કાર ડિવાઈડર સાથે એટલી જોરથી અથડાઈ કે કારની આગળના ભાગનો ભુક્કો થઈ ગયો હતો
ગુજરાતનાં બનાસકાંઠામાં આજે ભયંકર અકસ્માતની ઘટના ઘટી છે. જે મુજબ મહેસાણાનો સુથાર પરિવાર રણુજા દર્શન કરીને પરત ફરી રહ્યો હતો, ત્યારે વડગામના તેનીવાડાના અધુરિયા બ્રિજ પાસે તેમની કાર ડિવાઇડર સાથે ભટકાતા 3 લોકોનાં ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત થયાં છે. જ્યારે અન્ય બે લોકો ઘાયલ થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.
મળતી માહિતી મુજબ મહેસાણાના ગાંભુ ગામનો અને હાલ મહેસાણાના દેદિયાસણના ગોકુલધામ ફ્લેટમાં રહેતો સુથાર પરિવાર સ્વિફ્ટ કારમાં રણુજા ખાતે બાબા રામદેવપીરનાં દર્શન કરવા ગયો હતો. રણુજા રામદેવપીરનાં દર્શન કરીને આજે પરત ફરતી વખતે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના તેનીવાડાના અધુરિયા બ્રિજ પાસે તેમની સ્વીફ્ટ કાર ડિવાઇડરમાં ઘૂસી ગઇ હતી. જેથી ગાડીમાં સવાર પાંચ લોકો પૈકી પતિ-પત્ની સહિત ત્રણનાં ઘટનાસ્થળે જ મોત થયાં છે.
પુરઝડપે આવતી કાર ડિવાઇડરમાં ઘૂસી જતાં કારના આગળના ભાગનો ભુક્કો બોલી ગયો હતો. કારની ટક્કર એટલી જોરદાર હતી કે એરબેગ પણ ખૂલી ગઇ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર પાંચ લોકો પૈકી વિનુભાઈ ચીમનલાલ સુથાર તેમનાં પત્ની ગીતાબેન વિનુભાઈ સુથાર અને ડ્રાઇવર સંજયભાઈ ચંદુભાઈ સુથારના ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. જ્યારે અન્ય બે લોકો ઘાયલ થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે.
અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકોનાં ટોળેટોળાં ઘટનાસ્થળે એકઠાં થયાં હતાં અને તુરંત 108 અને છાપી પોલીસને જાણ કરી હતી. છાપી પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઇ ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.