નડિયાદ: સરદાર સાહેબના જન્મ સ્થળની મુલાકાત લીધા બાદ મુખ્યમંત્રી હિન્દુ અનાથ આશ્રમ પહોંચ્યા હતા

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને હિન્દુ અનાથ આશ્રમના પ્રમુખશ્રી દિનશા પટેલ અને ટ્રસ્ટીઓએ મુખ્ય મંત્રીને આશ્રમ ખાતે આવકાર્યા હતા.

ભૂપેન્દ્ર પટેલે સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ નડિયાદ પહોંચીને સરદાર સાહેબના જન્મ સ્થળની મુલાકાતથી તેમના કાર્યક્રમોની શરૂઆત કરી હતી. ત્યારબાદ મુખ્યમંત્રીએ હિન્દુ અનાથ આશ્રમની મુલાકાત લીધી હતી.

૭૮માં સ્વાતંત્ર પર્વની રાજ્યકક્ષાની ઉજવણીમાં સહભાગી થવા નડિયાદ ખાતે આવેલા મુખ્યમંત્રી સૌ પ્રથમ લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ સ્થાને જઈને સરદાર સાહેબને આદરાંજલી અર્પણ કરી હતી. બુધવારે ૧૪ ઓગસ્ટ ૨૦૨૪, ૭૮માં સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ આયોજીત વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થવા બપોરે નડીયાદ પહોચ્યા હતા. મુખ્ય મંત્રીએ સરદાર વલ્લભભાઈ પટેલના જન્મસ્થળની મુલાકાત લઈને સરદાર સાહેબને ભાવાંજલી અર્પણ કરી તેમના નડિયાદ ખાતેના કાર્યક્રમોની શરૂઆત કરી હતી.

ભૂપેન્દ્ર પટેલ નડિયાદ પહોંચીને દેસાઈ વગો સ્થિત સરદાર સાહેબના જન્મ સ્થળની મુલાકાત લીધી હતી.જ્યાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલનું ઢોલ નગારા સાથે ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. સરદાર પટેલ જન્મ સ્થળની સામે ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી ભાવાંજલી આપી હતી. મુખ્ય મંત્રીએ સરદાર સાહેબના જન્મ સ્થળે સરદાર સાહેબના ફોટોને સુતરની આંટી પહેરાવી પુષ્પ અર્પણ કર્યા હતા.

મુખ્યમંત્રીએ હિન્દુ અનાથ આશ્રમની મુલાકાત લીધી

મુખ્યમંત્રીએ હિંદુ અનાથ શ્રમમાં ગાંધી સરદાર સ્મૃતિ ભવનની ગાંધી અને સરદાર પટેલની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી વંદન કર્યા હતા. મુખ્ય મંત્રીએ ભવનના મ્યુઝિયમની મુલાકાત લઈ ચિત્ર પ્રદર્શન નિહાળ્યું હતું. મુખ્ય મંત્રીએ હિન્દુ અનાથ આશ્રમના ટ્રસ્ટીઓ અને સમિતિના સભ્યો સાથે આશ્રમના બાળકોના સર્વાંગી વિકાસ માટે વિચાર વિમર્શ કર્યો હતો.

આશ્રમના સૌથી નાના બાળક દ્વારા મુખ્યમંત્રીનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ બાળકનું અભિવાદન કર્યું હતું. મુખ્યમંત્રીએ આશ્રમમાં વૃક્ષારોપણ કર્યું હતું.

આ પ્રસંગે ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ,ધારાસભ્યો સર્વશ્રી પંકજભાઈ દેસાઈ, રાજેશ ઝાલા, અર્જુનસિંહ ચૌહાણ, યોગેન્દ્રસિંહ પરમાર, કલ્પેશભાઈ પરમાર, સંજયસિંહ મહિડા, નડિયાદ નગરપાલિકા પ્રમુખ શ્રી કિન્નરીબેન શાહ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ.ડી.વસાવા, નિવાસી અધિક કલેકટર શ્રી ભરત જોષી, અગ્રણી શ્રી અજય બ્રહ્મભટ્ટ, , આશ્રમના ટ્રસ્ટીઓ, સમિતિના સભ્યો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

ભૂપેન્દ્ર પટેલે નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરના દર્શન કર્યા

ભૂપેન્દ્ર પટેલે માનવ સેવા એજ પ્રભુ સેવા ની ભાવનાને વરેલા નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરની મુલાકાત લઈ સંતરામ મહારાજની સમાધિ સ્થાનક ના દર્શન કર્યા હતા અને અખંડ જ્યોત સમક્ષ મંગલ કામના કરી હતી.

મંદિરના સંત નિર્ગુણ દાસ મહારાજે મુખ્યમંત્રીને આવકારી સમાધિ સ્થાન સુધી દોરી ગયા હતા અને સંતરામ મહારાજ અને મંદિરની સેવાકીય પ્રવૃત્તિ અંગે જાણકારી પ્રદાન કરી હતી.