મહિલાઓને ફળ અને શાકભાજી પરીરક્ષણ, પ્રિઝર્વેટીવ્સ, કિચન ગાર્ડન, ગ્રો મોર ફ્રૂટ ક્રોપ સહિત પ્રાકૃતિક ખેતી વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું

માંડલના સીતાપુર અને વિંઝુવાડા ખાતે બે દિવસીય મહિલા વૃત્તિકા તાલીમનું આયોજન કરાયું.

નાયબ બાગાયત નિયામકની કચેરી, અમદાવાદ દ્વારા યોજાયેલી તાલીમમાં 90 મહિલાઓએ મેળવી તાલીમ.

તાલીમાર્થી બહેનોએ ખજૂર લાડુ, બીટ લાડુ, આદુ લીંબુ શરબત, બીટ શરબત, મિક્ષ ફ્રૂટ જામ, કાચા પપૈયા ટૂટી ફ્રૂટી, ટામેટા કેચઅપ સહિતની વસ્તુઓ બનાવી.

નાયબ બાગાયત નિયામકની કચેરી, અમદાવાદ દ્વારા માંડલ તાલુકાના સીતાપુર અને વિંઝુવાડા ખાતે એચ આર ટી 5 યોજના અંતર્ગત બે દિવસીય મહિલા વૃત્તિકા તાલીમનું આયોજન કરવામાં આવ્યુ હતું. સીતાપુર અને વિંઝુવાડા ગામની 90 જેટલી મહિલાઓએ આ રસપ્રદ તાલીમનો લાભ મેળવ્યો હતો.

તાલીમાર્થી બહેનોને તાલીમને અનુરૂપ ફળ અને શાકભાજી પરીરક્ષણની વિવિધ પદ્ધતિઓ, પ્રિઝર્વેટીવ્સ વિશે જરૂરી સમજ આપીને તેના ઉપયોગ અંગે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

તાલીમ દરમ્યાન તાલીમાર્થી બહેનોએ ખજૂર લાડુ,બીટ લાડુ, આદુ લીંબુ શરબત, બીટ શરબત, મિક્ષ ફ્રૂટ જામ, કાચા પપૈયા ટૂટી ફ્રૂટી, ટામેટા કેચઅપ સહિતની બનાવટો બનાવી હતી. આ ઉપરાંત, મહિલાઓને કિચન ગાર્ડન,ગ્રો મોર ફ્રૂટ ક્રોપ(Grow More Fruit Crop) અને પ્રાકૃતિક ખેતી વિશે તલસ્પર્શી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

તાલીમ અંતર્ગત તાલીમાર્થી બહેનોએ પોતાના અનુભવો પણ વર્ણવ્યા હતા. તાલીમ અંતર્ગત તાલીમાર્થી બહેનોને પ્રમાણપત્ર અને વૃત્તિકા આપવામાં આવ્યા હતા.