મનુ અને સરબજોતની ભારતીય જોડીએ 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો
મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિક 2024માં બીજો મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. પેરિસ ઓલિમ્પિકમાં દમદાર એથલીટ બનીને ઉભરી આવેલ મનુ ભાકરે બે મેડલ જીતીને ઈતિહાસમાં નામ નોંધાવ્યું છે. મનુ ભાકરે એક જ ઓલિમ્પિક ગેમ્સમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની છે. આ પહેલા મનુ ભાકરે 10 મીટર એર પિસ્તોલની સિંગલ ઈવેન્ટમાં બ્રોન્ઝ જીત્યો હતો.
મનુ ભાકર અને સરબજોતની ભારતીય જોડીએ 10 મીટર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટની બ્રોન્ઝ મેડલ મેચમાં કોરિયાને 16-10થી હરાવ્યું. ભારતીય જોડીએ ક્વોલિફિકેશનમાં ત્રીજા સ્થાને રહીને બ્રોન્ઝ મેડલ માટે ક્વોલિફાય કર્યું હતું. આ પહેલા મનુએ મહિલાઓની 10 મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં કાંસ્ય પદ જીત્યું હતું.
હવે મનુ ભાકર પાસે વધુ એક મેડલ જીતવાની તક છે. જો તે ત્રીજો મેડલ જીતશે તો ભારત માટે મોટો ઈતિહાસ રચાશે.
મનુ ભાકરની આગામી એર પિસ્ટલ સ્પર્ધા બીજી ઓગસ્ટે રમાશે, જેમાં તેને ત્રીજો મેડલ જીતવાની સાથે સૌથી મોટો ઈતિહાસ રચવાની તક છે. મનુએ તાજેતરમાં બે મેડલો જીતી પૂર્વ ભારતીય કુસ્તીબાજ સુશીલ કુમાર (પુરુષોની 66 કિગ્રા કુસ્તી, બેઇજિંગ 2008 અને લંડન 2012) તેમજ પી.વી સિંધુ (મહિલા સિંગલ્સ બેડમિન્ટન રિયો 2016 અને ટોક્યો 2020)ના રેકોર્ડની બરાબરી કરી છે. આ ઉપરાંત જો તે બીજી ઓગસ્ટે ત્રીજો મેડલ જીતશે, તો આ બંને એથ્લેટનો રેકોર્ડ તોડવાની સાથે ઈતિહાસ રચશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુભેચ્છા પાઠવી
વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા સાઈટ X પર ટ્વીટ કરી શુભેચ્છા પાઠવતા લખ્યું કે
“અમારા શૂટર્સ અમને ગર્વ આપતા રહે છે!
તે માટે અભિનંદન
@realmanubhaker
અને #ઓલિમ્પિક્સમાં 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ સરબજોત સિંહ.
આ બંનેએ શાનદાર કૌશલ્ય અને ટીમ વર્ક બતાવ્યું છે. ભારત અતિ આનંદિત છે.
મનુ માટે, આ તેમનો સતત બીજો ઓલિમ્પિક મેડલ છે, જે તેણીની સતત શ્રેષ્ઠતા અને સમર્પણ દર્શાવે છે.”
આઝાદી પછી મનુ એક ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય એથ્લેટ બની
ભારત દેશ આઝાદ થયા બાદ મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં દેશને પ્રથમવાર બે મેડલ અપાવ્યા છે. આ સાથે મનુ આવો ઈતિહાસ રચનારી પ્રથમ મહિલા બની ગઈ છે. વર્ષ 1900માં યોજાયેલા ઓલિમ્પિકમાં ભારત તરફથી રમી રહેલી નોર્મ પ્રિચાર્ડે 200 મીટર સ્પ્રિન્ટ અને 200 મીટર હર્ડલ્સમાં રજત ચંદ્રક જીત્યા હતા, જોકે આ સિદ્ધિ ભારત આઝાદ થયા પહેલા નોંધાઈ હતી.