પેરિસ ઓલિમ્પિકમાં ભારતની પુરુષ હોકી ટીમે આજે ઇતિહાસ રચ્યો છે. ભારતીય ટીમે 52 વર્ષ પછી ઓલિમ્પિકમાં ઑસ્ટ્રેલિયાને હરાવ્યું છે. છેલ્લે ભારતે 1972માં ભારતે ઑસ્ટ્રેલિયાને ઓલિમ્પિકમાં હરાવ્યું હતું. ભારતીય મેન્સ હોકી ટીમે પેરિસ ઓલિમ્પિકમાં ઓસ્ટ્રેલિયાને 3-2થી હરાવ્યું છે. આ સાથે ભારત પુલમાં બીજા ક્રમે છે. આમ, ટોક્યો ઓલિમ્પિકમાં ઐતિહાસિક બ્રોન્ઝ મેડલ જીતીને દેશને ખુશી આપનારી ભારતીય હોકી ટીમે પેરિસ ઓલિમ્પિકમાં પણ મેડલની આશા વધારી દીધી છે.
પૂલ સ્ટેજમાં સતત શાનદાર પ્રદર્શન કરી રહેલી કોચ ક્રેગ ફુલટન અને કેપ્ટન હરમનપ્રીત સિંહની ટીમે ઓસ્ટ્રેલિયાને હરાવીને પોતાનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પરિણામ હાંસલ કરીને સનસનાટી મચાવી દીધી હતી. પૂલ રાઉન્ડની તેમની છેલ્લી મેચમાં ભારતીય ટીમે રોમાંચક મેચમાં ટોક્યો ઓલિમ્પિક્સની સિલ્વર મેડલ વિજેતા ઓસ્ટ્રેલિયાને 3-2થી હરાવ્યું હતું. આ સાથે ભારતે 52 વર્ષ બાદ ઓલિમ્પિકમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ઈતિહાસ રચ્યો હતો.
ભારત તરફથી અભિષેકે પહેલો ગોલ ફટકાર્યો હતો. ત્યાર બાદ કેપ્ટન હરમનપ્રીતે બે ગોલ ફટકાર્યા હતા. આ બન્ને ગોલ તેણે પેનલ્ટીમાંથી ગોલમાં કન્વર્ટ કર્યા હતા. ભારતનું ડિફેન્સ પણ જોરદાર રહ્યું હતું. ઑસ્ટ્રેલિયાના ગોલ કરવાના ઘણા પ્રયાસો ગોલકીપર શ્રીજેશના કારણે નિષ્ફળ ગયા હતા. ભારત તરફથી મિડ ફિલ્ડની રમત પણ શાનદાર રહી હતી.
એક દિવસ પહેલા બેલ્જિયમ સામેની ટક્કરની મેચમાં 1-2થી હાર્યા બાદ ટીમ ઈન્ડિયાને ગ્રુપ સ્ટેજની તેની છેલ્લી મેચમાં ઓસ્ટ્રેલિયા તરફથી આકરા પડકારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં ઓસ્ટ્રેલિયાને જીતની દાવેદાર માનવામાં આવી રહી હતી, પરંતુ ટીમ ઈન્ડિયાએ પહેલા ક્વાર્ટરથી જ ફ્રન્ટ ફૂટ પર રમવાનું શરૂ કર્યું અને બે મિનિટમાં જ બે ગોલ કરીને 2-0ની સરસાઈ મેળવી લીધી. આનાથી બધાને આશ્ચર્ય થયું. અભિષેકે 12મી મિનિટે ટીમ માટે ફિલ્ડ ગોલ કર્યો હતો અને ત્યારપછી બીજી જ મિનિટે કેપ્ટન હરમનપ્રીતે પેનલ્ટી કોર્નરને ગોલમાં પરિવર્તિત કર્યો હતો. ઓસ્ટ્રેલિયા પર લીડ લીધા બાદ ભારતીય ખેલાડીઓએ ઓસ્ટ્રેલિયાના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા હતા.
ભારતે ન્યુઝીલેન્ડ અને આયર્લેન્ડ સામે જીત મેળવી હતી, જ્યારે આર્જેન્ટિના સામે 1-1થી ડ્રો રમી હતી. આ સાથે ભારત પોતાના પુલમાં બીજા ક્રમે પહોંચી ગયું છે. ભારત અને ઑસ્ટ્રેલિયાની હોકી ટીમો પેરિસ ઓલિમ્પિકના ગ્રુપ બીમાં છે. આ ગ્રુપમાં બેલ્જિયમ ચારેય મેચ જીતીને ગ્રુપમાં નંબર વન પર છે. આ મેચ અગાઉ ઑસ્ટ્રેલિયા 9 પોઈન્ટ સાથે બીજા અને ભારત 7 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને હતું. આર્જેન્ટિનાના પણ 7 પોઈન્ટ હતા. પરંતુ ગોલ તફાવતમાં પાછળ હોવાને કારણે તે ભારતથી પાછળ હતું. આયર્લેન્ડ અને ન્યુઝીલેન્ડ તેમની ચારેય મેચ હારી ચૂક્યા છે અને ટાઇટલની રેસમાંથી બહાર થઈ ગયા છે.