ઇકો કાર અને રીક્ષાનો ભૂક્કો થઈ ગયો, ઈકોમાં સવાર દંપતીનું ઘટનાસ્થળે જ મોત
કિયા ગાડીની એરબેગ ખૂલી જતાં 6 લોકોનો આબાદ બચાવ
રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતોના બનાવો વધી રહ્યા છે ત્યારે આજે હાલોલ વડોદરા રોડ પર એક ગમખ્વાર અકસ્માતનાં સમાચાર આવ્યા છે. પ્રાથમિક વિગતો મુજબ અહીં એક સાથે પાંચ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ઇકો કારમાં સવાર દંપતીનું ઘટના સ્થળે જ કરૂણ મોત થયું છે. ત્રણ વ્યક્તિને ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગત મુજબ, હાલોલ-વડોદરા રોડ પર જરોદ ગામ ત્રણ રસ્તા પાસે આજે સવારે 5 વાહન વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં વાહનો એકબીજા પાછળ અથડાયા હતા. એકસાથે પાંચ વાહનો ટકરાતા વચ્ચે રહેલી ઈક્કો કારનો ભૂક્કો બોલી ગયો હતો. ઈકોમાં સવાર દંપતીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતુ. જ્યારે બે લોડિંગ ટ્રકો પલટી ખાઈને પડતાં ત્રણ વાહનો દબાયાં હતા. જેમાં 2 રીક્ષા અને 1 કિયા કાર દબાઈ ગઈ હતી. રીક્ષાનો કચ્ચરઘાણ થઈ ગયો છે. કિયા ગાડીની એરબેગ ખૂલી જતાં 6 લોકોનો આબાદ બચાવ થયો હતો.
પ્રાથમિક વિગતો મુજબ અહીં એક સાથે પાંચ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. હેવી લોડર ટ્રક, પાણીનુ ટેન્કર, ઈકો કાર, રિક્ષા અને કિયા કાર આમ પાંચ વચ્ચે અકસ્માત થયો હતો. ઇકો કાર સાથે નરેશભાઈ રોડ ક્રોસ કરતા હતા તે વખતે અકસ્માત નડ્યો હતો. બે સામાન ભરેલી ટ્રકો વચ્ચે ટક્કર સર્જાતા બંને ટ્રક પલટી ખાતા 3 વાહનો દબાઇ ગયા હતા. ઈકો કાર વાહનો વચ્ચે ચગદાઈ જવાથી અંદર સવાર જરોદ ગામના રહેવાસી નરેશભાઈ ભીમજીભાઈ ડોડિયા (ઉં.વ.35) અને તેની પત્ની ધર્મિષ્ઠાબેનનું મોત થયું હતું. ઘટનાને પગલે સ્થાનિક લોકોના ટોળેટોળા ઊમટી પડ્યા હતા. તેમજ જરોદ પોલીસ, ફાયર બ્રિગેડ સહિતે બચાવ કામગીરી હાથ ધરી છે.
અકસ્માતના કારણે રોડ પર 3થી 4 કિમીનો લાંબો ટ્રાફિકજામ થઈ ગયો હતો. આથી હાલોલ-વડોદરા ટોલ માર્ગ બંધ કરી દેવામાં આવ્યો હતો. હાલોલ તરફથી વડોદરા તરફ જતાં તમામ વાહનોને હાઇવે ઉપર આવેલા ભાથીજી મંદિર અને CNG પમ્પ પાસેથી જરોદ ગામમાંથી પુનઃ હાઇવે ઉપર ડાઇવર્ટ કરવામાં આવ્યાં હતા.