ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 250 તાલુકામાં વરસાદ, જામનગરમાં 15 ઇંચ, જામજોધપુર અને લાલપુરમાં 13 ઇંચ, જ્યારે જામનગરના કાલાવાડ, રાણાવાવમાં 11 ઇંચથી વધારે વરસાદ નોંધાયો
ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ગત ત્રણ દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. હજુ પણ આગામી બે થી ત્રણ દિવસ માટે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં આભ ફાટવા જેવી સ્થિતી સર્જાઈ છે. આ સ્થિતી વચ્ચે દેવભૂમિ દ્વારકા જિલ્લો પાણીમાં ગરકાવ થયો છે.
છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકામાં સૌથી વધુ ૧૮ ઇંચ કરતા પણ વધારે વરસાદ વરસ્યો છે. જ્યારે, સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૨૪ કલાકમાં ૧૨ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જિલ્લાના મોટા ભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ખંભાળીયા જિલ્લા કંટ્રોલ રૂમના આંકડા અનુસાર, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 18.16 ઈંચ વરસાદ નોંધાયો છે.
સૌરાષ્ટ્રના મોટાભાગના તાલુકાઓમાં ગઈકાલે સાર્વત્રિક મેઘમહેર જોવા મળી હતી. છેલ્લા 24 કલાકમાં જામનગર જિલ્લામાં ૧૧ ઈંચથી વધુ અને પોરબંદર જિલ્લામાં ૯ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જામનગરના જામજોધપુર અને લાલપુર તાલુકામાં પણ ૧૩ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જામનગરના કાલાવડ અને પોરબંદરના રાણાવાવ તાલુકામાં ૧૧ ઈંચથી વધુ, દેવભૂમિ દ્વારકાના ભાણવડ, કલ્યાણપુર અને દ્વારકા તાલુકા ઉપરાંત રાજકોટના કોટડા સાંગાણી તાલુકામાં તથા પોરબંદર તાલુકામાં ૧૦-૧૦ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. રાજકોટ તાલુકામાં ૯ ઇંચથી વધુ વરસાદ થયો છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર તરફથી મળેલા અહેવાલ અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૨ તાલુકામાં ૪ ઈંચથી વધુ, ૮ તાલુકામાં ૩ ઈંચથી વધુ, ૨૭ તાલુકામાં ૨ ઈંચથી વધુ તેમજ ૯૫ તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. સાથે જ, રાજ્યના ૮૦ તાલુકામાં એક ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે. આમ, છેલ્લા ૨૪ કલાકમાં સમગ્ર રાજ્યના કુલ ૨૫૦ તાલુકામાં સરેરાશ ૨ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
જામનગરના ધ્રોલ તેમજ રાજકોટના ધોરાજી અને જામકંડોરણા તાલુકામાં ૭ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. રાજકોટના ગોંડલ, પોરબંદરના કુતિયાણા અને જામનગરના જોડીયા તાલુકામાં ૬ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત મોરબીના વાંકાનેર અને ટંકારા તાલુકામાં, જુનાગઢના વિસાવદર, વંથલી, માણાવદર, મેંદરડા અને કેશોદ તાલુકા ઉપરાંત રાજકોટના ઉપલેટા તાલુકામાં ૫ ઈચ જેટલો વરસાદ ખાબક્યો છે.
આજે સવારે ૬.૦૦ વાગ્યા સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૧૦૦ ટકાને પાર કરીને ૧૦૫ ટકા સુધી પહોંચ્યો છે. આ વર્ષે કચ્છ ઝોનમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ ૧૨૫ ટકાથી વધુ અને ત્યારબાદ સૌરાષ્ટ્ર ઝોનમાં ૧૧૬ ટકાથી વધુ તેમજ દક્ષિણ ગુજરાત ઝોનમાં ૧૦૯ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૧૦૨ ટકાથી વધુ, જ્યારે, ઉત્તર ગુજરાતમાં હજુ સુધી ૮૪ ટકા જેટલો મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.