ભારતે બાંગ્લાદેશને 10 વિકેટે હરાવી એશિયકપની ફાઈનલમાં કરી એન્ટ્રી

india-reached-semifinale

સ્મૃતિ મંધાનાએ અણનમ 55 રનની ઈનિંગ રમી હતી, બાંગ્લાદેશે 20 ઓવરમાં 80 રન બનાવ્યા હતા
ભારતીય ટીમ નવમી વખત મહિલા એશિયા કપની ફાઇનલમાં પહોંચી

મહિલા એશિયા કપની સેમિફાઇનલ મેચ આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે 10 વિકેટથી જીત મેળવી છે. ભારતીય ટીમ સેમીફાઇનલમાં બાંગ્લાદેશને 10 વિકેટે હરાવી ફાઇનલમાં પહોંચી છે. આ સાથે જ ભારત 9મી વખત વુમન્સ એશિયા કપની ફાઈનલમાં પહોંચ્યુ છે.

સેમી ફાઇનલમાં બાંગ્લાદેશને હરાવ્યા બાદ હવે ટીમ રવિવારે ફાઇનલમાં પાકિસ્તાન અથવા શ્રીલંકા સામે ટકરાશે. ટીમ ઈન્ડિયાને એશિયા કપમાં જીતની પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે. આ ટુર્નામેન્ટની બીજી સેમિફાઇનલ પાકિસ્તાન મહિલા ટીમ અને શ્રીલંકાની મહિલા ટીમ વચ્ચે સાંજે 7 વાગ્યાથી રમાશે. બંને મેચમાં જીતનાર ટીમો રવિવારે ફાઇનલ મેચ રમાશે.

ભારત બંગ્લાદેશ વચ્ચે રમાયેલ સેમિફાઈનલ મેચમાં પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 80 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાએ આ સ્કોર માત્ર 11 ઓવરમાં વિના વિકેટે હાંસલ કરી લીધો હતો. ભારત તરફથી સ્મૃતિ મંધાનાએ 39 બોલમાં અણનમ 55 રન બનાવ્યા હતા. સ્મૃતિ મંધાનાએ પોતાની ઇનિંગમાં 9 ચોગ્ગા અને 1 છગ્ગા ફટકાર્યા હતા. શેફાલી વર્માએ 28 બોલમાં 26 રનની ઇનિંગ રમી હતી.

ભારત તરફથી રેણુકાએ 4 ઓવરમાં 2.5ની ઈકોનોમી સાથે 10 રન આપીને 3 વિકેટ લીધી હતી. આ સાથે તેણે T20 ઈન્ટરનેશનલમાં 50 વિકેટ પણ પૂરી કરી લીધી છે. તેના સિવાય રાધા યાદવે 14 રનમાં 3 વિકેટ લીધી હતી.

ભારતીય ટીમ નવમી વખત મહિલા એશિયા કપની ફાઇનલમાં પહોંચી છે. મહિલા એશિયા કપની શરૂઆત 2004માં થઈ હતી અને ટીમ ઈન્ડિયા ત્યારે ચેમ્પિયન બની હતી. ભારતે સાત વખત (2004, 2005, 2006, 2008, 2012, 2016, 2022) ટાઇટલ જીત્યું છે. 2018માં બાંગ્લાદેશ ભારતને હરાવીને ચેમ્પિયન બન્યું હતું.

મહિલા એશિયા કપની શરૂઆત 2004માં થઈ હતી. જ્યારે ભારતે જીત મેળવી હતી. મહિલા એશિયા કપ અત્યાર સુધીમાં 8 વખત યોજાઈ ચૂક્યો છે. જેમાં ભારત આ ટૂર્નામેન્ટ 7 વખત જીત્યું છે જ્યારે બાંગ્લાદેશ 1 વખત એશિયા કપ જીત્યું છે.

ભારતીય મહિલા ટીમ અત્યારે ફોર્મમાં છે. તેણે પ્રથમ મેચમાં પાકિસ્તાનને, બીજી મેચમાં યુએઈને અને ત્રીજી મેચમાં નેપાળને હરાવ્યું હતું અને તાજેતરમાં દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણી જીતી હતી.