પીએમ મોદી પહોંચ્યા યુક્રેન, કહ્યુંઃ ભારત શાંતિ માટેના દરેક પ્રયાસમાં સક્રિય ભૂમિકા ભજવવા માટે તૈયાર

modi-zelenskyy1

ભારત શાંતિ માટેના દરેક પ્રયાસમાં સક્રિય ભૂમિકા ભજવવા માટે તૈયારઃ પીએમ મોદી
યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કીને મળ્યા પીએમ મોદી, બંને ભેટ્યા, ખભા પર હાથ મુકીને વાતચીત કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય યુરોપના પ્રવાસે છે. 21 અને 22 ઓગસ્ટે પોલેન્ડની મુલાકાત બાદ તેઓ શુક્રવારે યુક્રેન પહોંચ્યા છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેન પહોંચી રાષ્ટ્રપતિ જેલેસ્કી સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓ એકબીજાને ગળે મળતાં જોવા મળ્યા હતા. પીએમ મોદી રાષ્ટ્રપતિ વોલોદિમીર જેલેસ્કીના ખભા પર હાથ મુકીને વાતચીત કરતાં પણ નજરે પડ્યા હતા.

પીએમ મોદી 10 કલાકની ટ્રેનની મુસાફરી બાદ ભારતીય સમય અનુસાર સવારે 10 વાગ્યે કિવ પહોંચ્યા હતા. કિવમાં ભારતીય સમુદાયના લોકોએ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. કિવ પહોંચ્યા બાદ પીએમ મોદી હયાત રિજન્સી હોટેલ પહોંચ્યા હતા.

પીએમ મોદીએ ફોમિન બોટનિકલ ગાર્ડનમાં મહાત્મા ગાંધીની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રતિમા 2020માં મહાત્મા ગાંધીની 151મી જન્મજયંતિ પર સ્થાપિત કરવામાં આવી હતી.

પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ઝેલેન્સકી યુક્રેન નેશનલ મ્યુઝિયમ પહોંચ્યા, જ્યાં તેમણે યુદ્ધમાં માર્યા ગયેલા બાળકોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દેશનું સૌથી મોટું મ્યુઝિયમ છે, જ્યાં 7 લાખથી વધુ પ્રદર્શન વસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય સમુદાયના લોકો સાથે મુલાકાત કરી હતી. આ સાથે તેમણે યુક્રેનમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ સાથે કરેલ મુલાકાતની તસવીરો શેર કરી હતી.

પીએમ મોદીએ કિવની સ્કૂલ ઓફ ઓરિએન્ટલ સ્ટડીઝમાં હિન્દી ભાષા શીખી રહેલા યુક્રેનિયન વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ અને બંને દેશોના લોકો વચ્ચે પરસ્પર સમજણ વધારવામાં તેમના યોગદાનની પ્રશંસા કરી હતી. તેમણે ભારતીય સંસ્કૃતિ અને ઈતિહાસને યુક્રેનિયન લોકોની નજીક લાવવાના તેમના પ્રયાસોની પણ પ્રશંસા કરી હતી.

મોદીએ કહ્યું, “ભારત માટે સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરવું સૌથી મહત્વપૂર્ણ છે. હું થોડા દિવસો પહેલા રશિયન રાષ્ટ્રપતિ પુતિનને મળ્યો હતો. ત્યારે મેં તેમની આંખમાં આંખ નાખીને કહ્યું હતું કે આ યુદ્ધનો સમય નથી.”

PM મોદીએ કહ્યું કે ભારત શાંતિ માટેના દરેક પ્રયાસમાં સક્રિય ભૂમિકા ભજવવા માટે તૈયાર છે. જો હું અંગત રીતે કોઈ યોગદાન આપી શકું, તો હું ચોક્કસપણે એક મિત્ર તરીકે આવું કરવા માંગીશ.

ઝેલેન્સકી સાથેની મુલાકાત દરમિયાન પીએમ મોદીએ કહ્યું, “ભારત અને યુક્રેનના સંબંધો માટે આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે. પ્રથમ વખત કોઈ ભારતીય વડાપ્રધાન યુક્રેન પહોંચ્યા છે. આવતીકાલે યુક્રેનનો રાષ્ટ્રીય દિવસ છે. અમે તમને આના પર અભિનંદન પાઠવીએ છીએ. અમે યુક્રેન શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ.

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ થોડા મહિના પહેલાં પીએમ મોદીને યુક્રેન આવવાનું આમંત્રણ આપ્યું હતું.

ઉલ્લેખનીય છે કે આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાનાી મુલાકાત લીધી હતી. ત્યારે અમેરિકા તરફથી અનેક નિવેદનો સામે આવ્યા હતા.