવા પરિવર્તન અને સંભવિત અસરો અને ક્લાઈમેટ ચેન્જનું પરિણામ છે. વાવાઝોડું ત્યારે જ રચાય છે જ્યારે સમુદ્રની સપાટીનું તાપમાન 26.5 ડિગ્રી સેલ્સિયસથી વધી જાય છે. આ વાવાઝોડાએ સમુદ્રના ઉષ્ણતા અને હવામાનની પેટર્નમાં ફેરફાર તરફ ધ્યાન દોર્યું છે. વૈજ્ઞાનિકો આ ચક્રવાત પર ચાંપતી નજર રાખી રહ્યા છે. આ વાવાઝોડાનો અભ્યાસ કરીને ભવિષ્યમાં આવી કુદરતી આફત ફરી આવે તો સચોટ આગાહી કરી શકાય છે.
અરબી સમુદ્રમાં ચક્રવાતનો આ ઉદભવ હવામાનશાસ્ત્રીઓ માટે ચોંકાવનારી ઘટના છે. ઠંડા સમુદ્રના તાપમાન અને શુષ્ક હવાને કારણે આ પ્રદેશમાં સામાન્ય રીતે વાવાઝોડાની શક્યતા ઓછી હોય છે. 1976 પછી આ પ્રથમ વખત છે જ્યારે અરબી સમુદ્રમાં ચક્રવાતની રચનાની પરંપરાગત સમજને પડકાર ફેંકીને જમીનને પાર કર્યા પછી ચક્રવાત રચાયું છે.