લોકગાયક વિજય સુવાળાની ધરપકડ, પોલીસે ગુનામાં વપરાયેલી કાર પણ જપ્ત કરી

vijay-suvala

ભાજપ નેતા દિનેશ દેસાઈએ વિજય સુવાળા સહીત 30થી વધુ લોકો સામે ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી હતી

જાણીતા લોકગાયક અને ભાજપ કાર્યકર વિજય સુવાળા સહિત 4 લોકોની ઓઢવ પોલીસે ધરપકડ કરી છે. વિજય સુવાળા સામે ધાક-ધમકી આપવાનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. વિજય સુવાળા સહિત 8 આરોપીઓ સામે નોંધાયો ગુનો હતો. પોલીસે વિજય સુવાળાને નોટિસ આપતાં પોલીસ સ્ટેશન હાજર થયા હતા. પોલીસે વિજય સુવાળા, તેના ભાઈ વિપુલ ઉર્ફે યુવરાજ સુવાળા, રાજેશભાઈ ઉર્ફે રાજુ રબારી, વિક્રમભાઈ ઉર્ફે વિક્કી રબારી, જયેશભાઇ દેસાઈ, દિલીપભાઈ જીણાજી અને હિરેનભાઈ વાંણદની ધરપકડ કરી છે. પોલીસે ગુનામાં ઉપયોગમાં લેવાયેલી કાર પણ જપ્ત કરી છે.

ઓઢવ વિસ્તારમાં આવેલી રબારી વસાહતમાં રહેતા અને જમીન લે-વેચનો ધંધો કરતા એસ્ટેટ બ્રોકર દિનેશ દેસાઇએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં વિજય ઉર્ફ વિજય સુવાળા રબારી, યુવરાજ ઉર્ફે યુવરાજ સુવાળા રબારી, રાજુ રબારી, વિક્કી, સુરેશ દેસાઇ, મહેશ દેસાઇ, જયેશ દેસાઇ, દિલીપ ઠાકોર, હીરેન દિલવાલા, જિગર ભરવાડ, નવધણસિંહ, ભાથીભા, રેન્ચુ શેઠ સહિત 40થી વધુ લોકો વિરુદ્ધમાં નામજોગ ધમકી તેમજ હુમલાની કોશિશ કરવાની ફરિયાદ નોંધાવી હતી.

દિનેશ દેસાઈએ આરોપ લગાવ્યો હતો કે મારી ઓફિસ પર વિજય સુવાળા અને તેમના ભાઈ યુવરાજ સુવાળા, રાજુ રબારી, વિક્કી અને સુરેશ દેસાઈ સહિત 30થી વધુ લોકોના ટોળાએ ઉત્પાદ મચાવ્યો હતો. જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાના પણ આક્ષેપ કર્યા હતા. તો આ સમગ્ર ઘટનાના એક CCTV ફુટેજ સામે આવ્યા હતા. જેમાં કારમાંથી ઉતરતા કેટલાક લોકો જોવા મળ્યા હતા.

દિનેશ દેસાઈના જણાવ્યા અનુસાર, 18 ઓગસ્ટની રાત્રે 11.30 આસપાસ 30 જેટલી કાર, રિક્ષા અને 10 જેટલી બાઈક સાથે 30થી વધુ લોકોનું ટોળુ લાકડી, ધારિયા અને તલવાર જેવા હથિયારો સાથે દારૂના નશામાં મારી ઓફિસ આવ્યા હતા. ઓફિસ પર તોડફોડ કરવાનો પ્રયાસ કર્યો અને જાનથી મારી નાખવાનો પણ પ્રયાસ કર્યો હતો.

વિજય સુવાળાએ આરોપો ફગાવ્યા
વિજય સુવાળાએ તમામ આરોપો ફગાવ્યા હતા. વિજય સુવાળાએ આરોપ લગાવ્યા હતા કે, તાજેતરમાં જ ઓઢવ પોલીસ સ્ટેશનમાં મારા વિરૂદ્ધ ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. ગુજરાતની જનતાને કહેવા માંગું છું કે, દિનેશ દેસાઈ નામનો વ્યક્તિ સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે ત્રણ-ચાર વર્ષથી મારી પાછળ પડી ગયો હતો મને હેરાન કરતો હતો. મારી પાસે ખંડણી કરતો હતો, ઉઘરાણી કરતો હતો. મને કહેતો હતો કે મારી સત્તા ખુબ છે અને મારી પહોંચ બહુ ઊંચી છે. હું ગમે તે કરીશ, ગમે તને ફસાવી દઈશ. ગમે તે રીતે મારીશ. તમામ ધમકી આપેલી છે. આ બધુ તેને કરવા પાછળનું એક જ કારણ છે કે તે સમાજની દીકરીઓને તે અવારનવાર હેરાન કરતો હતો. જેની ફરિયાદો પાંચ-છ અમારી પાસે આવી, જે વિશે સામાજિક કાર્યકરો અમે મોકલ્યા હતા.

વિજય સુવાળાએ કહ્યું હતું કે, તેણે કાર્યકરોને સીધી ધમકી આપી કે આ પ્રકારે મારા ઘરે આવશો નહીં અને આ બાબતે મને પ્રશ્નો પૂછવા નહીં. સત્તાનો દુરૂપયોગ કરીને મારા વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. તે મેટરમાં હું ઈન્ટરફિયર હતો નહીં. હું હાજર હતો નહીં. માત્રને માત્ર ખોટી ફરિયાદ કરાવી છે. તે સતત મને રાત-દિવસ ધમકીઓ આપતો હતો. છેલ્લે મેં કંટાળીને મારા સામાજિક કાર્યકરોને મોકલ્યા કે ભાઈ તું શું કામ છોકરાને હેરાન કરે છે. અમારા લોકોને ગાળાગાળી કરવામાં આવી અને તેને ભાગી જવા કહ્યું. જે વ્યક્તિએ કોઈને નુકસાન નથી કર્યું. તેમ છતા ખોટી ફરિયાદ કરવામાં આવી છે.’