રાજ્યમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ સંગીન બનાવવા રૂ. ૫૦૧૭ કરોડની ફાળવણીની મુખ્યમંત્રીની જાહેરાત

વાયબ્રન્ટ ગુજરાત અને પોલીસી ડ્રિવન એપ્રોચથી ગુજરાતનો આર્થિક પાયો મજબૂત થયો

ગુજરાતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સરદાર સાહેબની જન્મ ભૂમિ ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં ૭૮મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય ઉજવણીમાં ત્રિરંગો લહેરાવી ધ્વજ વંદના કરાવતાં સુગમતા, સરળતા, સંપર્ક, સમર્પણ, સહભાગિતા, સશક્તિકરણ અને સુરક્ષા એમ સુશાસનના સાત સપ્તર્ષિ સંકલ્પોની વિભાવના સ્પષ્ટ કરી હતી.

રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે રૂ. ૫૦૧૭ કરોડની ફાળવણી

તેમણે આ પ્રસંગે બે મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. રાજ્યમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ સંગીન બનાવવા માર્ગોના વિસ્તૃતિકરણ અને મજબૂતીકરણ માટે રૂ. ૫૦૧૭ કરોડની ફાળવણી કરવાની તેમજ  પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનામાં રાજ્યના વધુ લોકોને આવરી લેવાના હેતુંથી જરૂરતમંદ એન.એફ.એસ.એ. પરિવારોની માસિક આવકની મર્યાદા રૂ. ૧૫ હજારથી વધારીને રૂ. ૨૦ હજાર કરવાની પણ તેમણે ઘોષણા કરી હતી. મુખ્યમંત્રીએ વિકસીત ભારતના નિર્ણમાણ માટેની પ્રધાનમંત્રીના નેમને સાકાર કરવા માટે વિકસિત ગુજરાતના યોગદાનમાં સુશાસનના સાત સપ્તર્ષિ સંકલ્પોથી અગ્રેસર રહેવા ગુજરાત વાસીયોને આહવાન કર્યું હતું.

ગાંધી અને સરદારે સ્વરાજ્ય અપાવ્યું

ભુપેનેદ્ર પટેલે કહ્યું હતું કે, જેમ દેશની આઝાદીના જંગમાં ગુજરતાના મહાત્મા ગાંધી અને સરદાર સાહેબના નેતૃત્વમાં દેશને સ્વરાજ્ય અપાવ્યું હતું તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં આ સુશાસન સપ્તર્ષિથી ગુજરાત પથદર્શક બનશે. સુશાસનના ત્રીજા સંકલ્પ સંપર્ક અંતર્ગત આધુનિક સંપર્કના માધ્યમોથી લોકો પોતાની રજૂઆતો સરકાર સુધી ઝડપભેર અને સરળતાથી પહોંચાડી શકે અને સરકાર પણ સામે ચાલીને તેનું સમાધાન લાવે તેવા પ્રયત્ન કરાશે. આ માટે ડિઝીટલ ગુજરાત, સ્વાગત ઓનલાઇન, સીએમ ડેશબોર્ડ, વોટ્સએપ બોટ, રાઇટ ટુ સીએમ સહિતના પ્રજા અને પ્રશાસન વચ્ચેના સંપર્ક માધ્યમોને વધુ અદ્યતન ટેક્નોલોજીથી સજ્જ કરાશે, તેમ તેમણે ઉમેર્યું હતું.

ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, અમે નાગરિકોની સેવામાં સમર્પિત છીએ. નેશન ફર્સ્ટના ભાવથી કામ કરી દરેક ગુજરાતીમાં દેશ પ્રત્યેનો ભાવ બળવત્તર બને તેવો સરકારનો ધ્યેય છે. વિકાસના કેન્દ્ર બિંદુ એવા વિવિધ વંચિત વર્ગો આદિજાતિ, મહિલાઓ તથા ગરીબોના સશક્તિકરણનો સુશાસન સપ્તર્ષિના છઠ્ઠા સંકલ્પ તરીકે મુખ્યમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો.

નવા કાયદાઓથી ન્યાયિક પ્રક્રિયા વધુ ઝડપી બનશે

ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય વિધેયક એમ ત્રણ નવા કાયદાઓ હવે અમલી થતાં સમગ્ર દેશમાં એક જ ન્યાયદંડ સંહિતા લાગુ થઇ છે. આ નવા કાયદાઓથી ન્યાયિક પ્રક્રિયા વધુ ઝડપી બનશે અને લોકોની સલામતી માટે યોગ્ય પગલાં લઇ શકાશે.

વિકસિત ગુજરાત @2047 નું દિશાદર્શન કરાવતો વિઝન ડોક્યુમેન્ટ રાજ્ય સરકારે અર્નિંગ વેલ અને લિવિંગ વેલના બે મુખ્ય આધાર પર તૈયાર કર્યો છે. તેની ભૂમિકા આપતા મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાત અને ગુજરાતીઓ વેપાર વાણિજ્યમાં અગ્રેસર રહ્યા છે. કૃષિ, ઉદ્યોગ, સેવા સહિતના ક્ષેત્રોના વિકાસ અને તમામ નાગરિકોની આર્થિક પ્રગતિનો ધ્યેય પણ રાજ્ય સરકારે રાખ્યો છે. વાયબ્રન્ટ ગુજરાત અને પોલીસી ડ્રિવન એપ્રોચથી ગુજરાતનો આર્થિક પાયો મજબૂત થયો છે.

