રિલાયન્સ અને ડિઝની મર્જ થશે, ક્રિકેટ-OTT બધું એકમાં મળશે, CCIની મંજૂરી મળી

reliance-disney

મર્જર બાદ આ ભારતની સૌથી મોટી એન્ટરટેઈનમેન્ટ કંપની બની જશે.

નેટફ્લિક્સ-અમેઝોનને ટક્કર આપવા અંબાણી તૈયાર છે. ડિઝની અને રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ મર્જ થઈ રહ્યા છે. તેના વિલીનીકરણને CCI(કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા) તરફથી મંજૂરી મળી ગઈ છે. આ ભારતની સૌથી મોટી એન્ટરટેઈનમેન્ટ કંપની બની જશે. આ એન્ટરટેનમેન્ટ બિઝનેસને રૂ. 70350 કરોડમાં મર્જ કરવામાં આવશે.

આ મેગા-મર્જરમાં ડિઝની સ્ટારની 80 ચેનલો અને રિલાયન્સ વાયાકોમ18ની 40 ચેનલો ઉમેરવામાં આવશે. એટલે કે કુલ 120 ચેનલો હશે. જો કે આમાંથી કેટલીક ચેનલો બંધ થઈ શકે છે. બંને પાસે OTT એપ્સ પણ છે. Disney Hotstar અને Jio Cinema. મર્જર પછી રચાયેલી નવી કંપની પાસે 2 લાખ કલાકની ડિજિટલ સામગ્રી હશે. આ મર્જર સાથે, તે 120 ટીવી ચેનલો અને બે સ્ટ્રીમિંગ સેવાઓ સાથે ભારતની સૌથી મોટી એન્ટરટેનમેન્ટ કંપની બનશે.

વાયકોમ 18 પાસે BCCI સંચાલિત ક્રિકેટ મેચોના ટીવી અધિકારો પણ છે જ્યારે Disney Star પાસે 2027 સુધી IPL પ્રસારિત કરવાના ટીવી અધિકારો છે. રિલાયન્સ પાસે તેના OTT પ્લેટફોર્મ Jio Cinema પર IPL બતાવવાના અધિકારો છે. રિલાયન્સની ન્યૂઝ ચેનલો આ ડીલનો ભાગ નહીં હોય કારણ કે તે નેટવર્ક 18 ગ્રુપ હેઠળ આવે છે. સંયુક્ત સાહસને 30,000 થી વધુ ડિઝની સામગ્રી સંપત્તિના લાઇસન્સ સાથે ભારતમાં ડિઝની ફિલ્મો અને નિર્માણના વિતરણના વિશિષ્ટ અધિકારો પણ આપવામાં આવશે.

આ ડીલ પછી, વાયકોમ18ના મીડિયા ભાગને સ્ટાર ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ સાથે મર્જ કરવામાં આવશે. જે કોર્ટ દ્વારા મંજૂર કરાયેલી વ્યવસ્થા હેઠળ થશે. આ સંયુક્ત સાહસનું મૂલ્ય રૂ. 70,350 કરોડ છે જેમાં રિલાયન્સ રૂ. 11,500 કરોડનું રોકાણ કરશે. આ ડીલમાં રિલાયન્સ 63.16% હિસ્સો ધરાવશે અને વોલ્ટ ડિઝની પાસે બાકીનો 36.84% હિસ્સો રહેશે.

નવી કંપનીના બોર્ડમાં 10 લોકો હશે. જેમાં રિલાયન્સ પાસે 5, ડિઝની પાસે 3 અને 2 સ્વતંત્ર ડિરેક્ટર્સ હશે. આ મર્જર આવતા વર્ષના પ્રથમ 6 મહિનામાં પૂર્ણ થવાની ધારણા છે. નીતા અંબાણી મર્જર બાદ બનેલી કંપનીના ચેરપર્સન હશે. વોલ્ટ ડિઝનીના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ ઉદય શંકર આ કંપનીના વાઇસ ચેરપર્સન હશે.

CCIએ જણાવ્યું હતું કે, “કમિશને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ, વાયકોમ 18 મીડિયા પ્રાઈવેટ લિમિટેડ, ડિજિટલ 18 મીડિયા લિમિટેડ, સ્ટાર ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ અને સ્ટાર ટેલિવિઝન પ્રોડક્શન લિમિટેડના પ્રસ્તાવિત મર્જરને 28 ઓગસ્ટ, 2024ના રોજ મંજૂરી આપી છે.” આ મંજુરી કેટલાક સ્વૈચ્છિક સુધારાના પાલનમાં આપવામાં આવી છે.

અગાઉ સીસીઆઈએ આ મર્જર અંગે ચિંતા વ્યક્ત કરી હતી કે, નવુ મર્જ થયેલુ યુનિટ ભારતમાં ક્રિકેટ અને ટીવી પ્રસારણના મોટાભાગના હકોને નિયંત્રિત કરશે, જેનાથી એડવર્ટાઈઝ આપતી કંપનીઓને નુકસાન થશે. તેમજ અન્ય હરીફો વચ્ચે સ્પર્ધા વધશે.

વોલ્ટ ડિઝનીના સીઈઓ બોબ ઈગરે તાજેતરમાં કહ્યું હતું કે માર્કેટમાં ઘણી હરીફાઈ છે તેથી મર્જરથી એક મોટી કંપની બનશે જે તેને માર્કેટમાં ટોચ પર રહેવામાં મદદ કરશે. નવી કંપની પાસે સૌથી મોટો OTT ગ્રાહક આધાર હશે. ડિઝની હોટસ્ટાર પાસે લગભગ 3.6 કરોડ પેઇંગ સબસ્ક્રાઇબર્સ છે અને રિલાયન્સ પાસે 1.5 કરોડ પેઇંગ સબસ્ક્રાઇબર્સ છે. એટલે કે કુલ 5.1 કરોડ સબ્સ્ક્રાઇબર્સ થશે.

રિલાયન્સ સાથેની ભાગીદારી ડિઝનીને તેનો બિઝનેસ વધારવા અને જોખમ ઘટાડવાની તક આપશે. જ્યારે આ મુકેશ અંબાણીને 28 બિલિયન ડોલર એટલે કે લગભગ 2.3 લાખ કરોડ રૂપિયાના મનોરંજન ક્ષેત્ર પર મજબૂત પકડ આપશે. નવી કંપની સોની અને નેટફ્લિક્સ જેવી કંપનીઓને ટક્કર આપી શકશે.