વિધાનસભા મેજ: ટૂંકી મુદતનું વિધાનસભા સત્ર બોલાવામાં આવ્યું, જાણો પ્રશ્નોત્તરીમાં શું થઈ ચર્ચા

આ સત્રમાં સરકાર દ્વારા પાંચ વિધેયકો રજૂ કરવામાં આવશે. સરકારે ટૂંકી મુદતનું સત્ર બોલાવતા ગૃહમાં જનતાનો અવાજ દબાયો હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો છે.

વિધાનસભા ગૃહમાં પ્રત્યુતરમાં શહેરી વિકાસ વિભાગ વતી મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે બે વર્ષમાં ૫૫,૫૭૫ આવાસો શહેરી યોજના હેઠળ પૂર્ણ કરાયા, જેમાં રૂપિયા 1,952 કરોડની સહાય રાજ્ય સરકારે ચૂકવી છે.

આજથી 15મી ગુજરાત વિધાનસભાનું પાંચમું સત્ર બુધવાર ૨૧ ઓગસ્ટથી ત્રણ દિવસ માટે શરૂ થયું છે. ટૂંકી મુદતના પ્રશ્નમાં રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી અંગેની સ્થિતિના પ્રત્યુતરમાં શહેરી વિકાસ વિભાગ વતી મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, વર્ષ 2015માં વડાપ્રધાન મોદીએ આર્થિક રીતે નબળા વર્ગોના લોકોને આવાસની સુવિધા મળી રહે એ માટે હાઉસિંગ ફોર ઓલ નો સંકલ્પ કર્યો છે.

વડાપ્રધાન આ સંકલ્પને સાકાર કરવા છેલ્લા બે વર્ષમાં 55,575  આવાસો શહેરી યોજના હેઠળ પૂર્ણ કરાયા છે. જેમાં રૂપિયા 1,952 કરોડની સહાય રાજ્ય સરકારે ચૂકવી છે.

મંત્રી ઉમેર્યું કે, આર્થિક રીતે નબળા વર્ગોના લોકોને આવાસ સુવિધા પૂરી પાડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના કાર્યરત છે. જેમાં લાભાર્થીઓની વાર્ષિક આવક રૂપિયા 3 લાખથી ઓછી હોવી જોઈએ જેમાં શહેરી વિસ્તારમાં આવાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા રૂ. 1.50 લાખ અને રાજ્ય સરકાર દ્વારા રૂ. 2 લાખ મળી કુલ રૂ. 3.50 લાખની સહાય ત્રણ તબક્કામાં ડી.બી.ટીના માધ્યમથી સીધા લાભાર્થીઓ ના ખાતામાં જમા કરવામાં આવે છે.

વધુમાં તેમણે ઉમેર્યું કે, રાજ્યમાં 9.78 લાખ જેટલા આવાસો મંજૂર કર્યા છે તે પૈકી 8.63 લાખ આવાસો પૂર્ણ કર્યા છે જેમાં ક્રેડિટ લિંક સબસીડી ઘટક હેઠળ 6.13 લાખ કરતાં વધુ લાભાર્થીઓને પ્રથમ આવાસ પર લીધેલ લોન પર વ્યાજ સહાયનો લાભ આપ્યો છે. જે માટે ગુજરાત અગ્રેસર રહ્યું છે અને ગુજરાતને આ માટે 14 એવોર્ડ પણ મળ્યા છે.

રાજ્યમાં અત્યાર સુધી બી.એલ.સી ઘટક હેઠળ 1,56,978 આવાસો મંજૂર કર્યા છે. તે પૈકી 1,20,594 આવાસો પૂર્ણ થયા છે અને 36,384 આવાસો પ્રગતિ હેઠળ છે. આ માટે કેન્દ્ર સરકારના રૂ. 1,938 કરોડ અને રાજ્ય સરકારના રૂ.2,656 કરોડ મળી કુલ રૂ. 4,495 કરોડની સહાય લાભાર્થીઓને પૂરી પાડવામાં આવી છે.

