મનીષ સિસોદિયા તિહાર જેલમાંથી 17 મહિના પછી બહાર આવ્યા, ભાવુક થઈને કહ્યું- ‘દેશનું બંધારણ નિર્દોષ લોકોને બચાવશે’

manish-sisodiya

AAP સાંસદ સંજય સિંહે કહ્યું- આ સત્યની જીત છે

લિકર પોલિસી કૌભાંડ મામલે દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને આજે તિહાર જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. આજે બપોરે સુપ્રીમ કોર્ટે તેમને દિલ્હી લિકર પોલિસી કૌભાંડ સંબંધિત CBI અને ED બંને કેસમાં જામીન આપ્યા હતા. પાર્ટીના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહ તેમને લેવા તિહાર જેલ પહોંચ્યા હતા.

સુપ્રીમ કોર્ટે જામીન આપતા 17 મહિનાં પછી જેલમાંથી બહાર આવ્યા બાદ સિસોદિયાએ ત્યાં હાજર પાર્ટી સમર્થકોનું અભિવાદન કર્યું હતું. તેમણે કહ્યું, ‘બંધારણને કારણે જામીન મળ્યા.’ અહીંથી તેઓ સીધા અરવિંદ કેજરીવાલના ઘરે જશે. તેમની પત્ની સુનીતા કેજરીવાલ અને પરિવારના સભ્યોને મળશે. આવતીકાલે તેઓ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા રાજઘાટ જઈ શકે છે.

બહાર આવતા જ થઈ ગયા ભાવુક
મનીષ સિસોદિયાનું જેલ બહાર સ્વાગત કરવા માટે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઑ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આતિષી સહિતના દિગ્ગજ નેતાઓ પણ તિહાડ જેલ બહાર ઉપસ્થિત હતા. જેલથી બહાર આવ્યા બાદ સિસોદિયા ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું હતું, કે ‘દેશનું બંધારણ નિર્દોષ લોકોને બચાવશે. તાનાશાહી સરકારથી આ બંધારણ જ બચાવશે. જલ્દી જ કેજરીવાલ પણ જેલથી બહાર આવશે. આજે મને બંધારણની શક્તિનો અનુભવ થયો છે. હું સુપ્રીમ કોર્ટનો આભાર વ્યક્ત કરું છું.’

સંજય સિંહે કહ્યું- આ કેન્દ્ર સરકારની તાનાશાહી પર થપ્પડ
સિસોદિયાને જામીન મળ્યા બાદ AAP સાંસદ સંજય સિંહે કહ્યું- આ સત્યની જીત છે. મેં અગાઉ કહ્યું તેમ, આ કેસમાં કોઈ પુરાવા નથી. અમારા નેતાઓને બળજબરીથી જેલમાં ધકેલી દેવામાં આવ્યા.

સંજય સિંહે કહ્યું- મનીષ સિસોદિયાને 17 મહિના સુધી જેલમાં રાખવામાં આવ્યા હતા. હું સુપ્રીમ કોર્ટનો આભાર માનું છું કે અમને ન્યાય મળ્યો અને નિર્ણય AAPની તરફેણમાં આવ્યો. દરેક કાર્યકર ઉત્સાહિત છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે અરવિંદ કેજરીવાલ અને સત્યેન્દ્ર જૈન પણ જલ્દી જેલમાંથી બહાર આવે. આ કેન્દ્ર સરકારની સરમુખત્યારશાહી પર થપ્પડ છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું- કેસ ખતમ થવાની કોઇ સંભાવના નથી
ચુકાદો આપતાં સુપ્રીમ કોર્ટે કહ્યું- કેસમાં અત્યાર સુધીમાં 400થી વધુ સાક્ષીઓ અને હજારો દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં કેસનો અંત આવે તેવી કોઈ શક્યતા નથી. આવી સ્થિતિમાં સિસોદિયાને કસ્ટડીમાં રાખવા તેમના સ્વતંત્રતાના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન હશે.

સિસોદિયાને ભ્રષ્ટાચારના કેસમાં CBIએ 26 ફેબ્રુઆરી 2023એ અને EDએ 9 માર્ચ 2023એ મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી હતી. ત્યારથી તેઓ જેલમાં હતા. સિસોદિયાએ 28 ફેબ્રુઆરી 2023એ મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું.