વિશ્વભરના શેરબજારોમાં ‘બ્લેક મન્ડે’: સેન્સેક્સ 2,222 પોઇન્ટ તૂટીને 78,759ના સ્તરે પહોંચ્યો, ટાટા મોટર્સ સૌથી વધુ 7.32% તૂટ્યો

sensex-down

જાપાનના નિક્કીમાં ઈતિહાસનો સૌથી મોટો 4,451 પોઇન્ટનો કડાકો, જાપાની બજાર 12.40% ઘટ્યું

અમેરિકામાં મંદીની સ્થિતિ ઘેરી બનવાના ભયને કારણે આજે સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સેન્સેક્સ 2,222 પોઈન્ટના ઘટાડા સાથે 78,759ના સ્તરે બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 662 પોઈન્ટ ઘટીને 24,055ના સ્તરે બંધ રહ્યો હતો.

વિશ્વ બજારોમાંથી જે પ્રતિકૂળ સ્થિતિનું સર્જન થઈ રહ્યું છે તેની ભારતીય શેરબજાર પર વિપરીત અસર જોવા મળી છે. આજના ટ્રેડિંગમાં નિફ્ટી રિયલ્ટી, મેટલ અને ઈન્ડેક્સ 4% થી વધુ ઘટ્યા. જ્યારે ઓટો, આઈટી અને ઓઈલ એન્ડ ગેસ ઈન્ડેક્સ 3% થી વધુ ઘટ્યા હતા. ટાટા મોટર્સ, અદાણી પોર્ટ, ટાટા સ્ટીલ, એસબીઆઈ અને પાવર ગ્રીડ સેન્સેક્સમાં ટોચના નુકસાનકર્તાઓમાં સામેલ હતા. ટાટા મોટર્સ સૌથી વધુ 7.32% તૂટ્યો.

શેરબજારમાં તીવ્ર વેચવાલીથી રોકાણકારોની સંપત્તિમાં રૂ. 16 લાખ કરોડનો ઘટાડો થયો છે. આજે BSE પર લિસ્ટેડ કંપનીઓનું એકંદર માર્કેટ કેપ રૂ. 441 લાખ કરોડે પહોંચ્યું હતું. જે શુક્રવારે અંદાજે રૂ. 457 લાખ કરોડ હતું.

વર્ષનો બીજો મોટો ઘટાડો, 4 જૂને સેન્સેક્સ 5.74% ઘટ્યો આજે બજાર 2,222 પોઈન્ટ (2.74%) તૂટ્યું છે. આ વર્ષ એટલે કે 2024નો આ બીજો સૌથી મોટો ઘટાડો છે. અગાઉ 4 જૂને, લોકસભા ચૂંટણીના પરિણામોના દિવસે, સેન્સેક્સ 4389 પોઈન્ટ (5.74%) ના ઘટાડા સાથે 72,079 પર બંધ થયો હતો.

જાપાનનો નિક્કી 12.40%, કોરિયા કોસ્પી 8% ઘટ્યો
એશિયન માર્કેટમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે. જાપાનનો નિક્કી ઈન્ડેક્સ 12.40% ઘટીને બંધ થયો છે. કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ પણ 8.77% તૂટ્યો. તે જ સમયે હોંગકોંગના હેંગસેંગ ઇન્ડેક્સમાં 1.46% નો ઘટાડો થયો છે. ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ પણ 1.54% ઘટીને બંધ રહ્યો હતો. આ પહેલા શુક્રવારે અમેરિકન બજાર ડાઉ જોન્સ 1.51% ઘટીને બંધ થયું હતું.

આગામી સમયમાં US પ્રેસિડેન્શિયલ ઈલેક્શન (US Presidential Elections) પણ વર્ષ 2024માં વૈશ્વિક શેરબજારોને પ્રભાવિત કરી શકે છે. આ ઉપરાંત વૈશ્વિક બજારોમાં જોબ માર્કેટમાં એકંદરે નિરાશાજનક પ્રદર્શન અને ભૂરાજકીય ચિંતા પણ બજાર માટે આગામી સમયમાં કપરા ચઢાણ સર્જી શકે છે.