સેમિકન્ડક્ટર ચિપનું નિર્માણ ગુજરાતમાં

‘‘અર્નિંગ વેલ’’ની દિશામાં રાજ્યમાં અનેક યોજનાઓના અમલીકરણ થકી નેત્રદીપક કામગીરી થઇ રહી છે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ૧૦મી આવૃત્તિની સફળતાને પગલે ગુજરાત ‘ગ્લોબલ ડેસ્ટિનેશન ફોર સેમિકંડક્ટર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ’ તરીકે સ્થાપિત થઈ રહ્યું છે અને આ ક્ષેત્રમાં રૂ. એક લાખ કરોડથી વધુનું રોકાણ થયું છે. એટલું જ નહી, ભારતની પહેલી સેમિકન્ડક્ટર ચિપનું નિર્માણ ગુજરાતમાં થવાનું છે. ગ્રીન ગ્રોથ – રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રે ગુજરાતનું મહત્વનું યોગદાન રહેવાનું છે.

ઉક્ત બાબતમાં તેમણે ઉમેર્યું કે, ગુજરાત રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રે અગ્રેસર રાજ્ય છે. કચ્છમાં વિશ્વના સૌથી મોટા ૩૭ ગીગાવૉટના સોલાર-વિન્ડ હાઈબ્રીડ એનર્જી પાર્કનું નિર્માણ ઝડપથી પૂર્ણ કરવા ગુજરાત પ્રતિબદ્ધ છે. પીએમ સૂર્યઘર મુફ્ત બિજલી યોજના અંતર્ગત રહેણાંક મકાનોમાં સોલાર રૂફટોપ સિસ્ટમના અમલીકરણમાં દેશભરમાં ગુજરાત અગ્રેસર છે.

૫.૫૬ લાખથી વધુ આવાસોનું નિર્માણ

મુખ્યમંત્રીએ ‘‘લિવિંગ વેલ’’ની વિભાવના સ્પષ્ટ કરતા કહ્યું કે, નાગરિકોનું જીવન ધોરણ ઉંચુ આવે અને ઇઝ ઓફ લિવિંગ વધે તે માટે ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિ એમ સમાજના ચાર સ્તંભોને કેન્દ્ર બિંદુમાં રાખવામાં આવ્યા છે. પીએમ આવાસ યોજના હેઠળ ૫.૫૬ લાખથી વધુ આવાસોનું નિર્માણ કરીને ગરીબોને આપવામાં આવ્યા છે. આદિજાતિઓના સર્વગ્રાહી કલ્યાણ માટે નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં એમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન શરૂ કરેલી રૂ. એક લાખ કરોડની વનબંધુ કલ્યાણ યોજનાથી આદિવાસી સમુદાયના જીવનમાં ગુણાત્મક પરિવર્તન આવ્યું છે. આપણે એ યોજનાની સફળતાને પગલે વનબંધુ કલ્યાણ યોજના – ૨, ૨૦૨૧થી ૨૦૨૬ રૂ. એક લાખ કરોડની જોગવાઇ સાથે શરૂ કરી છે, તેમ તેમણે  ઉમેર્યું હતું.

રાજ્યના યુવાનો માટે કૌશલ્ય વર્ધન

રાજ્યના યુવાનો માટે કૌશલ્ય વર્ધન, સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ, પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન, ૪૫ લાખ ખેડૂતોને કિસાન સન્માન નિધિ, ૧૫ લાખ ખેડૂતોને સુક્ષ્મ સિંચાઇ યોજનાનો લાભ, સુજલામ સુફલામ જળ સંચય અભિયાનથી ૧૧૨૩ લાખ ઘનફૂટ વધુ જળ સંગ્રહ ક્ષમતા, આયુષ્યમાન કાર્ડ, ૩.૧૩ લાખ મહિલાઓનું સખી મંડળોમાં જોડાણ સહિતની વિકાસલક્ષી બાબતોનો ચિતાર મુખ્યમંત્રીશ્રીએ આપ્યો હતો.

આ દરમિયાન મુખ્ય સચિવ રાજ કુમાર અને પોલીસ મહાનિદેશક વિકાસ સહાય મુખ્યમંત્રીને પોડિયમ તરફ દોરી ગયા હતા. વાયુસેનાના હેલીકોપ્ટરે રાષ્ટ્રધ્વજ ઉપર આકાશમાંથી પુષ્યવૃષ્ટિ કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ ખુલ્લી જીપમાં પ્રજાજનોનું અભિવાદન ઝીલ્યું હતું. આ પ્રસંગે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.

મુખ્યમંત્રીએ પીપલગ ખાતે કર્મયોગી વનનું લોકાર્પણ

૧૫મી ઓગસ્ટ સ્વતંત્ર દિવસની ઉજવણી બાદ ખેડા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત તૈયાર કરવામાં આવેલ કર્મયોગી વનનું લોકાર્પણ કર્યું હતું. વધુમાં, તેમણે વૃક્ષારોપણ કરી જિલ્લાના નાગરિકોને પર્યાવરણ સંવર્ધન માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીને પરીએજ તળાવ ખાતેના સારસ પક્ષીની સુંદર છબી સ્મૃતિ ભેટ આપવામાં આવી હતી.