હાલ ભાજપ માટે સૌથી મોટો ચિંતાનો વિષય મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણી છે
Maharashtra Election 2024 માટે તમામ રાજકીય પક્ષો સક્રિય ભૂમિકામાં આવી ગયા છે. મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપ બેકફૂટ પર ધકેલાયા બાદ હવે વિધાનસભાની ચૂંટણીમાં પણ પાર્ટી મુશ્કેલીઓ સામનો રહી છે. મળતા અહેવાલ મુજબ અજિત પવારે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં વધુમાં વધુ બેઠકોની માંગણી કરીને ભાજપ પર દબાણ વધારવાનો પ્રયાસ કર્યો છે.
એવા સમાચાર છે કે મહારાષ્ટ્રમાં ઓક્ટોબર 2024માં વિધાનસભા ચૂંટણી યોજાઈ શકે છે. રાજ્યમાં 288 વિધાનસભા બેઠકો પર કડક ટક્કર થવાની સંભાવના છે. હાલ ભાજપ માટે સૌથી મોટો ચિંતાનો વિષય મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણી બની ગયો છે, કારણ કે, અજિત પવારની પાર્ટી NCP 80થી 90 બેઠકોનો દાવો કરી રહી છે. તો મુખ્યમંત્રી એકનાથ શિંદેની પાર્ટી શિવસેના પણ 100 બેઠકોની અપેક્ષા રાખી રહ્યું છે. ત્યારે ભાજપ પોતે 170-180 બેઠકો પર ચૂંટણી લડવા માંગે છે.
અજિત પવારની પાર્ટી NCPએ લોકસભાની ચૂંટણીમાં માત્ર એક બેઠક જીતી છે, તેમ છતાં તેઓ વિધાનસભામાં વધુમાં વધુ બેઠકોની માંગણી કરી ભાજપ પર દબાણ વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભાજપની આગેવાની હેઠળના મહાયુતિ ગઠબંધનની વાત કરીએ તો શિવસેના અને એનસીપી વધુમાં વધુ બેઠકોની માંગણી કરી રહ્યા છે, તો બીજીતરફ ભાજપ પણ રાજ્યની 288 વિધાનસભા બેઠકોમાંથી મોટાભાગની બેઠકો તેની પાસે રાખવા માંગે છે.
થોડા દિવસો પહેલા અજિત પવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે દિલ્હીમાં મુલાકાત કરી હતી. સૂત્રોનું માનીએ તો આગામી વિધાનસભાની ચૂંટણી માટે બેઠકની વહેંચણી માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ભાજપના નેતાઓ અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ અજિત પવારના ઘરે જઈને તેમની સાથે મુલાકાત કરી ચુક્યા છે.
અજિત પવારે અમિત શાહ સાથે બેઠકમાં શક્ય તેટલી વહેલી તકે સીટ વિતરણને આખરી ઓપ આપવાનો આગ્રહ રાખ્યો હતો અને લોકસભા ચૂંટણીની જેમ છેલ્લી ઘડી સુધી સીટની વહેંચણી મોકૂફ રાખવાનું ટાળ્યું હતું . આ બેઠક માટે અજિત પવાર ગઈકાલે રાત્રે (23 જુલાઈ) દિલ્હી પહોંચ્યા હતા. ભાજપના વરિષ્ઠ નેતા અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ પણ બુધવારે (24 જુલાઈ) દિલ્હી પહોંચ્યા હતા.
તાજેતરમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી પદ પર નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું, ‘પાર્ટી કાર્યકર્તાઓ મને સતત પૂછી રહ્યા છે કે મુખ્યમંત્રી કોણ હશે અને મેં તેમને સ્પષ્ટ કહ્યું છે કે મુખ્યમંત્રી મહાયુતિમાંથી જ હશે.’ તે જ સમયે, શિંદે સમર્થક નરેશ મ્સ્કે કહ્યું હતું કે મહારાષ્ટ્રની આગામી વિધાનસભા ચૂંટણી વર્તમાન મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વમાં લડવામાં આવશે