UPSCએ ટ્રેઇની IAS પૂજા ખેડકર પર મોટી કાર્યવાહી કરી IAS પદ છીનવી લીધુ, ભવિષ્યમાં પણ કોઈ પરીક્ષા નહીં આપી શકે

pooja khedkar

યુનિયન પબ્લિક સર્વિસ કમિશનએ વિવાદોમાં ઘેરાયેલી પૂજા ખેડકર વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે.

છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં ફસાયેલી ટ્રેઇની IAS ઓફિસર પૂજા ખેડકરને મોટો ઝટકો લાગ્યો છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ સિવિલ સર્વિસીસ પરીક્ષા-2022 (CSE-2022) ના આખરે ભલામણ કરાયેલ ઉમેદવાર પૂજા ખેડકરની ઉમેદવારી રદ કરી દીધી છે. આ સિવાય પૂજા ખેડકરને ભવિષ્યની કોઈપણ પરીક્ષામાં બેસવા ઉપર પણ પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.

યુનિયન પબ્લિક સર્વિસ કમિશનએ વિવાદોમાં ઘેરાયેલી પૂજા ખેડકર વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. UPSC એ પહેલાથી જ આનો સંકેત આપ્યો હતો. યુપીએસસીએ કહ્યું કે જો પૂજા ખેડકર સામેના આરોપો સાચા જણાશે તો તેની સામે આગળની કાર્યવાહી કરવામાં આવશે. UPSCએ આ મામલે પૂજા ખેડકરને કારણ બતાવો નોટિસ પણ જાહેર કરી હતી. નોટિસમાં પૂછવામાં આવ્યું હતું કે સિવિલ સર્વિસ પરીક્ષા-2022 માટે પૂજા ખેડકરની ઉમેદવારી કેમ રદ ન કરવી જોઈએ?

UPSCએ પૂજા ખેડકર વિરુદ્ધ FIR દાખલ કરી છે. UPSCએ આરોપ લગાવ્યો છે કે પૂજાએ પોતાની ઓળખ બદલીને UPSC દ્વારા નિર્ધારિત મર્યાદા કરતાં વધુ વખત સિવિલ સર્વિસ પરીક્ષા આપી હતી. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે પૂજા વિરુદ્ધ બનાવટી, છેતરપિંડી, આઈટી એક્ટ અને ડિસેબિલિટી એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે.

ઉલ્લેખનિય છે કે પૂજા ખેડકરની પુણેથી વાશિમ બદલી કરવામાં આવી હતી. તેમને અધિક મદદનીશ કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ પછી જિલ્લા મેજિસ્ટ્રેટ સુહાસ દિવસે ખેડકરના વર્તન વિશે વરિષ્ઠ અધિકારીઓને જાણ કરી હતી. પૂજા ખેડકર પર એવી સુવિધાઓની માગણી કરવાનો આરોપ હતો જેના માટે તે તાલીમાર્થી IAS અધિકારી તરીકે હકદાર ન હતી. આ સિવાય તેમના પર એક વરિષ્ઠ અધિકારીની ચેમ્બર પર કબજો કરવાનો પણ આરોપ છે. ખેડકર પર પોતાના પદનો દુરુપયોગ કરવાનો પણ આરોપ છે. અહેવાલ છે કે પૂજા ખેડકરને તેની અંગત ઓડી કારમાં લાલ બત્તી અને ‘મહારાષ્ટ્ર સરકાર’ પ્લેટ લગાવવામાં આવી હતી. પૂજા ખેડકર આ પ્રાઈવેટ કારમાં વાશિમના રસ્તાઓ પર ફરતી જોવા મળી હતી.

પંચે આજે માહિતી આપી હતી કે સિવિલ સર્વિસીસ પરીક્ષા-2022 (CSE-2022) ના આખરે ભલામણ કરાયેલ ઉમેદવાર પૂજા મનોરમા દિલીપ ખેડકરની ઉમેદવારી રદ કરવામાં આવી છે. તેના પર ભવિષ્યની તમામ પરીક્ષાઓ અને પસંદગીઓ પર પણ કાયમી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.