6 દિવસમાં ચાંદીપુરાનો એક પણ નવો કેસ નોંધાયો નથી

રાજ્યમાં છેલ્લા 6 દિવસમાં વાયરલ એન્કેફેલાઇટીસ કે ચાંદીપુરાનો એક પણ નવો કેસ નોંધાયો નથી તેમજ રાજ્યમાં 12 દિવસમાં વાયરલ એન્કેફેલાઇટીસ કે ચાંદીપુરાથી સંક્રમિત એક પણ દર્દીનું મૃત્યુ  નોંધાયું નથી. 
વધુ વિગતો આપતા તેમણે ઉમેર્યુ કે, રાજ્યમાં વર્ષ 2024 માં રાજ્યના 164 જેટલા દર્દીઓને વાયરલ એન્કેફેલાઇટીસનું સંક્રમણ જોવા મળ્યું. જે પૈકી 61 જેટલા કેસ ચાંદીપુરા પોઝીટીવ હોવાનું જણાંયુ હતુ.

અત્યાર સુધી નોંધાયેલ કુલ 164 વાયરલ એન્કેફેલાઇટીસ સંક્રમિત દર્દીઓને સત્વરે અને સધન સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જે પૈકી 73 બાળકોના દુ:ખદ મૃત્યુ નિપજ્યા જે પૈકી ચાંદીપુરા સંક્રમિત 28 બાળકોના દુ:ખદ મૃત્યુ નોધાયા છે. તમામ કેસ પૈકી 88 બાળકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હોવાનું મંત્રી શ્રી એ ઉમેર્યુ હતુ.

યુરિયા ડી.એ.પી અને અન્ય ખાતરની માંગણી

વિધાનસભા ગૃહમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષમાં ભારત સરકાર સમક્ષ યુરિયા ડી.એ.પી અને અન્ય ખાતર મળીને કુલ ૫૯.૮૨ લાખ મેટ્રિક ટન જથ્થાની માંગણી કરી હતી, જેની સામે ગુજરાતને માંગણી કરતા વધુ આશરે ૬૨.૬૦ લાખ મેટ્રિક ટન જથ્થો ફાળવવામાં આવ્યો છે, તેમ તેમણે ઉમેર્યું હતું. યુરિયા ખાતર સાથે અન્ય વસ્તુઓ ખરીદવાની કોઈપણ પ્રકારની ફરજ પાડવામાં ન આવે તે માટે રાસાયણિક ખાતર વિક્રેતાના વેચાણ કેન્દ્રો પર સતત તકેદારી રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત અગાઉથી જ ખાતર કંપનીઓ સાથે બેઠક યોજી ખાતર સાથે અન્ય પ્રોડક્ટ ફરજીયાત ન આપવા તાકીદ કરવામાં આવી છે. તેમ છતાં રાજ્યમાં ક્યાંય આવી ઘટના ધ્યાને આવશે, તો રાજ્ય સરકાર વિક્રેતા અને કંપનીનું લાયસન્સ રદ કરવા સહિતના કડક પગલાંઓ લેશે.

મંત્રી શ્રી પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ખેડૂતોને સરળતાથી ખાતર મળી રહે તે માટે ગુજકો માસોલ અને ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ જેવી ૧૭ જેટલી રાજ્ય સરકાર માન્ય મુખ્‍ય ખાતર વિતરક સંસ્‍થાઓ, ૮૫૦થી વધુ હોલસેલર વિક્રેતા તથા અન્ય મળીને કુલ ૯૦૦૦થી વધુ સહકારી મંડળીઓ તથા ખાનગી ખાતર વિક્રેતાઓ દ્વારા ખાતરનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.

મુખ્યમંત્રી દ્વારા ગૃહમાં શ્રદ્ધાંજલિ આપી

૧૫મી ગુજરાત વિધાનસભાનું પાંચમું સત્ર બુધવાર ૨૧ ઓગસ્ટથી ત્રણ દિવસ માટે શરૂ થયું છે. આ સત્રના પ્રથમ દિવસે રજૂ થયેલા શોકદર્શક ઉલ્લેખોમાં ગૃહના નેતા તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના પૂર્વ રાજ્યપાલ સ્વ. ડૉ. કમલા બેનીવાલજી, પૂર્વ રાજ્યકક્ષાના મંત્રી બિપીનભાઈ શાહ તેમજ પૂર્વ સભ્યો સ્વ. શિવભદ્રસિંહ ગોહિલ, સ્વ. રત્નાભાઈ ઠુંમર, સ્વ. રામસિંહજી સોલંકી, સ્વ. શ્રી નંદકિશોર દવે, સ્વ. ખુરશીદહૈદર પીરઝાદા, સ્વ. સામતભાઈ રાઠોડ અને સ્વ. કરશનભાઈ ઓડેદરાને શ્રદ્ધાંજલિ આપી હતી.