રાજ્યમાં 166 કરોડના ખર્ચે 2800 નવી બસો, 5 AC ડબલ ડેકર ઇલેક્ટ્રિક બસો તેમજ 18 નવા બસ સ્ટેશનો શરૂ કરાયા

ગુજરાત એસટી બસોનો રાજ્યામાં કાયાકલ્પ થયો, દોઢ વર્ષમાં ₹166 કરોડથી વધુના ખર્ચે નવીન બસો, બસ-સ્ટેશનો અને ડેપો થકી મુસાફરોની સુવિધાઓમાં વધારો.

ગાંધીનગર, 20 ઓગસ્ટ, 2024: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત એસટી બસોનો કાયાકલ્પ થયો છે. છેલ્લા દોઢ વર્ષમાં ગુજરાત રાજ્ય વાહનવ્યવહાર (એસટી) નિગમ દ્વારા મુસાફરોની સુવિધાઓમાં વધારો કરવા માટે ₹166 કરોડથી વધુના ખર્ચે નવી બસો શરૂ કરવામાં આવી છે, તેમજ નવા બસ સ્ટેશનો/ડેપોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, એક સમયે ગુજરાત એસટી નિગમની આર્થિક હાલત ખરાબ તબક્કામાંથી પસાર થતી હતી, પરંતુ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2001માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પદભાર ગ્રહણ કરતા જ રાજ્યના જાહેર નિગમોના કાયાકલ્પની ઝુંબેશ ઉપાડી હતી, જેમાં એસટી નિગમનો પણ સમાવેશ થતો હતો. તેના પરિણામસ્વરૂપે આજે ગુજરાત એસટી નિગમ રાજ્યમાં નવી બસોના ઉમેરા તેમજ નવા બસ સ્ટેશનો, નવા ડેપો-વર્કશૉપના વિકાસ સાથે રાજ્યના લાખો પ્રવાસીઓને મુસાફરીની ઉત્તમ સુવિધાઓ પૂરી પાડી રહ્યું છે.

એસટી નિગમ જૂની બસોના સ્થાને નવી આધુનિક બસો ઉપરાંત મુસાફરોને ઇલેક્ટ્રિક બસોની સુવિધા પણ પૂરી પાડી રહ્યું છે, જેના દ્વારા નિગમ ગુજરાતના ગ્રીન રિવૉલ્યૂશનમાં પણ ફાળો આપી રહ્યું છે. આ સાથે જ નિગમ દ્વારા તાજેતરમાં ચાલુ કરવામાં આવેલી ડબલ ડેકર બસો રાજ્યના જાહેર વાહન વ્યવહાર ક્ષેત્ર, નિગમ અને રાજ્ય સરકારની શાન વધારી રહી છે.

નિગમ દ્વારા ₹166 કરોડથી વધુના ખર્ચે વિવિધ વિકાસકાર્યો

ગુજરાત સરકાર અને એસટી નિગમ સાથે મળીને રાજ્યમાં એસટી બસ સેવામાં ઉત્તરોત્તર સુધારો કરી રહ્યા છે. રાજ્ય સરકારના પ્રોત્સાહન સાથે ગુજરાત રાજ્ય એસટી નિગમ દ્વારા ₹166 કરોડથી વધુના ખર્ચે વિવિધ વિકાસકાર્યો હાથ ધરવામાં આવ્યાં છે, જેમાં નવી બસોનું લોકાર્પણ, નવા બસ-સ્ટેશનો તેમજ નવા ડેપો-વર્કશોપનું લોકાર્પણ અને નવા બસ-સ્ટેશનો, ડેપો-વર્કશોપના ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે.

