વિશ્વામિત્રી નદી તેની ભયજનક સપાટીથી 3 ફૂટ ઉપર વહી રહી છે
બ્રિજના બંને બાજુએ બેરીગેટ મૂકીને અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે
વડોદરામાં વિશ્વામિત્રી નદીની સપાટી 29 ફૂટ ને વટાવી જતા કાલાઘોડા બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. આજવા નું પાણી છોડવામાં આવી રહ્યું હોવાથી રાત સુધીમાં વિશ્વામિત્રી ની સપાટી હજી પણ વધે તેવી શક્યતા છે. વિશ્વામિત્રી નદીમાં આજવા સરોવરના પાણીને કારણે સપાટી વધતી હોય છે અને શહેરમાં તેના પાણી પ્રવેશતા હોય છે. જેને કારણે ગઈકાલે રાતથી કોર્પોરેશન દ્વારા નિચાણવાળા વિસ્તારોના રહેવાસીઓને સ્થળાંતર કરવા લાઉડ સ્પીકરથી અપીલ કરવામાં આવી હતી.
વડોદરામાં ગઈકાલે પડેલા ધોધમાર વરસાદથી આખુ શહેર પાણી પાણી થઈ ગયું છે. તો બીજી તરફ એક જ દિવસમાં 14 ઈંચ વરસાદ ખાબકતા વડોદરાની શાન ગણાતી વિશ્વામિત્રી નદી પણ ભયજનક સપાટી પર વહી રહી છે. વિશ્વામિત્રી નદીના આસપાસના ગામોમાં પાણી ઘુસવાની શરૂઆત થઈ છે. આથી નદીમાં રહેલા મગરોનો ડર પણ હવે લોકોને સતાવી રહ્યો છે. વિશ્વામિત્રી નદીમાં 441 જેટલા મગરો છે.
ભારે વરસાદને કારણે પુરની સ્થિતિ વિકટ બની છે. હાલ વિશ્વામિત્રી નદીની સપાટી 29.13 ફૂટે પહોંચી છે. ભયજનક સપાટી 26 ફૂટ છે. ભારે વરસાદથી વડોદરામાં આ ઉપરાંત ઉપરવાસમાંથી છોડાયેલા પાણીને પગલે વિશ્વામિત્ર નદીમાં પાણી આવ્યું છે. કમાટીપુરા, પરશુરામ, ભટ્ટો સહિતના નીચાણવાળા વિસ્તારમાં પાણી ઘૂસવાનીની શરૂઆત થઈ છે. 35 થી 40 ઝૂંપડા કે જે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આજે શાળા-કોલેજો બંધ રાખવામાં આવી છે. હાલ એનડીઆરએફની ટીમ યોગ્ય લાગે તે લોકોનું રેસ્કયું પણ કરી રહી છે.
ઉપરવાસમાં વરસાદને કારણે આજવા સરોવરમાં સપાટી વધીને 212.15 થતા તેમાંથી પાણી છોડવાનું ચાલુ રાખવામાં આવ્યું છે. 211 ફૂટ સુધી સપાટી જાળવી રાખવાની હોવાથી 1.15 ફૂટ પાણી છોડવામાં આવશે. જેને કારણે વિશ્વામિત્રી નદીમાં નમતી બપોરે સપાટી 29 ફૂટ સુધી પહોંચતા તંત્રએ સલામતીના કારણોસર વિશ્વામિત્રી કાલાઘોડાનો બ્રિજ બંધ કરવાનો નિર્ણય લીધો છે. વડોદરા શહેર પોલીસ દ્વારા બ્રિજના બંને બાજુએ બેરીગેટ મૂકીને અવરજવર બંધ કરી દેવામાં આવી હતી.