પ્રાંતિજમાં 4 કલાકમાં 6 ઈંચ વરસાદ, રાજ્યમાં કુલ 201 તાલુકામાં વરસાદ વરસ્યો

Gujarat-Rain

વિસનગરમાં 12 કલાકમાં 5 ઇંચ વરસાદ, મહેસાણામાં પણ 5 ઈંચ વરસાદ ખાબક્યો
સાબરકાંઠાના હિંમતનગરમાં ધોધમાર વરસાદ, રેલવે અંડરબ્રિજમાં પાણીમાં બસ અને કાર ફસાઈ

રાજ્યમાં સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી કુલ 201 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ પ્રાંતિજમાં 6 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. તેમજ વિસનગર, મહેસાણામાં 6-6 ઈંચ વરસાદ, લુણાવાડા, વિજાપુર અને વડગામમાં 5-5 ઈંચ, તલોદ, હિંમતનગર અને મોડાસામાં 4 ઈંચથી વધુ વરસાદ આવ્યો છે.

ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી મેઘતાંડવ મચાવ્યું છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો છે. માત્ર ચાર કલાકમાં 6 ઈંચ વરસાદ ખાબકયો હતો. ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. પ્રાંતિજ એપ્રોચ રોડ, ભાખરિયા, રેલવે સ્ટેશન રોડ વિસ્તારમાં પાણી ભરાયાં છે. ધોધમાર વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે.

મેઘરાજાએ ચાર કલાક ધમાકેદાર બેટિંગ કરતા સમગ્ર પ્રાંતિજ પાણી પાણી થઈ ગયુ છે. શહેરની વૃંદાવન સોસાયટી, શાંતિનાથ સોસાયટી એપ્રોચરોડ, રેલ્વે અંડરબ્રિજ , સબજેલ પાસે હાઈવે, ભોઈવાસ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. વરસાદી પાણી લોકોના ઘરોમાં પણ ઘુસી ગયા છે. જેનાં લીધે જનજીવન ખોરવાયું છે. અનેક જગ્યાએ ઘૂંટણ સમા પાણી ભરાતા સ્થાનિકો ભારે પરેશાન થયા છે. ધોધમાર વરસાદથી ખેતરોમાં ઘુંટણસમા પાણી ભરાયા છે.

મહેસાણાના વિસનગરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વિસનગરમાં 10થી 12 કલાક દરમિયાન પડેલા 5 ઇંચ વરસાદને પગલે વિસનગરના કાંસા.એન.એ વિસ્તારમાં આવેલી જનતાનગર સોસાયટીનાં ઘરોમાં પાણી ઘૂસ્યાં છે. ઘરોમાં પાણી ભરાઈ જતાં અંદર રહેલી ઘરવખરીને પણ નુકસાન થયું છે અને અનાજ સહિતની વસ્તુઓ પાણીમાં પલળી ગઈ છે.

ભારે વરસાદ પડતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પોતાના મતવિસ્તારની મુલાકાતે પહોંચ્યા છે. વિસનગર શહેરના અનેક વિસ્તારોમાં ઢીંચણ સમાં પાણી ભરાયાં છે. વિસનગરમાં આવેલી એપીએમસીમાં પણ નદીની જેમ પાણી વહેવા લાગ્યાં છે. એપીએમસીમાં વચ્ચે આવેલા રસ્તામાં વાહનોનાં ટાયરો ડૂબી જાય એટલું પાણી ભરાયું છે. વિસનગર APMC પાણીમાં ગરકાવ થઈ છે, જ્યાં ગેટથી અંદર સુધી આવવા માટે રસ્તો પાણીમાં ડૂબી ગયો છે. એમાં ખેડૂતોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને વેપારીઓમાં પણ માલ બગડવાની ભીતિ સેવાઈ રહી છે.

સાબરકાંઠાના હિંમતનગરમાં ધોધમાર વરસાદથી ચારેબાજુ પાણી જ પાણી જોવા મળ્યું છે. ખાસ કરીને હિંમતનગરના હમીરગઢ ગામ પાસે આવેલા રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાયાં હતાં. આ દરમિયાન રેલવે અંડરબ્રિજમાંથી પસાર થતી એસટી બસ અને કાર પાણીમાં ગરકાવ થઈ હતી.

મહીસાગર જિલ્લામાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. લુણાવાડામાં ભારે વરસાદને પગલે માંડવી બજાર, હુસૈની ચોક, હાટડિયા બજાર, ગોળબજાર, વરધરી રોડ, જૂની આરટીઓ રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયાં છે. શહેરમાં બજારના મુખ્ય રસ્તાઓ પર વરસાદી પાણીની નદીઓ વહેતી થતાં અનેક દુકાનોમાં પાણી ઘૂસ્યાં છે.

વહેલી સવારથી જ નડિયાદ સહિત જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઇ હતી. આ તોફાની વરસાદના પગલે નડિયાદ શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. શહેરના ચારેય ગરનાળા વરસાદી પાણીથી જળબંબાકાર થઈ ગયા હતા. શૈશવ હોસ્પિટલનો ખાંચો, વાણિયાવડ, પીજ રોડ, સહિતના વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયાં હતાં. આ વરસેલા ભારે વરસાદના કારણે માઈ મંદિર, ખોડિયાર, શ્રેયસ અને વૈશાલી અન્ડરબ્રિજમાં પાણી ભરાયાં હતાં, જેથી શહેર બે ભાગમાં વહેંચાઇ ગયું હતું.