ટૂ-વ્હીલર ચાલકો અને પાછળ બેસનાર માટે હવે હેલ્મેટ ફરજિયાત, ગુજરાત હાઈકોર્ટનો આદેશ

helmet

હેલ્મેટ પહેરવાની આદત ન હોય તો પાડી લેજો, કારણ કે ગુજરાત હાઈકોર્ટે 15 દિવસની અંદર ટૂ-વ્હીલરચાલકો અને તેની પાછળ બેસતા લોકો માટે હેલ્મેટ ફરજિયાત કરવાનો આદેશ કર્યો છે.

રાજ્યમાં કૂદકે ને ભૂસકે વધી રહેલા અકસ્માતના બનાવોમાં સતત વધારો થઇ રહ્યો છે. દેશભરમાં દરરોજ હજારો લોકો રોડ અકસ્માતનો ભોગ બને છે. ત્યારે આજે ગુજરાત હાઇકોર્ટમાં ટ્રાફિકના નિયમનું પાલન થતું ન હોવાના મુદ્દે કડક વલણ દાખવ્યું હતું.

ગુજરાત હાઈકોર્ટે 15 દિવસની અંદર ટૂ-વ્હીલરચાલકો અને તેની પાછળ બેસતા લોકો માટે હેલ્મેટ ફરજિયાત કરવાનો આદેશ કર્યો છે, સાથે જ કોર્ટે જ્યાં વધુ ટ્રાફિક થતો હોય એવા એરિયામાં સવાર-સાંજ કામ કરી, રોંગ સાઈડમાં આવતાં વાહનોને દંડવાનું અને સાઈનબોર્ડ મૂકવાના પણ આદેશ કર્યા છે.

રાજ્યમાં હેલ્મેટના નિયમોનું પાલન નહીં થવાના મુદ્દે હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજ્ય સરકાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, નેશનલ હાઈવે ઓથોરિટી અને પોલીસને આદેશ આપ્યો છે કે ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન ફરજિયાત પણે કરાવવામાં આવે અને પાછળ બેસનારને પણ ફરજિયાત હેલ્મેટ પહેરવાનું રહેશે.

હાઇકોર્ટે ટ્રાફિકના નિયમોના પાલનના મુદ્દાને ગંભીરતાથી લેતાં ટકોર કરી હતી કે હજુ લોકો હેલ્મેટ પહેરતા નથી, દ્રિચક્રી વાહનો માટે હેલ્મેટ ફરજિયાત છે. હેલ્મેટ લઇને બેદરકારી રાખશો નહી, ફરજિયાત પાલન કરાવો. એટલું જ નહી પાછળ બેસનાર માટે પણ હેલ્મેટ ફરજિયાત પહેરવાનો આદેશ કર્યો હતો.

હાઈકોર્ટે કહ્યું કે 15 દિવસમાં એસજી હાઇવે પર જરૂરી સર્વિસ રોડ બનાવવામાં આવે અને રોંગ સાઇડમાં ડ્રાઇવિંગ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવે. અધિકારીઓ મનસ્વી વર્તશે તો ચલાવી લેવામાં નહી આવે. રોડનું પ્લાનિંગ અને ટ્રાફિક નિયમન બાબતે વૈજ્ઞાનિક અભિગમ વિના કામગીરી ના થવી જોઈએ.

ગુજરાત હાઈકોર્ટે કહ્યું હતું કે ટ્રાફિકની સમસ્યાના સમાધાન માટે પોલીસમાં ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવે. માત્ર ચલણ કાપવાથી કાયદાની યોગ્ય અમલવારી થઈ શકે નહીં. નાગરિકોને એમની જવાબદારીનું ભાન કરાવવું એ સરકારનું કામ છે.