ભારતનાં પડોશી દેશ બાંગ્લાદેશના પીએમ પદેથી રાજીનામું આપીને શેખ હસીનાએ ભારતમાં આશરો લીધો છે. અગાઉ તેના લંડન જવાની શક્યતા હતી પરંતુ બ્રિટને તેને મંજૂરી આપી ન હતી.
બાંગ્લાદેશમાં આરક્ષણ આંદોલનને લઈને થયેલ હિંસા બાદ પોતાનો દેશ છોડીને ભારતમાં રોકાયેલ બાંગ્લાદેશનાં પૂર્વ વડાપ્રધાન શેખ હસીના આગામી 48 કલાકમાં યુરોપ જઈ શકે છે. જોકે, તે યુરોપના કયા દેશની મુલાકાત લેશે તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી બહાર આવી નથી. આ પહેલા તેમના લંડન જવાની ચર્ચા હતી પરંતુ બ્રિટને તેમને તેમના દેશમાં આવવાની પરવાનગી આપી ન હતી. આ સિવાય અમેરિકાએ તેના વિઝા પણ રદ કરી દીધા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર શેખ હસીના યુરોપના કોઈપણ દેશમાં જઈ શકે છે. આ ઉપરાંત અન્ય દેશો સાથે પણ વાતચીત ચાલી રહી છે. એવી પણ ચર્ચા છે કે તે રશિયામાં પણ શરણ લઈ શકે છે.
ભારત આવ્યા બાદ હાલમાં તે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ સ્થિત હિંડોન એરબેઝમાં સેફ હાઉસમાં રહે છે. અને આ સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ભારત શેખ હસીનાને સંપૂર્ણ સુરક્ષા આપશે અને તેમના જવાની વ્યવસ્થા પણ કરશે. તેની પાછળનું કારણ એ છે કે જે પ્લેન શેખ હસીનાને ભારતમાં મૂકવા આવ્યું હતું તે બાંગ્લાદેશ એરફોર્સનું હતું અને તે પાછું ગયું છે. આવી સ્થિતિમાં તે જે દેશમાં જશે તેની વ્યવસ્થા ભારત કરશે.
શેખ હસીના ક્યાં જશે? ફિનલેન્ડ કે રશિયા?
શેખ હસીનાના સુરક્ષિત બહાર નીકળવાની તમામ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સોમવારે સાંજે ભારત પહોંચેલી હસીના ફિનલેન્ડ અને રશિયા જેવા કેટલાક દેશો સાથે વાત કરી રહી છે. તેની આગામી વિદેશ યાત્રા પર ભારત તેની સલામત મુસાફરીની વ્યવસ્થા પણ કરશે. અગાઉ તેણે લંડન જવાનું નક્કી કર્યું હતું.
આખરે બ્રિટને શેખ હસીનાને મંજૂરી કેમ ન આપી?
બ્રિટને કહ્યું કે, અમારા ઈમિગ્રેશન નિયમો કોઈ વ્યક્તિને આશ્રય લેવા માટે આવવા અથવા કામચલાઉ રહેઠાણ માટે મંજૂરી આપતો નથી. બ્રિટિશ ગૃહ મંત્રાલયે એવું પણ કહ્યું છે કે, કોઈ વ્યક્તિ જે દેશમાં સૌથી પહેલા સુરક્ષીત પહોંચ્યો હોય, ત્યાં જ તેમણે આશ્રય માંગવો જોઈએ. “ધ હિંદુ”ના એક અહેવાલમાં આ બાબતથી પરિચિત લોકોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, “બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન તેમની બહેન શેખ રેહાના સાથે અસ્થાયી આશ્રય મેળવવા માટે ભારતથી લંડન જવાની યોજના બનાવી રહ્યા હતા, પરંતુ હવે આ વિકલ્પ પર વિચાર કરવામાં આવી રહ્યો નથી.” યુકે સરકારે સંકેત આપ્યો છે કે તેઓ તેમના દેશમાં મોટા પાયે હિંસક વિરોધની કોઈપણ સંભવિત તપાસ સામે કાનૂની રક્ષણ મેળવી શકશે નહીં.”
શેખ હસીના લંડન કેમ જવા માગતા હતા?
હસીનાએ લંડન જવાનું નક્કી કર્યું કારણ કે રેહાનાની પુત્રી ટ્યૂલિપ સિદ્દીક બ્રિટિશ સંસદની સભ્ય છે. ટ્યૂલિપ ટ્રેઝરીના આર્થિક સચિવ અને હેમ્પસ્ટેડ અને હાઈગેટ માટે લેબર સાંસદ છે. બ્રિટિશ વિદેશ સચિવ ડેવિડ લેમીએ 5 ઓગસ્ટના રોજ લંડનમાં એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “હસીનાએ નવી દિલ્હીને તેના સંભવિત ભાવિ પગલાઓ વિશે જાણ કરી છે.” એવું પણ જાણવા મળ્યું છે કે હસીનાના પરિવારના સભ્યો ફિનલેન્ડમાં છે અને તેથી જ તેણે ઉત્તર યુરોપમાં જવાનું પણ વિચાર્યું છે.”