આજે વિધાનસભાના ચોમાસુ સત્રનો બીજો દિવસ છે. ગૃહમાં ભારે હંગામો કરતા કોંગ્રેસના તમામ ધારાસભ્યોને એક દિવસ માટે ગૃહમાંથી સસ્પેન્ડ કરાયા છે. ગૃહમાં અયોગ્ય વર્તનને કારણે વિપક્ષના ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
સત્રની શરૂઆતની પ્રથમ મિનિટથી 21 મિનિટ સુધી ગૃહમાં માથાકૂટ ચાલી હતી. વિપક્ષના પ્રશ્નો ગૃહમાં દાખલ ન થતા હોવાની માંગ સાથે માથાકૂટ શરૂ થઈ હતી. જેના પગલે કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાંથી વોક આઉટ કર્યું હતું. આ અગાઉ પણ ગૃહમાંથી કોંગ્રેસે વોકઆઉટ કર્યું છે. કોંગ્રેસે ટૂંકી મુદતના પ્રશ્નો મુદ્દે નારાજગી વ્યક્ત કરી છે. ટૂંકી મુદ્તમાં માત્ર 2 જ પ્રશ્નો દાખલ કરવા મુદ્દે વિપક્ષે નારાજગી દર્શાવી છે. જેના પગલે કોંગ્રેસના 12 પ્રશ્નોમાંથી એક પણ પ્રશ્ન ન લેવાયો હોવાની કોંગ્રેસની ફરિયાદ છે.
વિધાનસભા તરફથી પ્રશ્નો તથા તાકીદના પ્રશ્નો મંત્રી કાર્યાલયને મોકલી દેવામાં આવે છે. ત્યાંથી મુદ્દો હટાવી દેવામાં આવતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. રાજ્યમાં રાજકોટ અગ્નિ કાંડ, પરીક્ષામાં ગોટાળા, ભરતી કૌભાંડ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવાની માગ કરી હતી. તેમજ સાયકલ ખરીદી કૌભાંડ પર જવાબ આપવાથી સરકાર બચી રહી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. વિપક્ષે અનેક મુદ્દાઓને લઈને દેખાવો કર્યો હતો.
સસ્પેન્ડ થયેલા કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ભાજપના સાધનામાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. એટલે સરકાર ભાગી રહી છે. કેમ કે કોંગ્રેસ દ્વારા પ્રજાના પ્રશ્નો પૂછ્યા હતા હતા.
વિપક્ષના તમામ સભ્યોને ગૃહમાંથી સસ્પેન્ડ કરવા માટે સંસદીય મંત્રી ઋષિકેશ પટેલે ગૃહમાં દરખાસ્ત મૂકી હતી. વિધાનસભાના નિયમોના નિયમ 52 પ્રમાણે આજના દિવસ પૂરતું કોંગ્રેસના સભ્યોને નિલંબિત કરવા દરખાસ્ત કરી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દરખાસ્તને ટેકો આપ્યો હતો. અધ્યક્ષે દરખાસ્તને મત માટે ગૃહમાં મૂકી હતી. બહુમતી સભ્યોએ કોંગ્રેસના સભ્યોને સસ્પેન્ડ કરવા માટે મત આપ્યો હતો. દરખાસ્ત બાદ બહુમતીને આધારે વિધાનસભા અધ્યક્ષનો નિર્ણય કર્યા છે.