હરિયાણામાં વિધાનસભા ચૂંટણીની તારીખ બદલાઈ, 1 ના બદલે હવે 5 ઓક્ટોબરના રોજ થશે મતદાન

haryana-election

ચૂંટણી પંચ દ્વારા હરિયાણા વિધાનસભા ચૂંટણીની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ 1 ઓક્ટોબરના રોજ ચૂંટણી યોજાવાની હતી જે હવે 5 ઓક્ટોબરના રોજ યોજાશે. અને મત ગણતરી 8મી ઓક્ટોબરના રોજ થશે. ચૂંટણી પંચે જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પરિણામો પણ 8 ઓક્ટોબરે જાહેર કરવાની જાહેરાત કરી છે. અગાઉ બંને રાજ્યોના પરિણામ 4 ઓક્ટોબરે આવવાના હતા.

આ અંગે ચૂંટણી પંચ દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હરિયાણામાં આગામી તહેવારને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. હકીકતમાં આ નિર્ણય બિશ્નોઈ સમુદાયના મતદાન અધિકારો અને પરંપરાઓ બંનેને માન આપવા માટે લેવામાં આવ્યો હતો, જેઓ તેમના ગુરુ જંબેશ્વરની યાદમાં સદીઓથી આસોજ અમાવસ્યાનો તહેવાર ઉજવે છે.

ચૂંટણી પંચે કહ્યું કે રાજસ્થાનની અખિલ ભારતીય બિશ્નોઈ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષે અમારી પાસે તારીખ બદલવાની માગ કરી હતી. પંચે કહ્યું કે ગુરુ જમ્ભેશ્વરની યાદમાં આસોજ અમાવસ્યા ઉત્સવ સમારંભમાં ભાગ લેવાની સદીઓ જૂની પરંપરાને યથાવત રાખી છે. તેને પગલે ચૂંટણીની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

ચૂંટણી પંચે કહ્યું કે અનેક પેઢીઓથી પંજાબ, રાજસ્થાન અને હરિયાણાના અનેક પરિવારોમાં ગુરુ જમ્ભેશ્વરની યાદમાં બિકાનેર જિલ્લામાં વાર્ષિક ઉત્સવ માટે આસોજના મહિનામાં અમાવસ દરમિયાન રાજસ્થાનમાં પૈતૃક ગામ મુકામ જવા પરંપરા લાંબા સમયથી ચાલી આવે છે.

આ વર્ષે આ તહેવાર 2 ઓક્ટોબરે આવી રહ્યો છે. આ કારણે સિરસા, ફતેહાબાદ અને હિસારના હજારો બિશ્નોઈ પરિવારો મતદાનના દિવસે રાજસ્થાનના પ્રવાસે હશે, જેના કારણે તેઓ 1 ઓક્ટોબરે મતદાન કરી શકશે નહીં.

અત્રે ઉલ્લેખનીય છે કે ચૂંટણીની તારીખથી પહેલા અને બાદમાં રજાઓને લીધે મતદાન ઓછું થવાની શક્યતા હતી. જેને પગલે ભાજપે ચૂંટણીની તારીખમાં ફેરફારને લઈ ચૂંટણી પંચને પત્ર લખ્યો હતો.