ટાટા મોટર્સનો શેર 4.32% ઘટ્યો, રોકાણકારોની સંપત્તિમાં રૂપિયા 4.46 લાખ કરોડોનું ગાબડુ
શેરબજારમાં છેલ્લા પાંચ સેશનથી ચાલી રહેલી તેજીને આજે બ્રેક લાગી હતી. આજે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે 2જી ઓગસ્ટે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. શેરબજારમાં 885 પોઇન્ટનો કડાકો બોલાઈ ગયો હતો. આ સાથે સેન્સેક્સએ 885 પોઇન્ટના ઘટાડા સાથે 80,981 પર બંધ રહ્યો હતો. તો નિફ્ટીએ 293 પોઇન્ટના ઘટાડા સાથે 24,717ની સપાટી ગુમાવી દીધી હતી.
BSE સેન્સેક્સમાં સ્થાન ધરાવતી 30 પૈકી 25 કંપનીના શેરોમાં મંદી જ્યારે 5 કંપનીના શેરોમાં તેજી જોવા મળી હતી. અમેરિકાની ફેડરલ રિઝર્વએ સપ્ટેમ્બર મહિનામાં વ્યાજ દરોમાં ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરી છે, તેમ છતાં શેરબજારમાં મંદીમય માહોલ જોવા મળતો હતો. વિશ્વ બજારમાંથી પણ મંદીના સંકેત મળ્યા હતા.
શેરબજારમાં આજના ઘટાડાને પગલે રોકાણકારોની સંપત્તિ રૂપિયા 4.46 લાખ કરોડ ઘટીને રૂપિયા 457.16 લાખ કરોડ થઈ ગયુ છે. અગાઉ ગઈકાલે એટલે કે 1લી ઓગસ્ટના રોજ શેરબજારે નવી ઓલ ટાઈમ હાઈ બનાવી હતી. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 82,129ના સ્તરને સ્પર્શ્યો હતો અને નિફ્ટીએ 25,078ના સ્તરને સ્પર્શ કર્યો હતો.