આસારામ 2013થી જેલમાં છે, 11 વર્ષ બાદ પેરોલ મળ્યા
બળાત્કાર કેસમાં આજીવન જેલની સજા ભોગવી રહેલા આસારામને 11 વર્ષ બાદ પેરોલ મળ્યા છે. આસારામના 7 દિવસના પેરોલ રાજસ્થાન હાઇકોર્ટે મંજૂર કર્યા છે. જોધપુર સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહેલા આસારામની તબિયત અચાનક લથડી હતી. રાજસ્થાન હાઇકોર્ટના ન્યાયાધીશ જસ્ટીસ પુષ્પેન્દ્ર સિંહ ભાટીની બેન્ચે તેને પોલીસ કસ્ટડીમાં સારવાર માટે મહારાષ્ટ્ર જવા વચગાળાના પેરોલની મંજૂરી આપી છે. આસારામ છેલ્લા ચાર દિવસથી જોધપુર એમ્સમાં દાખલ છે.
આસારામની તબિયત ખરાબ થતા, તેણે છાતીમાં દુખાવો થવાની ફરિયાદ કરતાં જેલના અધિકારીઓએ તેને જોધપુર એઇમ્સ (AIIMS) હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ બાદ દાખલ કરાયો હતો. આસારામે સારવાર માટે પેરોલ માટે અરજી કરી હતી, પરંતુ તે દર વખતે ફગાવી દેવામાં આવી હતી. અગાઉ, આસારામને જોધપુરની ખાનગી આયુર્વેદિક હોસ્પિટલમાં સારવાર માટે પોલીસ કસ્ટડીમાં મંજૂરી આપવામાં આવી હતી. ત્યાં આસારામે પૂણેના ડોક્ટરોની દેખરેખમાં સારવાર લીધી. ત્યારપછી તેમની તબિયત બગડતાં તેમને જોધપુર એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. આસારામની તબિયત ખરાબ થવાના સમાચાર સાંભળતા જ એઇમ્સ હોસ્પિટલ બહાર તેના સમર્થકોની ભીડ જામી હતી.
આસારામ 2 સપ્ટેમ્બર 2013થી જેલમાં બંધ છે. આસારામને 25 એપ્રિલ 2018માં જોધપુરની વિશેષ POCSO કોર્ટે સગીર બાળકી સાથે બળાત્કાર કરવા બદલ દોષી ઠેરવી તેમને આજીવન જેલની સજા સંભળાવી હતી. પીડિતાએ તેની ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો કે, 15 ઓગસ્ટ, 2013ની રાતે આસારેમે તેના જોધપુર પાસેના આશ્રમમાં બોલાવી તેના પર બળાત્કાર આચર્યું હતું. પાંચ વર્ષોથી વધુ સમય ચાલેલી સુનાવણી બાદ પોક્સો અદાલતે આસારામને દોષિત ઠરાવી આજીવન જેલની સજા આપી હતી.
ગાંધીનગરમાં આશ્રમની એક મહિલા દ્વારા આસારામ વિરુદ્ધ બળાત્કારનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં 31 જાન્યુઆરી 2023ના રોજ કોર્ટે આસારામને આજીવન કેદની સજા સંભળાવી હતી.
આસારામે કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી હતી, જેમાં આસારામે જણાવ્યું હતું કે જ્યારે તેઓ જેલની બહાર હતા ત્યારે તેમને માત્ર બે બીમારીઓ હતી. જો કે, જેલના વાતાવરણ અને પોલીસ કસ્ટડીના તણાવને કારણે તબિયત એટલી બગડી ગઈ છે કે હવે તે પોતાના શરીરની બીમારીઓને આંગળીઓ પર ગણી શકે તેમ નથી.
આસારામનો પુત્ર નારાયણ સાંઇ પણ રેપ કેસમાં આજીવન જેલની સજા ભોગવી રહ્યો છે. સુરતની એક મહિલાએ તેના પર 2002થી 2005 વચ્ચે યૌન શોષણ અને વારંવાર બળાત્કાર કરવાનો આરોપ લગાવી પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી. પીડિતાની ફરિયાદના આધારે પોલીસે તેની ધરપકડ કરી હતી. જે બાદ સુરતની એક કોર્ટે 26 એપ્રીલ 2019ના રોજ તેને બળાત્કાર, અપ્રાકૃતિક યૌન સંબંધ અને પીડિતાને ધમકાવવા બદલ આજીવન જેલની સજા આપી હતી.