લેબનોનથી હિઝબુલ્લાહે ઇઝરાયલ પર કર્યો હવાઈ હુમલો, 30 સેકન્ડમાં 30 રોકેટ છોડ્યા

rocket-attack

ઇઝરાયલ પર ઈરાનના સંભવિત હુમલાને ધ્યાને લઈ અનેક ફ્લાઈટ રદ કરવામાં આવી
અમેરિકાએ પણ સંભવિત યુદ્ધને પગલે ભૂમધ્ય સમુદ્ર તરફ તેના યુદ્ધ જહાજો અને સબમરીન રવાના કર્યા

ઇઝરાયલે ઈરાનમાં હમાસ ચીફની હત્યા કર્યા બાદ હવે ઈરાન પણ હમાસ સાથે મળીને યુદ્ધમાં ઝંપલાવી ઇઝરાયલ પર હુમલો કરે તેવી સંભાવના છે. ઇરાન અને ઇઝરાયલ વચ્ચે સંભવિત યુદ્ધ પહેલા હિઝબુલ્લાહએ રવિવારે (11 ઑગસ્ટ) રાત્રે ઉત્તરી ઇઝરાયેલ પર લેબનોનથી લગભગ 30 રૉકેટ છોડીને હુમલો કર્યો હતો. હિઝબુલ્લાહએ રોકેટ હુમલાની જવાબદારી લીધી છે. એમાં કહેવામાં આવ્યું છે કે ઈઝરાયલના સૈન્ય મથકને નિશાન બનાવવામાં આવ્યું હતું.

હિજબુલ્લાહે ઈઝરાયલ પર 30 સેકન્ડમાં 30 રોકેટ છોડ્યા હતા. જેના કારણે થોડા સમય માટે આકાશનો રંગ બદલાઈને કેસરી થઈ ગયો હતો. ઈઝરાયલ આર્મી (IDF)એ સોમવારે જણાવ્યું હતું કે રોકેટ ખુલ્લા વિસ્તારોમાં પડ્યા હતા. આને કારણે કોઈનું મૃત્યુ થયું નથી. ઈઝરાયલ આર્મીના જણાવ્યા અનુસાર, લેબનીઝ વિસ્તારમાંથી ઉત્તરી ઈઝરાયલના કાબારી વિસ્તારમાં પ્રવેશ્યાં હતાં. હુમલાના જવાબમાં ઈઝરાયલની સેના લેબેનોનના એવા વિસ્તારો પર હુમલો કરી રહી છે, જ્યાંથી રોકેટ છોડવામાં આવ્યાં હતાં.

ઈઝરાયલ પર હિઝબુલ્લાહના હુમલા બાદ અમેરિકાના ડિફેન્સ સેક્રેટરી જનરલ લોઇડ ઓસ્ટિને 150થી વધુ મિસાઇલોથી સજ્જ યુદ્ધ સબમરીન યુએસએસ જ્યોર્જિયાને મધ્ય-પૂર્વ પહોંચવાના આદેશ આપ્યા છે. પેન્ટાગોન દ્વારા આ વાતની પુષ્ટિ પણ કરવામાં આવી છે. અમેરિકાએ ઈઝરાયલની મદદ માટે બે યુદ્ધ જહાજ અને એક સબમરીન મોકલી છે. આ ક્ષેત્રમાં યુએસએસ થિયોડોર રૂઝવેલ્ટ યુદ્ધ જહાજ પહેલાંથી જ તૈનાત છે. ઉપરાંત યુદ્ધ જહાજ યુએસએસ અબ્રાહમ લિંકનને પણ આ ક્ષેત્ર તરફ રવાના કરાયું છે.

અમેરિકાએ માર્ગદર્શિત મિસાઇલોથી સજ્જ સબમરીન અને F-35C ફાઇટર જેટથી સજ્જ એરક્રાફ્ટ કેરિયર્સ મધ્ય પૂર્વમાં મોકલી છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે ફોન પર વાતચીત દરમિયાન ઇઝરાયલનો બચાવ કરવાનું વચન આપ્યું હતું.

ઇઝરાયલ પર ઈરાનના સંભવિત હુમલાને ધ્યાને લઈ જર્મનીની લુફ્તાંસા એરલાઇન્સે મધ્ય-પૂર્વમાં તેની ઘણી ફ્લાઇટો 21 ઑગસ્ટ સુધી રદ કરી દીધી છે.

એર ઇન્ડિયાએ શુક્રવારે ભારત અને ઇઝરાયેલ વચ્ચેની ફ્લાઇટ્સ અનિશ્ચિતકાળ સુધી રદ કરવાની જાહેરાત કરી છે. એર ઇન્ડિયાએ એક ટ્વિટમાં જણાવ્યું કે, એરલાઇન કંપનીએ આગામી સૂચના સુધી દિલ્હીથી તેલ અવીવની તમામ ફ્લાઇટ્સ સ્થગિત કરી દીધી છે.

ટાટા ગ્રુપની માલિકીની કંપનીએ અગાઉ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીથી તેલ અવીવ સુધીની તેની સેવાઓ 8 ઑગસ્ટ સુધી સ્થગિત કરી દીધી હતી. આ સાથે એરલાઇને ટિકિટ બુક કરેલા મુસાફરોને તમામ રકમ પરત કરવાની પણ તૈયારી આદરી છે.

ઉલ્લેખનીય છે કે, પેલેસ્ટાઈન અને હમાસ સાથેના યુદ્ધમાં ઈરાનના ઘરમાં ઘૂસીને વિરોધીને ઠાર મારવા બદલ ઇઝરાયેલ સામે ઈરાને ભારે વિરોધ નોંધાવ્યો છે અને આક્રમક પગલા લેવાની ચીમકી પણ ઉચ્ચારી છે. ઈરાનની રાજધાની તેહરાનમાં હમાસના રાજકીય વડા ઈસ્માઈલ હાનિયેહની હત્યા કરવામાં આવી હતી. ઈરાને આ માટે ઈઝરાયલને જવાબદાર ઠેરવ્યું છે અને બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી છે. ત્યારથી ગાઝા યુદ્ધના કારણે મધ્ય-પૂર્વમાં ચાલી રહેલો તણાવ ઘણો વધી ગયો છે.

ઇઝરાયલ પર હુમલો કરવા હિઝબુલ્લાહ, હમાસ અને યમનના હૂતી વિદ્રોહી પણ ઈરાનને સાથ આપી શકે છે. આ કારણે અમેરિકા આ સંભવિત યુદ્ધ ક્ષેત્રોમાં પોતાની તાકાત વધારી રહ્યું છે. અમેરિકાએ ઇઝરાયલને આશ્વાસન આપ્યું છે કે, અશાંતિ ફેલાતી રોકવા માટે અમેરિકા દરેક સંભવિત પગલાં ભરશે.