દેવભૂમિ દ્વારકા-ખંભાળિયામાં 5 દિવસમાં 38 ઇંચ વરસાદ, દ્વારકાના 109 ગામને અસર
ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ભારે વરસાદ અને પૂરને કારણે જામનગર, દેવ ભૂમિ દ્વારકા-ખંભાળિયા તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના મોટા ભાગના જિલ્લાઓમાં તારાજી થઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂરને કારણે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. જ્યાં તેઓએ ભારે વરસાદથી થયેલી નુકસાનીનો તાગ મેળવ્યો હતો. આ સાથે જ જિલ્લા તંત્ર દ્વારા હાથ ધરાયેલા રાહત કાર્યોની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.
સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી બે દિવસ પણ હજી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભારે વરસાદથી અસરગ્રસ્ત જામનગર પહોંચ્યા હતા. જ્યાં એરપોર્ટ ખાતે વહીવટી તંત્ર અને તમામ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠક બાદ તેમણે હવાઈ નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ મુખ્યમંત્રીએ દ્વારકાના અનેક વિસ્તારોનું પણ હવાઇ નિરિક્ષણ કર્યું હતું.
મુખ્યમંત્રી આ ભારે વરસાદ અને પરિણામે સર્જાયેલી સ્થિતિની જાત માહિતી મેળવવા અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા NDRF, SDRF, આર્મી, કોસ્ટ ગાર્ડની મદદથી હાથ ધરાઇ રહેલા રાહત કામોમાં માર્ગદર્શન પૂરું પાડવા ખંભાળિયા પહોંચ્યા હતા. તેમણે ખંભાળિયાના અસરગ્રસ્ત રામનગર અને કણઝાર ચેકપોસ્ટ વિસ્તારોની મુલાકાત લઈને લોકોના ખબર અંતર પૂછ્યા હતા. તેમજ અસરગ્રસ્તોને અપાઈ રહેલી વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું.
મુખ્યમંત્રીએ વરસાદને કારણે ભરાયેલા પાણી, કાંપ, માટી વગેરે દૂર કરીને સાફ-સફાઈ, જંતુનાશક દવા છંટકાવ માટે જરૂર જણાયે અન્ય જિલ્લાઓમાંથી સાધન-સામગ્રી સાથે ટીમ મોબિલાઈઝ કરવાની વ્યવસ્થાનું માર્ગદર્શન આપ્યું હતું તેમજ સ્વચ્છતા-સફાઈને પ્રાથમિકતા આપવા તાકિદ કરી હતી.
તેમણે આરોગ્ય વિષયક બાબતોને પણ અગ્રતા આપીને તબીબી ટીમ, આરોગ્ય કર્મીઓ, એમ્બ્યુલન્સ, મોબાઈલ ડિસ્પેન્સરી અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચાડીને જન આરોગ્ય સુખાકારીની ચિંતા કરવા સાથે રોગચાળો ન ફેલાય તેની કાળજી લેવા પણ માર્ગદર્શન આપ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, આપણું સંપૂર્ણ ફોકસ હવે જનજીવન ઝડપભેર પૂર્વવત કરવા અને લોકોને નુકસાનમાંથી બેઠા કરવામાં સહાયરૂપ થવાનું હોવું જોઈએ. આ માટે વરસાદ અટકે એટલે બનતી ત્વરાએ નુકસાનીનો પ્રાથમિક સરવે હાથ ધરવા સહિતની બાબતો આયોજનબદ્ધ રીતે ઉપાડવા તેમણે માર્ગદર્શન આપ્યું હતું.
મુખ્યમંત્રીએ વરસાદ અટકે કે તુર્ત જ રાહતકામો શરૂ કરી દેવાની તથા નિયમાનુસારની સહાય, કેશડોલ્સ ઘરવખરી સહાય, મૃત્યુ સહાય વગેરે અસરગ્રસ્તોને ચૂકવવાની કામગીરીને અગ્રતા આપવા તાકીદ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, ખંભાળિયામાં પાછલા પાંચ દિવસમાં રાજ્યમાં સૌથી વધુ 38 ઇંચ વરસાદ થવાના કારણે સર્જાયેલી સ્થિતિની જાત માહિતી મેળવી હતી. તેમજ દેવભૂમિ દ્વારકાના જિલ્લા અધિકારીઓ સાથે બેઠક યોજીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.