નિગમ દ્વારા ડિસેમ્બર-2022 થી મે-2024 સુધીમાં, એટલે કે છેલ્લા દોઢ વર્ષમાં કુલ 2800 નવી બસો પ્રજાની સેવામાં મૂકવામાં આવી છે, તો 18 નવા બસ સ્ટેશનો/ડેપોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, રાજ્યમાં 20 નવા બસ સ્ટેશનો/ડેપોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, જેની કામગીરી પૂરઝડપે ચાલી રહી છે. આ ઉપરાંત, રાજ્ય સરકાર તથા એસટી નિગમે પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશીપ (પીપીપી) ધોરણે નિર્મિત આધુનિક સુવિધાઓ ધરાવતા ભુજ તેમજ ભરૂચ બસ સ્ટેશનોનું લોકાર્પણ કર્યું છે. નિગમ દ્વારા ગાંધીનગર-અમદાવાદ વચ્ચે 5 આઇકૉનિક એસી ડબલ ડેકર ઇલેક્ટ્રિક બસો સંચાલનમાં મૂકવામાં આવી છે, જે મુસાફરોના આકર્ષણ અને સુવિધાનું કેન્દ્ર બની રહી છે. આ સાથે જ, નિગમ દ્વારા 10 હજારથી વધુ ડ્રાઇવર, કન્ડક્ટર, મિકેનિકલ સ્ટાફ તથા વહીવટી સ્ટાફની ભરતી કરવામાં આવશે, જે માટેની મંજૂરી આપી દેવામાં આવી છે.

કયા સ્થળે કેટલા વાહનોનું થયું લોકાર્પણ?

ગુજરાત રાજ્ય એસટી નિગમે દોઢ વર્ષમાં કુલ 2986 નવા વાહનોનું લોકાર્પણ કર્યું છે. તેમાં રાજ્ય કક્ષાએ 584, ગાંધીનગરમાં 417, જામનગરમાં 151, પાલનપુરમાં 70, નવસારીમાં 125, વડોદરામાં 474, સુરતમાં 111, શંખેશ્વરમાં 15, રાણીપ (અમદાવાદ)માં 47, લુણાવાડા તથા ક્વાંટમાં 50, ગિફ્ટ સિટી (ગાંધીનગર)માં 2, સોનગઢમાં 51, વિધાનસભા / સચિવાલય (ગાંધીનગર)માં 70, કલોલમાં 25, નડાબેટમાં 100 તથા જીએમડીસી (અમદાવાદ)માં 301 વાહનોનો સમાવેશ થાય છે.

આ સ્થળોએ કરાયું નવા બસ સ્ટેશનો/ડેપો/વર્કશૉપનું લોકાર્પણ

રાજ્ય સરકાર દ્વારા ફાળવાયેલ ફંડ હેઠળ નિગમે 16 સ્થળો પર ₹54 કરોડથી વધુના ખર્ચે નિર્મિત નવા બસ સ્ટેશનોનું લોકાર્પણ કર્યું છે, જેમાં સુરેન્દ્રનગર, મોરબી (નવું), ધાનપુર, ડેસર, લીમખેડા, મહુવા, રાજકોટ સેટેલાઇટ, વસો, ચકલાસી, ક્વાંટ, સોનગઢ, આટકોટ, ભરૂચ (ભોલાવ રોડ), કામરેજ, થાનગઢ, વાંકાનેર તેમજ હળવદનો સમાવેશ થાય છે. તેવી જ રીતે ₹28 કરોડથી વધુના ખર્ચે પીપીપી ધોરણે નિર્મિત ભરૂચ તેમજ ભુજ બસ સ્ટેશનોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને ₹5 કરોડ 50 લાખથી વધુના ખર્ચે લુણાવાડા તથા દ્વારકા ખાતે નવનિર્મિત ડેપો-વર્કશૉપનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.

આ સ્થળોએ બનશે નવીન બસ સ્ટેશનો/ડેપો

રાજ્ય સરકાર દ્વારા ફાળવાયેલ ફંડ અંતર્ગત નિગમ દ્વારા 12 સ્થળોએ ₹43 કરોડથી વધુના ખર્ચે નવા બસ સ્ટેશનોનું નિર્માણ કરવામાં આવશે. આ તમામ બસ સ્ટેશોના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કરી દેવામાં આવ્યું છે, જેમાં જોટાણા, શંખેશ્વર, સરસ્વતી, રાણપુર, વીરપુર, આમોદ, સુઈગામ, લોધિકા, કુકરવાડા, લાડોલ, ઉમરગામ તથા જામનગરનો સમાવેશ થાય છે.

તેવી જ રીતે રાજ્યના 8 સ્થળોએ ₹34 કરોડથી વધુના ખર્ચે તૈયાર થનાર નવા ડેપો/વર્કશૉપનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, જેમાં સંતરામપુર, ઉધના, હારિજ, પાલનપુર, જામજોધપુર, તલોદ, વીજાપુર તેમજ બોડેલી જેવા સ્થળોનો સમાવેશ થાય છે.