ઉત્તરાખંડના ભીલગાણા બ્લોકના બુધકેદાર વિસ્તારમાં આભ ફાટવાને કારણે બાલગંગા નદીમાં ભારે પૂર આવ્યું હતું. બાલગંગા નદીમાં એકાએક પૂરની સ્થિતિ સર્જાતાં ચારેકોર વિનાશના દૃશ્યો સર્જાયા હતા. પૂરનાં કારણે ગેનવાલી, ટોલી, જખાણા, વિસણ, ટીનગઢ, બુધકેદાર ગામ ધોવાઈ ગયાં. બુધકેદારના તોલી ગામમાં ભૂસ્ખલન થતાં એક મા-દીકરી જીવતાં દટાઈ ગયાં હતાં. મૃતકોની ઓળખ સરિતા દેવી અને અંકિતા તરીકે થઇ હતી.
જુઓ વીડિયોમાં કેદ થયાં ભયાનક દૃશ્યો
https://x.com/shailly_godiyal/status/1817024674934538240
બાલગંગા નદીએ ભયાનક રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં અનેક મકાનો, રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા, જેના લીધે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. સમગ્ર ખીણ વિસ્તારમાં લોકોમાં ફફડાટ ફેલાયો છે. કેટલાક વીડિયો પણ સામે આવ્યા હતા, જેમાં દુકાનો-મકાનો વહી જતાં સ્પષ્ટ દેખાય છે.
જિલ્લામાં મુશળધાર વરસાદને કારણે ઘણું નુકસાન થયું છે. કર્ણપ્રયાગ-ગ્વાલદમ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર નલગાંવ અને પંતીગાંવમાં વાદળ ફાટવાથી તબાહી સર્જાઈ હતી. નલગાંવમાં વાદળ ફાટવાને કારણે લગભગ 200 મીટરની અંદર કાટમાળ હાઈવે પર પડ્યો હતો. સ્થિતિ એવી ભયાનક થઈ ગઈ છે કે તંત્રની ટીમ રેસ્ક્યૂ કે સહાય પહોંચાડવા માટે ત્યાં સુધી પહોંચી શકી નથી.
પંતી ગાંવમાં વાદળ ફાટવાને કારણે કાટમાળ વીજળી વિભાગના સબ સ્ટેશનમાં પ્રવેશી ગયો. વાદળ ફાટવાને કારણે કોઈ જાનહાનિ ન થઈ હોવા છતાં નલગાંવ, અમસૌર, પંતીગાંવ અને હરમાની જેવાં તમામ સ્થળે હાઈવે બંધ કરી દેવામાં આવ્યો હતો. ગોપેશ્વરના સુભાષનગરમાં ભૂસ્ખલનને કારણે બે વાહનો કાટમાળ નીચે દટાયાં હતાં.
ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે યમુનોત્રી ધામના બંને ગરમ કુંડ કાટમાળથી ભરાઈ ગયા છે. મંદિરની ઓફિસ અને રસોડું ધરાશાયી થઈ ગયું છે, મંદિર તરફ જતો ફૂટબ્રિજ પણ ધોવાઈ ગયો છે. યમુનોત્રી મંદિરને પણ ભારે કાટમાળ અને પથ્થરોથી નુકસાન થયું છે. જાનકીચટ્ટી – યમુનોત્રી પગપાળા માર્ગ પર રામ મંદિર પાસેના રજીસ્ટ્રેશન સેન્ટરને નુકસાન થયું છે.