આસ્થા અને માન્યતાને ઠેસ ન પહોંચે એનું ધ્યાન રાખવામાં આવ્યું છે: ગૃહ રાજ્યમંત્રી
6 માસથી 7 વર્ષ સુધીની કેદ, 5 હજારથી 50 હજાર સુધીનો દંડ
ગુજરાત વિધાનસભામાં અંધશ્રદ્ધા વિરોધી કાયદા માટેનું વિધેયક રજૂ કરવામાં આવ્યું છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અંધશ્રદ્ધા વિરોધી સૂચિત કાયદની જોગવાઈઓ સાથેનું વિધેયક કર્યું છે. “ગુજરાત માનવ બલિદાન અને બીજી અમાનુષી, અનિષ્ટ અને અઘોરી પ્રથા અને કાળા જાદુ અટકાવવા તેનું નિર્મૂલન કરવા બાબત વિધેયક 2024” રજૂ કરવામાં આવ્યું છે.
ગુજરાત વિધાનસભાના ત્રિદિવસીય ચોમાસુ સત્રનો આજથી પ્રારંભ થયો છે. આ સત્રનો પ્રારંભ વંદે માતરમ ગાનથી કરવામાં આવ્યો હતો. સત્ર શરૂ થયા પહેલાં જ કોંગ્રેસે વિરોધપ્રદર્શન કર્યું હતું. શાળામાં ગેરહાજર રહેતા તેમજ વિદેશમાં રહેતા શિક્ષકોનો અને ચાંદીપુરાનો મુદ્દો વિધાનસભા ગૃહમાં ગુંજ્યો હતો. કોંગ્રેસે ‘બંધ કરો ભાઈ બંધ કરો લોકશાહીની હત્યા બંધ કરો’ના સૂત્રોચ્ચાર કર્યા હતા.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બપોર બાદ વિધાનસભામાં અંધશ્રદ્ધાવિરોધી બિલ રજૂ કર્યું હતું. આ બિલ સર્વાનૂમતે પસાર કરવામાં આવ્યું હતું. અંધશ્રદ્ધાનું આચરણ કરનાર, કરાવનાર કે દુષ્પ્રેરણા આપનારને સજા થશે. જો કે, સૂચિત કાયદામાં ધાર્મિક વિધિ અને પરંપરાને છૂટ આપવામાં આવી છે.
કહેવાતા ચમત્કારો અને તેના પ્રચાર – પસાર કરવો ગુનો ગણાશે. આ ઉપરાંત ભૂત કે ડાકણ ભગાડવાના નામે શારીરિક પીડા આપવી અને અપાવવી ગુનો ગણાશે. કોઈ વ્યક્તિ પાસે અનિષ્ટ શક્તિ છે અને તેનાથી બીજાનું નુકશાન થાય છે તેનો પ્રચાર કરવો પણ ગુનો ગણાશે. સાપ, વીંછી કે શ્વાનના કરડવા અંગે દવાખાને લાઇજવતા રોકવા અને દોરા, ધાગા કે મંત્રો કરવા તે ગુનો ગણાશે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત પહેલા મહારાષ્ટ્ર, કર્ણાટક, ઓડિશા, રાજસ્થાન, છત્તીસગઢ અને આસામમાં અંધશ્રદ્ધા નિર્મૂલન સંબંધિત કાયદા અમલમાં છે. આમ આ પ્રકારનો કાયદો બનાવનારું ગુજરાત સાતમું રાજ્ય બનશે.
આ બિલમાં કરેલી જોગવાઈ મુજબ, કોઈ વ્યક્તિ પોતે અથવા કોઈ બીજી વ્યક્તિ મારફત આ અધિનિયમની જોગવાઈઓનો ભંગ કરીને, માનવ બલિદાન અને બીજી અમાનુષી, અનિષ્ટ અને અઘોરી પ્રથા અને કાળા જાદુ કરે અથવા કરાવડાવે, માનવ બલિદાન અને બીજી અમાનુષી, અનિષ્ટ અને અધોરી પ્રથા અને કાળા જાદુની કોઈ જાહેરખબર આપે અથવા અપાવડાવે, વ્યવસાય કરે અથવા કરાવડાવે, પ્રચાર કરે અથવા કરાવડાવે અથવા ઉત્તેજન આપે અથવા અપાવડાવે, તે બાબત આ અધિનિયમની જોગવાઈઓ હેઠળ ગુનો ગણાશે. આ ગુનાની દોષિત વ્યક્તિને 6 મહિનાથી ઓછી ન હોય એટલી પણ 7 વર્ષ સુધીની કેદ અને પાંચ હજાર રૂપિયાથી ઓછા નહીં પણ 50 હજાર રૂપિયા સુધીનો દંડ કરવામાં આવશે. તેમજ આ ગુનો બિન જામીનપાત્ર ગણાશે.
