ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ વિજેતા ભારતીય હોકી ટીમનું દિલ્હી એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, ખેલાડીઓ ઢોલના તાલે ઝૂમ્યાં, જુઓ વીડિયો

Hockey-team

ખેલાડીઓએ એરપોર્ટની બહાર પોતાના બ્રોન્ઝ મેડલ સાથે એક ગ્રૂપ ફોટો પડાવ્યો

પેરિસ ઓલિમ્પિકસ 2024માં ભારતીય હોકી ટીમે સ્પેનને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચનારી ભારતીય હોકી ટીમ પોતાના દેશ પરત ફરી છે. દિલ્હી ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ડ્રમ પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા. જુઓ વીડિયો…

https://x.com/ANI/status/1822130967575740445

દિલ્હીનાં ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ભારતીય હોકી ટીમનું ફૂલોના હાર અને ઢોલ-નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સવારથી જ એરપોર્ટની બહાર ચાહકો એકઠા થયા હતા. ટીમના ખેલાડીઓ દિલ્હી એરપોર્ટથી બહાર આવી રહ્યા ત્યારે ચાહકોએ હાર પહેરાવીને તેમનુ સ્વાગત કર્યું હતું. ભારતીય હોકી ટીમનાં ખેલાડીઓએ એરપોર્ટની બહાર પોતાના બ્રોન્ઝ મેડલ સાથે એક ગ્રૂપ ફોટો પડાવ્યો હતો. ઘણાં ખેલાડીઓ ઢોલ-ડ્રમના તાલે ડાન્સ કરતા પણ જોવા મળ્યા હતા.

પેરિસ ઓલિમ્પિકસમાં બ્રોન્ઝ મેડલ માટેની મેચમાં ભારતીય હોકી ટીમે સ્પેનને 2-1થી હરાવ્યું હતું. બંને ગોલ કેપ્ટન હરમનપ્રીત સિંહે કર્યા હતા. તે 10 ગોલ સાથે ટુર્નામેન્ટનો ટોપ સ્કોરર પણ હતો. ભારતીય હોકી ટીમમાં દીવાલ તરીકે ઓળખાતા ગોલકીપર પીઆર શ્રીજેશએ પેરિસ ઓલિમ્પિકસ બાદ નિવૃત્તિની જાહેરાત કરી હતી. હોકી ટીમે તેમના શ્રેષ્ઠ ખેલાડીને શાનદાર વિદાય આપી છે. ભારતીય ટીમના સુપરસ્ટાર ગોલકીપર પીઆર શ્રીજેશ પેરિસ ઓલિમ્પિક 2024ના સમાપન સમારોહ માટે ભારતના ધ્વજ વાહકની ભૂમિકા ભજવશે.

ભારતીય હોકી ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહે એરપોર્ટ પર મીડિયા સાથે વાત કરતા કહ્યું, “મેડલ એક મેડલ છે અને તે જીતવું એ દેશ માટે મોટી વાત છે. અમે ફાઈનલમાં પહોંચવાનો અને ગોલ્ડ જીતવાનો પ્રયાસ કર્યો, પરંતુ કમનસીબે અમારું સપનું પૂરું ન થયું. જો કે, અમે ખાલી હાથ પાછા નથી ફર્યા, મેડલ જીતવો એ પોતે જ મોટી વાત છે.”

તેણે વધુમાં કહ્યું કે, “તે તેના (પીઆર શ્રીજેશ) માટે ભાવનાત્મક ક્ષણ હતી કારણ કે તે તેની છેલ્લી મેચ રમી રહ્યો હતો. તેઓ નિવૃત્ત થયા છે, પરંતુ તેઓ અમારી સાથે રહેશે. હું ભારત સરકાર, SAI અને ઓડિશા સરકારનો તેમના સમર્થન બદલ આભાર માનું છું. અમને જે પ્રેમ મળી રહ્યો છે તે અમારી જવાબદારી બમણી કરે છે, અમે જ્યારે પણ રમીશું ત્યારે દેશ માટે મેડલ લાવવાનો પ્રયાસ કરીશું.”

ભારતીય હોકી ટીમની સતત બે ઓલિમ્પિકસમાં મળેલી સફળતાથી દરેક ભારતીય ખુશ છે. ભારતે 32 વર્ષ બાદ ઓલિમ્પિકસમાં સતત બે વખત મેડલ જીત્યા છે. આગાઉ ભારતીય ટીમે વર્ષ 1968માં મેક્સિકો સિટી ઓલિમ્પિકસ અને વર્ષ 1972 મ્યુનિક ઓલિમ્પિકસમાં સતત બે બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. અગાઉ ટોક્યો ઓલિમ્પિકસ 2020માં પણ હોકી ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમને 52 વર્ષ બાદ ઓલિમ્પિકસમાં હરાવી હતી.