આજથી ૧૫મી વિધાનસભાનું ત્રણ દિવસનું ચોમાસુ સત્રનો આરંભ, કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા મોઢવાડિયા અને સીજે ચાવડા પર સૌની નજર રહેશે

ભૂતિયા શિક્ષકોનો લઈને વિધાનસભામાં થઈ શકે છે ચર્ચા, ગુજરાત માનવ બલિદાન, કાળા જાદૂને રોકવા અંગે ગૃહમાં વિધેયક રજૂ થશે.

આજથી 15મી ગુજરાત વિધાનસભામાં ત્રણ દિવસનું ચોમાસુ સત્રનો આરંભ થઇ રહ્યું છે. સત્ર પહેલાં અને કોંગ્રેસ ભાજપની બેઠક પણ યોજાઈ રહી છે. આ સત્રમાં પ્રશ્નોતરી બાદબાકી કરવામાં આવી છે જેના પગલે માત્ર સરકારી વિધેયક પર ચર્ચા જ થશે. જેમાં ગુજરાત માનવ બલિદાન, કાળા જાદૂને રોકવા માટે વિધાનસભા ગૃહની અંદર વિધેયક રજૂ કરવામાં આવશે. આ સાથે ભૂતિયા શિક્ષકોનો મુદ્દે પણ વિધાનસભા ગૃહમાં ચર્ચા થઇ શકે છે. આ સત્રમા પહેલીવાર વિતેલા સાડા ત્રણ દાયકાઓથી ગુજરાતીઓના જનમાનસમા ધુર કોંગ્રેસી, મોદી અને જમણેરીઓના પ્રખર વિરોધી અર્જૂન મોઢવાડિયા અને સી.જે ચાવડા  ભાજપના ધારાસભ્યની સાથે બેસેલા જોવા મળશે આ સાથે સૌની નજર તેમના પર રહેશે

વિધાનસભા પોલીસ છાવણીમાં ફેરવાઇ

આજથી ત્રણ દિવસીય સત્રની શરૂઆત થઈ રહી છે. જેને લઈને શિક્ષકો, વનકર્મી, આંગણવાડી બહેનો વિરોધ કરે તેવી ભીતિ ન્યાય યાત્રાનો ડરને કારણે ગુજરાત  વિધાનસભાને પોલીસ છાવણીમાં ફેરવાઇ છે.

સત્ર પહેલા બેઠકોનો દોર

વિધાનસભા સત્ર પહેલા બેઠકોનો દોર ચાલી રહ્યો છે. કોંગ્રેસ- ભાજપ દ્વારા પહેલા ખાસ બેઠક મળશે. શાસક પક્ષની બેઠકમાં મુખ્યમંત્રી સહીત તમામ મંત્રીઓ હાજર રહેશે. વિધાનસભામાં વિપક્ષ દ્વારા ઉપસ્થિત થતાં મુદ્દા, વિધેયકો અને અન્ય કામો બાબતે બેઠકમાં ચર્ચા થશે. કોંગ્રેસ પક્ષ દ્વારા ધારાસભ્યોની પણ બેઠક મળશે જેમાં સરકારને ઘેરવાની રણનીતિ ઘડવામાં આવશે. કોંગ્રેસ પક્ષ દ્વારા રાજકોટ અગ્નિકાંડ સહિતના મુદ્દે સરકારને ઘેરવામાં આવે તેવી શક્યતા છે.

ગૃહમાં આ વિધેયક રજૂ થશે

આ ચોમાસુ સત્રમાં વિધાનસભા ગૃહમાં ગુજરાત માનવ બલિદાન અને કાળા જાદુ અટકાવવા અને તેનુ નિર્મૂલન માટેના વિધેયકો રજૂ થશે, ગુજરાત માલ અને સેવા વેરા સુધારા વિધેયક-2024, ગુજરાત નશાબંધ સુધારા વિધેયક-2024, સૌરાષ્ટ્ર ગણોત અને ઘરખેડ સુધારા વિધેયક-2024, આ ચારેક સુધારા વિધેયકો છે. બપોરે 12 વાગે બેઠકની શરુઆત થશે. ટૂંકી મુદ્દતના પ્રશ્નો સાથે બેઠક શરૂ થશે. તારાંકિત પ્રશ્નોત્તરી કાળના બદલે ટૂંકી મુદ્દતમાં પ્રશ્નો પર ચર્ચા થશે.

વિપક્ષ સરકારને ઘેરવા તૈયાર

કોંગ્રેસ પક્ષ દ્વારા સરકારને ઘેરવા તૈયારીઓ કરી છે. રાજકોટ અગ્નિકાંડ, સાયકલ ખરીદી કૌભાંડ,  ફોરેસ્ટ ગાર્ડની ભરતી, બે આદિવાસી યુવકોની હત્યા સહિતના મુદ્દા ઉઠાવી વિપક્ષ ગૃહમાં હંગામો મચાવશે.  વિધાનસભા સત્રને પગલે શાસક અને વિપક્ષે મોડી સાંજે ધારાસભ્યોની બેઠક બોલાવી હતી જેમાં રણનીતિ ઘડવામાં આવી હતી.આ ઉપરાંત વિધાનસભા કામકાજ સલાહકાર સમિતીની પણ બેઠક મળી હતી.

વિધેયક પર પણ ચર્ચા થશે

15મી વિધાનસભાના ચોથા સત્રમાં વિવિધ વિભાગોના વટ હુકમો રાજ્યપાલની મંજૂરીથી મળેલા વિધેયકો વિધાનસભા મેજ પર મુકાશે. ધારાસભ્યના રાજીનામા અંગે વિધાનસભા અધ્યક્ષ જાહેરાત કરશે. પીએમ મોદીના ત્રીજા કાર્યકાળ માટે મુખ્યમંત્રી સંકલ્પ રજૂ કરશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ગૃહમાં ૯૦ મિનિટનો સંકલ્પ રજૂ કરશે. લોકસભાની ચૂંટણીમાં પીએમ મોદીના ત્રીજી વખત વિજય થવા સંદર્ભે ગૃહમાં સંકલ્પ રજૂ થશે. મુખ્યમંત્રીના સંકલ્પ બાદ સરકારી વિધેયક રજૂ થશે. ગુજરાત માનવ બલિદાન તથા કાળા જાદૂ અટકાવવા અંગે ગૃહમાં વિધેયક રજૂ થશે. કાળા જાદૂ સંદર્ભે રજૂ થનારા વિધેયક પર પણ ચર્ચા થશે.