શ્રી સર્વમંગલ હોલમાં બ્રહ્મ પરિવારોએ વિધિ વિધાનથી યજ્ઞોપવિત ધારણ કરી. રક્ષાબંધન પ્રસંગે સત્તર તાલુકા બ્રહ્મ સમાજ દ્વારા જનોઈ બદલવાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો.
યજ્ઞોપવીત બદલવાનું પર્વ: બ્રાહ્મણો આ દિવસે શુભ મુહૂર્તમાં નદી, સરોવર, જળાશય કે તીર્થક્ષેત્રનાં સાંનિધ્યમાં વેદોકત મંત્રોચ્ચાર સહિત નૂતન યજ્ઞોપવીત ધારણ કરતાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એમ ત્રણ મુખ્ય અધિષ્ઠાતા પરમાત્માના સ્મરણ સમિન્વત ગણપતિ પૂજન કરી, યજ્ઞોપવીતના નવ તંતુઓના નવ અધિષ્ઠાતા દેવોનું આવાહ્ન કરી, યજ્ઞોપવીત સૂર્યનારાયણને બતાવી, તેને પોતાના કરસંપુટમાં રાખી, દશ વાર ગાયત્રી મંત્ર ભણીને તેને અભિમંત્રિત કરી વિધિપૂર્વક મંત્ર ભણી પોતાના ડાબા ખભા ઉપર જનોઇ ધારણ કરે છે અને જૂનાં યજ્ઞોપવીતને જળમાં પધરાવે છે.
જનોઇ માનવને નમ્ર બનાવવાનો પાઠ શીખવે છે. જનોઇમાં ભગવાન આપણી પડખે છે તે અખંડ રક્ષા કરતો રહેશે તેવો ઊંડો ભાવ છે. જનોઇ એ પણ એક રક્ષાનું ભાવાત્મક પ્રતીક છે. જનોઇ એ નવ તંતુઓને ત્રણ વારમાં ગૂંથીને બનાવવામાં આવી છે તેથી તેને ‘ત્રિસૂત્રી’ કહેવામાં આવે છે. આ સૂત્રો ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદના પ્રતીક સમાન છે. આ બ્રહ્મગાંઠની અંદર બ્રહ્મા, વિષ્ણુ, મહેશ શક્તિ સ્વરૂપના જ્ઞાનના તેજ સ્વરૂપ ધારણ કરે છે.
વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશનમાં પ્રમુખ હેમાંગ રાવલે જણાવ્યું હતું કે “બદલતા આધુનિક જમાનામાં બ્રહ્મ સમાજ પણ વૈજ્ઞાનિક અભિગમથી આ જનોઈ બદલવાનો ભવ્ય કાર્યક્રમ અમદાવાદમાં બ્રહ્મ સમાજના એર કન્ડિશન હોલ માં યોજાઈ ગયો કે જેમાં ૫૦૦થી પણ વધુ બ્રહ્મપરિવારોએ વિધિ વિધાનથી ભાગ લિધો હતો અને અંતમાં બ્રહ્મ ભોજનનો પણ લાભ લીધેલ”