રણુજા દર્શન કરીને પરત આવતા શ્રદ્ધાળુઓની બસનો અકસ્માત
અંબાજી આબુ રોડ પર આજે 55 યાત્રાળુઓ ભરેલી ખાનગી બસનો અકસ્માત સર્જાયો હતો. રણુજાથી દર્શન કરીને ગુજરાત તરફ આવતી બસ અંબાજીથી આબુરોડ પર સુરપગલા નજીક આવેલા વળાંકમાં બસના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ નદીમાં ખાબકી હતી. 55 મુસાફરો ભરેલી બસ નદીમાં ખાબકતા 12 મુસાફરો ઈજાગ્રસ્ત થતા તમામને તાત્કાલિક હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
ગુજરાતના દેરોલના ભક્તો ત્રણ દિવસની યાત્રા ઉપર રાજસ્થાન રણુજા નીકળ્યા હતા. ત્યારે આજે રણુજાથી દર્શન કરીને ભક્તો ગુજરાત તરફ જતા હતા ત્યારે અંબાજીથી આબુરોડ જતા માર્ગ પર સુરપગલા નજીક આવેલા વળાંકમાં 55 યાત્રાળુઓ ભરેલી એક ખાનગી બસના ડ્રાયવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ નદીમાં ખાબકી હતી. બસમાં સવાર 55 યાત્રાળુઓમાંથી 12 જેટલાં યાત્રાળુઓને ગંભીર ઈજાઓ થઇ છે. જ્યારે અન્યને નાના-મોટી ઈજાઓ પહોંચી છે. આ અકસ્માતમાં મોટી જાનહાનિ ટળી હતી.
ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે.
આ અકસ્માત થતા રાજસ્થાન પોલીસ જવાનોની સુંદર કામગીરી જોવા મળી હતી. ચાલુ વરસાદમાં નદીમાં ઉતરીને લોકોના જીવ બચાવ્યા હતા. આબુરોડ મામલતદાર પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
ઉલ્લેખનિય છે કે આ જગ્યા પર સતત ચોથો અકસ્માતનો બનાવ બન્યો હતો. અગાઉ એક બસ અને બે ટ્રક પણ નદીમાં ખાબક્યા હતા.