ચોમસુ સત્રના પ્રથમ દિવસે ગૃહ રાજ્યમંત્રી દ્વારા ગુજરાત માનવ બલિદાન ને બીજી અમાનુષી, અનિષ્ટ, અઘોરીપ્રથા, કાળો જાદુ અટકાવવા અને (એનું) નિર્મૂલન કરવા બાબત વિધેયક, 2024 રજૂ કરવામાં આવ્યું હતું. કાળા જાદુ હેઠળ ચાલતી પ્રવૃત્તિને રોકવા માટે કોઈ ખાસ કાયદો નથી. જોકે વર્ષ 2023ની સંહિતા મુજબ ગુનો નોંધવાની પ્રવૃત્તિ ચાલી રહી છે.
આઝાદીનાં 78 વર્ષ બાદ પણ આ પ્રકારની ઘટના ધ્યાન પર આવે છે, જેને રોકવી જરૂરી છે. નવા કાયદા હેઠળ મહત્ત્વના ગુના સામેલ કરવામાં આવ્યા છે. બહેનોની સુરક્ષા માટે આ બિલ મુખ્યમંત્રી તરફથી ભેટ છે. આસ્થા અને માન્યતાને ઠેસ ન પહોંચે એનું ધ્યાન રાખવામાં આવ્યું છે એમ બિલ રજૂ કરતી વખતે ગૃહરાજ્ય મંત્રીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું.
- “ગુજરાત માનવ બલિદાન અને બીજી અમાનુષી, અનિષ્ટ અને અઘોરી પ્રથા અને કાળા જાદુ અટકાવવા તેનું નિર્મૂલન કરવા બાબત વિધેયક 2024” તૈયાર
- ધાર્મિક વિધિ અને પરંપરાને કાયદાથી છૂટ આપવામાં આવી
- કહેવાતા ચમત્કારો અને તેના પ્રચાર – પસાર કરવો ગુનો ગણાશે
- ભૂત કે ડાકણ ભગાડવાના નામે શારીરિક પીડા આપવી અને અપાવવી ગુનો ગણાશે
- કોઈ વ્યક્તિ પાસે અનિષ્ટ શક્તિ છે અને તેનાથી બીજાનું નુકશાન થાય છે તેનો પ્રચાર કરવો પણ ગુનો ગણાશે
- સાપ, વીંછી કે શ્વાનના કરડવા અંગે દવાખાને લાઇજવતા રોકવા અને દોરા, ધાગા કે મંત્રો કરવા તે ગુનો ગણાશે
- ભૂત કે ડાકણ મંત્રોથી બોલાવી અન્યને ભયમાં મૂકવા તે બાબત પણ ગુનો બનશે
- ભૂત – ડાકણને બોલાવી અન્યોને શારીરિક ઇજા પહોંચાડવી પણ ગુનો બનશે
- ગર્ભ ધારણ કરવા અસમર્થ સ્ત્રી સાથે અલૌકિક શક્તિથી માતૃત્વ આપવાના બહાને જાતીય સંબંધ બાંધવો ગુનો ગણાશે
- આંગળી દ્વારા શસ્ત્ર ક્રિયા કરવી કે તેમ કરવાનો દાવો કરવો પણ ગુનો ગણાશે
- આવો ગુનો કરનાર વ્યક્તિને 6 મહિનાથી 7 વર્ષ સુધીની સજા થાય તેવી સૂચિત કાયદામાં જોગવાઈ
- ગુનેગારને રૂ. 5 હજારથી 50 હજારનો આર્થિક દંડ કરવાની પણ સૂચિત કાયદામાં જોગવાઈ