પોલેન્ડમાં PM મોદીનું સંબોધન: ભારત અશાંતિગ્રસ્ત વિસ્તારમાં શાંતિને સમર્થન આપે છે, આ યુદ્ધનો યુગ નથી

પોલેન્ડમાં ભારતીય સમુદાયને PMએ સંબોધિત કર્યા હતા. મુલાકાતનો બીજો અને અંતિમ દિવસે મોદી પોલેન્ડના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને મળશે. આ દરમિયાન બંને વડાપ્રધાનો વચ્ચે દ્વિપક્ષીય બેઠક થશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદમીર ઝેલેન્સકીના આમંત્રણ પર 23 ઓગસ્ટે યુક્રેનની મુલાકાત લેશે. તેઓ અહીં ચાલી રહેલા સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલ માટે ચર્ચા કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોલેન્ડની બે દિવસીય મુલાકાતે છે. યુક્રેનની તેમની મુલાકાત પહેલા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે રાત્રે પોલેન્ડમાં ભારતીય સમુદાયને સંબોધીત કર્યા હતા. આજે 22 ઓગસ્ટે વડાપ્રધાનની મુલાકાતનો બીજો દિવસ છે. છેલ્લા 45 વર્ષમાં આ પ્રથમ વખત છે જ્યારે કોઈ ભારતીય વડાપ્રધાન પોલેન્ડની મુલાકાતે ગયા છે. પોલેન્ડની મુલાકાતના પ્રથમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવાનગરમાં જામ સાહેબ સ્મારક અને કોલ્હાપુર મહારાજના સ્મારકની મુલાકાત લીધી હતી અને શ્રદ્ધાંજલિ આપી હતી.
તેમણે ભારતીય સમુદાયને સંબોધિત પણ કર્યા હતા. તમને જણાવી દઈએ કે, મુલાકાતના બીજા અને અંતિમ દિવસે મોદી પોલેન્ડના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને મળશે. આ દરમિયાન બંને પ્રધાનમંત્રીઓ વચ્ચે દ્વિપક્ષીય બેઠક થશે. મુલાકાતના બીજા દિવસે મોદી બિઝનેસ લીડર્સ અને સોશિયલ મીડિયા પ્રભાવકો સાથે વાત કરવાના છે.
પીએમ મોદીએ રાજધાની વોર્સોમાં કહ્યું કે ભારતે દાયકાઓથી તમામ દેશોથી અંતર જાળવી રાખ્યું છે. પરંતુ આજનું ભારત તમામ દેશો સાથે ગાઢ સંબંધો બાંધવા પર ભાર આપી રહ્યું છે. આ દરમિયાન હોલમાં ‘મોદી-મોદી’ના નારા પણ ગુંજી ઉઠ્યા હતા.

યુક્રેન જતા પહેલા મોદીએ કહ્યું
યુક્રેનની તેમની મુલાકાત પહેલા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભારત અશાંતિગ્રસ્ત વિસ્તારમાં શાંતિને સમર્થન આપે છે અને પુનરોચ્ચાર કર્યો હતો કે “આ યુદ્ધનો યુગ નથી” અને કોઈપણ સંઘર્ષને મુત્સદ્દીગીરી અને વાતચીત દ્વારા ઉકેલવા જોઈએ. વડાપ્રધાન મોદીએ કહ્યું, “દશકોથી ભારતની નીતિ તમામ દેશોથી અંતર જાળવવાની હતી. જોકે, આજની ભારતની નીતિ તમામ દેશોની નજીક રહેવાની છે.
વડાપ્રધાન મોદીની ટિપ્પણી તેમની યુક્રેનની આગામી મુલાકાત પહેલાં આવી છે, જે 1991 માં સ્વતંત્રતા પછી ભારતીય વડા પ્રધાનની પ્રથમ મુલાકાત હશે. મોદી યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીના આમંત્રણ પર મુલાકાત લઈ રહ્યા છે. તેઓએ કહ્યું છે કે તેઓ યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલ માટે ચર્ચા કરશે. આ મુલાકાત મોદીની રશિયાની મુલાકાતના લગભગ છ અઠવાડિયા પછી આવી છે, જેની યુએસ અને તેના કેટલાક પશ્ચિમી સાથીઓ દ્વારા ટીકા કરવામાં આવી હતી.

45 વર્ષમાં ભારતીય વડાપ્રધાનની પ્રથમ મુલાકાત
વડાપ્રધાન મોદીની પોલેન્ડની મુલાકાત પણ 45 વર્ષમાં ભારતીય વડાપ્રધાનની પ્રથમ મુલાકાત છે. તેમણે યુક્રેનમાં યુદ્ધ દરમિયાન ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને મદદ કરવા બદલ ભારતીય સમુદાય અને પોલેન્ડ સરકારની પ્રશંસા કરી હતી.

ભારત સહભાગી અને ગતિશીલ લોકશાહી: મોદી
ભારતમાં લોકસભાની ચૂંટણીનો ઉલ્લેખ કરતાં મોદીએ કહ્યું હતું કે, “ભારત માત્ર લોકશાહીની માતા નથી, પરંતુ તે એક સહભાગી અને ગતિશીલ લોકશાહી પણ છે. લોકશાહીમાં ભારતીયોનો અતૂટ વિશ્વાસ છે, જે આપણે તાજેતરની ચૂંટણીઓમાં જોયો છે. આ ઈતિહાસની સૌથી મોટી ચૂંટણી હતી. યુરોપિયન યુનિયનમાં 180 મિલિયન મતદારોએ મતદાન કર્યું હતું, જ્યારે ભારતમાં 640 મિલિયન મતદારોએ ચૂંટણીમાં ભાગ લીધો હતો.