યુનિફાઇડ પેન્શન સ્કીમ 1 એપ્રિલ 2025થી લાગુ થશે, 23 લાખ સરકારી કર્મચારીઓને લાભ મળશે, NPSના કર્મચારીઓને UPS પર સ્વિચ કરવાનો વિકલ્પ
કેન્દ્રની મોદી સરકારે સરકારી કર્મચારીઓને મોટી ભેટ આપી છે. કેન્દ્ર સરકારે નવી પેન્શન સ્કીમ (NPS)ની જગ્યાએ હવે યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS) લોન્ચ કરી છે. આજે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી છે. સરકારે 1 એપ્રિલ 2025થી યુનિફાઇડ પેન્શન સ્કીમ લાગુ કરવાનો નિર્ણય લીધો છે.
નવી પેન્શન યોજનામાં સુધારાની માંગ પર ધ્યાન આપતાં સરકારે યુનિફાઇડ પેન્શન સ્કીમને મંજૂરી આપી દીધી છે. આનો ઉદ્દેશ સરકારી કર્મચારીઓને નિશ્ચિત પેન્શન, પારિવારિક પેન્શન અને નિશ્ચિત લઘુતમ પેન્શન આપવાનો છે. નવી પેન્શન યોજનામાં સુધારા માટે ડૉ. સોમનાથ કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટીએ વિસ્તૃત ચર્ચા બાદ રિપોર્ટ રજૂ કર્યો.
કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં પેન્શન યોજનાને લઈને આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. નવી UPS હેઠળ સરકારના કુલ 23 લાખ કર્મચારીઓને લાભ મળશે. જે કર્મચારી 25 વર્ષ સુધી કામ કરશે તેને આખી પેન્શન મળશે. આટલું જ નહીં જો ચાલુ નોકરીએ કર્મચારીનું મોત થઈ જાય છે તો પત્નીને 60 ટકા પેન્શન આપવામાં આવશે. 10 વર્ષ સર્વિસ આપનાર કર્મચારીને 10 હજાર રૂપિયા પેન્શન મળશે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે વિવિધ રાજ્ય સરકારો પણ આ યોજના લાગુ કરી શકે છે.
યુનિફાઇડ પેન્શન યોજના પ્રમાણે 25 વર્ષ સુધી નોકરી કરનાર કર્મચારી પૂર્ણ પેન્શન મેળવવાનો અધિકાર ગણાશે. જે તે કર્મચારીની નોકરીના છેલ્લા 12 મહિનામાં જે વેતન મળતું હશે તેના 50 ટકા રિટાયરમેન્ટ બાદ પેન્શન રૂપે આપવામાં આવશે. રિટાયરમેન્ટ બાદ પેન્શનભોગીનું નિધન થાય છે તો મૃત્યુ સમયે મળતા પેન્શનનું 60 ટકા તેમના પરિવારને મળશે.
બધા NPS લોકોને UPS પર સ્વિચ કરવાનો વિકલ્પ મળશે. કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલ જાણકારી અનુસાર NPS (ન્યૂ પેન્શન સ્કીમ)ના કર્મચારીઓને UPS ( યુનિફાઇડ પેન્શન સ્કીમ ) માં જવાનો વિકલ્પ આપવામાં આવશે. જે કર્મચારી 2004 પછી રિટાયર થયા છે તેમને પણ UPSનું વિકલ્પ આપવામાં આવશે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું, “વિપક્ષ માત્ર જૂની પેન્શન યોજના (ઓપીએસ)ને લઈને રાજકારણ કરતો રહ્યો છે. વિશ્વભરના દેશોમાં કઈ યોજના છે તેને જોયા બાદ તમામ લોકો સાથે ચર્ચા કર્યા બાદ આ કમિટીએ યુનિફાઇડ પેન્શન સ્કીમની ભલામણ કરી. કેબિનેટે યુનિફાઇડ પેન્શન સ્કીમને મંજૂરી આપી દીધી છે. કર્મચારીઓ તરફથી નિશ્ચિત રકમની માંગ કરવામાં આવી રહી હતી.”